તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો છે. શહેરના અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતા મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા ગત સાંજે મિસ્ત્રીકામ પતાવી એક્ટિવા પર જતા હતા. ત્યારે પતંગની દોરી ગળામાં ફસાતા નાક અને ગળામાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. આથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમગ્ન બની ગયો છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. પતંગની દોરીએ દિકરો છિનવી લીધો. અન્ય લોકોએ ઉતરાયણ પર તકેદારી રાખે તેવી અમારી અપીલ છે.
લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ ગયો હોવાથી માંડમાંડ ઘરનું ગુજરાન ચાલતુ હતું
વિપુલભાઈના કાકાએ વધુમાં જણાવ્યું હતું કે, વિપુલ મિસ્ત્રીકામ કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો. લોકડાઉન અને કોરોનાને કારણે ઘરનું ગુજરાન પણ માંડમાંડ ચાલી રહ્યું હતું. વિપુલને આઠ વર્ષની દીકરી છે. પિતાના અવસાનને કારણે તે નોધારી બની ગઈ છે. આવી કરૂણ ઘટના ભગવાન બીજા કોઇના ઘરમાં ન દેખાડે તેવી પ્રાર્થના છે. મિસ્ત્રીકામમાં પણ મંદી હોવાથી પરિવાર જેમ તેમ કરીને ઘર ચલાવી રહ્યો હતો.
પતગંની દોરી યુવાનના ગળામાં ઉતરી ગઈ હતી
મવડીના ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામનું છૂટક કામ કરતા વિપુલભાઈ શનિવારે સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક સત્યમ પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઉતરી ગઈ હતી. આથી ગળા અને નાકમાંથી ખૂબ જ લોહી વહી ગયું હતું.
8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી. જેથી બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતાં. જો કે કારીગરને નજીવી ઇજા થઇ હતી અને વિપુલને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. વિપુલભાઈ બે ભાઈઓમાં નાના હતાં. વિપુલના મોતથી 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.
સ્થળ પર 5 થી 7 મિનિટ સુધીમાં યુવાનનું ઘણું બધું લોહી વહી ગયું
પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, યુવાનના ગળામાં દોરો ફસાઇ ગયા બાદ તે સ્થળ પર જ પાંચથી છ મિનિટ જેટલો સમય લોહીલુહાણ હાલતમાં પડ્યો રહ્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે યુવાનને ગળાની સાથે નાકમાંથી પણ ઘણું લોહી વહી ગયું હતું. જેને કારણે યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. બનાવ સમયે રોડ પરથી અનેક વાહનો અહીંથી પસાર થયા હતા, જો યુવાનને સમયસર સારવાર મળી હોત તો તેની જિંદગી બચી જાત તેવું તબીબે કહ્યું હતું.
આવી ઘટના ન બને તે માટે નિયમનો કડક અમલ જરૂરી
અમે સામાન્ય પરિવારના છીએ. પરિવારનો જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અમે તો દીકરો ગુમાવ્યો છે, પરંતુ હવે કોઇનો દીકરો કે પરિવારનો આધારસ્તંભ આવી ઘટનાથી ન છીનવાય તે માટે તંત્રે નિયમોનું કડકપણે અમલ કરાવવું જરૂરી છે. ભનુભાઇએ લોકોને પણ આવા ચાઇનીઝ કે ઘાતક દોરાનો ઉપયોગ ન કરવા પણ ભગ્નહૃદયે અપીલ કરી છે. - મૃતકના કાકા, ભનુભાઇ બકરાણિયા
વાહનચાલકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે. વાહનચાલકો તકેદારી રાખે તે જરૂરી છે. આ અંગે પોલીસ તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.