દ્વારકા પાસે આવેલા નાનકડા ગામ વરવાળામાં બે દિવસ પહેલા યુવાનની હત્યા થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા એક રાજગોર બ્રાહ્મણ યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી નાખી હતી. તેની હજુ તપાસ પણ પૂરી થઈ નથી ત્યાં આજે વરવાળા ગામમાં ડ્રાઇવરનો વ્યવસાય કરતા અપરિણીત યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળતા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. દ્વારકા પોલીસે ઘટનાસ્થળ પર આવી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ હત્યા છે કે આત્મહત્યા તેનું પગેરૂ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાતના એક વાગ્યા સુધી યુવાન બજારમાં જોવા મળ્યો હતો
મળતી માહિતી અનુસાર દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર આવેલા વરવાળામાં રહેતો અપરિણીત યુવાન સાંગાભાઇ વરજાંગભાઇ પરમાર (ઉં.વ. 35) ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો. આજે વહેલી સવારે મુખ્ય માર્ગ પર આવેલી ગૌશાળાના ઝાડ સાથે તે લટકતો જોવા મળ્યો હતો. વહેલી સવારના લટકતો મૃતદેહ જોતા આખું ગામ ભેગુ થયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પર પોલીસે આવી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. લોકોના જણાવ્યાનુસાર મૃતક સાંગાભાઇ રાતના એક વાગ્યા સુધી બજારમાં જોવા મળ્યો હતો. હવે પોલીસ તપાસમાં આ હત્યા છે કે આત્મહત્યા તે જોવાનું રહ્યું.
બે દિવસ પહેલા માથુ છૂંદી યુવાનની હત્યા કરાઈ હતી
બે દિવસ પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં અગાસી પર સુતેલા અરવિંદભાઈ (ઉં.વ.36) નામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારે ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા માથુ છૂંદાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો.જો કે આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને હત્યા બીજુ કોઈ નહીં પરંતુ યુવાનની પત્ની અને તેના પ્રેમીએ સાથે મળી કરી હતી.
(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.