વિવાદ:છેડતીના મુદ્દે ચાલતી તકરારમાં યુવકની ધોલાઇ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો, અંતે બંને પક્ષે સમાધાન

ખોરાણાના યુવકને છેડતીના મુદ્દે ઉઠાવી જઇ બે શખ્સે માર માર્યો હતો, ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અંતે આ મામલે બંનેપક્ષે સમાધાન થઇ ગયું હતું. રાજકોટ તાલુકાના ખોરાણા ગામનો હિરેન રવજીભાઇ સોલંકી (ઉ.વ.25) સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થયો હતો અને તેણે બેડી ગામના કિશોર કોળી તથા એક અજાણ્યા શખ્સે બાઇકમાં ઉઠાવી જઇ રૂમમાં પૂરી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. અપહરણનો મામલો પ્રકાશમાં આવતા કુવાડવા પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષાચાલક હિરેન બેડી ગામમાં રિક્ષા સ્ટેન્ડે રિક્ષા રાખતો હતો, એક યુવતીની હિરેને અગાઉ છેડતી કર્યાની વાત પ્રકાશમાં આવતા કિશોર કોળી સહિતનાએ તેને અગાઉ ઠપકો આપ્યો હતો, ત્યારબાદ પણ કિશોરે આવું કૃત્ય કર્યું હોય કેટલાક દિવસથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

રવિવારે સાંજે હિરેન પેટ્રોલ પંપે રિક્ષામાં પેટ્રોલ પૂરાવા ગયો હતો અને તેની જાણ થતાં કિશોર સહિત બે શખ્સ ત્યાં પહોંચી ગયા હતા અને છેડતીના મુદ્દે ચાલતી તકરારમાં સમાધાનના બહાને તેને લઇ ગયા હતા, જ્યાં મામલો બિચકતા તેની મારકૂટ કરી હતી. એક તબક્કે હિરેને આ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હતી અંતે બંને પક્ષે સમાધાન થતાં પોલીસે તે અંગેની નોંધ કરી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...