આત્મહત્યા:ગોંડલમાં વેઈટરે હોટલમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, પ્રેમમાં નાસીપાસ થઈ આપઘાતનું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં પ્રાથમિક તારણ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસે મૃતકનો મોબાઈલ ચેક કરતા કોઈ યુવતીનો પ્રેમ સંબંધનો મેસેજ આવેલો જોવા મળ્યો

ગોંડલના જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટેલના વેઈટર જયેશે હોટેલનાં ક્વાર્ટરમાં ગત રાત્રે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પ્રેમમાં નાસીપાસ થઈ વેઈટરે આપઘાતનું પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી અને જયેશના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

હોટલના કર્મચારીએ બારીમાંથી જોતા જયેશનો મૃતદેહ લટકતો જોવા મળ્યો
ગોંડલ નેશનલ હાઈવે જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટલમાં છેલ્લા સાત વર્ષથી વેઈટર તરીકે કામ કરતા મૂળ ઉનાના સંખેડાના વતની જયેશ ઉકાભાઈ પરમાર (ઉં.વ.27)એ ગત રાત્રે હોટલની પાછળ આવેલા ક્વાર્ટરની રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દરમિયાન હોટેલના અન્ય કર્મચારીએ બારીમાંથી રૂમમાં નજર કરતા જયેશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. હોટેલના માલિક પ્રફલભાઈ ટોળીયાને જાણ કરતા દોડી આવ્યા હતા. પ્રફુલભાઈએ તાલુકા પોલીસને જાણ કરી શાપર રહેતા મૃતકના પિતરાઈ પ્રજ્ઞેશભાઈને બનાવ અંગે જાણ કરી હતી. બાદમાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મૃતકના પિતા મજૂરી કામ કરે છે
બનાવ અંગે પોલીસે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર જયેશનો મોબાઈલ ચેક કરતા કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધનો મેસેજ મળી આવ્યો હતો. આથી પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા કે અન્ય બાબતે આત્મહત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન છે. મૃતકના પિતા સંખેડામાં મજૂરી કામ કરે છે. બે ભાઈઓનાં પરિવારમાં જયેશ મોટો હોવાનું જાણવા મળ્યું હતું.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)