લોધિકાના સાંગણવાના યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. સાંગણવા ગામે રહેતા અર્જુનસિંહ છત્રપાલસિંહ જાડેજા નામના 28 વર્ષના યુવકે કોઇ અગમ્ય કારણોસર શનિવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રના આપઘાતથી જાડેજા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. અન્ય એક બનાવમાં ચોટીલામાં રહેતો જયદીપ કનુભાઇ ધાધલ (ઉ.વ.27) શનિવારે સાંજે બાઇક ચલાવીને જતો હતો અને ચોટીલામાં આશાપુરા હોટેલ પાસે પહોંચ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયદીપને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય એક બનાવમાં પારેવડી ચોક પાસેના ખોડિયારપરામાં રહેતી સોનલબેન ધામેલ (ઉ.વ.35) અને તેનો પતિ વિજય રવિવારે સવારે 9.30 વાગ્યે કરણસિંહજી રોડ પર બાલાજી મંદિર પાસે હતા ત્યારે પતિ પત્ની વચ્ચે કોઇ મુદ્દે બોલાચાલી થતાં વિજય ઉશ્કેરાયો હતો અને જાહેરમાં જ તેની પત્ની સોનલબેનને ઢીકાપાટુનો માર માર્યા બાદ કમરપટ્ટાથી ફટકારી હતી, જેથી સોનલબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલબેનના લગ્ન 12 વર્ષ પૂર્વે થયા હતા અને તેને 5 સંતાન છે, બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.