આત્મહત્યા:રાજકોટના દિવેલીયાપરામાં નિયમીત ટ્યુશન જવા બાબતે શ્રમિક પિતાએ ઠપકો આપતાં તરુણે ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • ધોરણ-6માં અભ્યાસ કરતો મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો

રાજકોટના નવાગામ ખાતે દિવેલીયાપરામાં રહેતાં મુળ યુપીના દંપતિનો 11 વર્ષનો પુત્ર ગત સાંજે ઘર નજીક ઝાડવા પર લટકતો મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દિકરાએ જાતે આપઘાત કર્યો કે કેમ? તે અંગે તેના પિતાએ શંકા દર્શાવી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળકે નિયમીત ટ્યુશનમાં જતો ન હોઇ પિતાએ ઠપકો આપતાં તેણે આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

ઝાડ પર કાળા રંગના કપડા પહેરેલો એક છોકરો લટકે છે
પ્રાપ્ત વિગત મુજબ નવાગામ દિવેલીયાપરામાં રહેતો સંદિપસિંગ વિજયસિંગ ઠાકુર નામના 11 વર્ષીય કિશોરે સાંજે ઘરેથી પિતા પાસેથી પાંચ રૂપિયા લઇને નીકળ્યા બાદ મોડે સુધી પાછો ન આવતાં અને એ દરમિયાન તેની માતા કંકુબેન મજૂરી કામેથી ઘરે આવતાં તેણે પતિને દિકરો સંદિપસિંગ કયાં છે? તેમ પુછતાં તેણે તે રમવા ગયાનું કહ્યુ઼ હતું. મોડે સુધી દિકરો ઘરે ન આવતાં તેને માતા શોધવા નીકળી હતી. એ દરમિયાન ઝાડ પર કાળા રંગના કપડા પહેરેલો એક છોકરો લટકે છે એવું જાણવા મળતા મૃતકની માતા ત્યાં પહોંચતા તેનો પુત્ર સંદિપસિંગ જ હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો.

માતા અને પિતા છુટક મજૂરી કામ કરે છે
પિતા વિજયસિંગ વાસુદેવસિંગ ઠાકુરને જાણ થતાં તે પોલીસને જાણ કરવા ગયા હતાં. એ દરમિયાન લોકો લાશ ઉતારીને ઘરે લાવ્યા હતાં. પોલીસને જાણ થતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા તથા સંજયભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક સંદિપસિંગ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. તેના પિતા વિજયસિંગ અને માતા કંકુબેન છુટક મજૂરી કરે છે.

પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે
પ્રારંભે સંદિપસિંગના પિતા વિજયસિંગે શંકા દર્શાવી કહ્યું હતું કે- મારો દિકરો દસ બાર ફુટ ઉંચાઇ ધરાવતાં ઝાડ પર જાતે લટકી શકે નહિ. તેને કોઇએ લટકાવી દીધો હોવો જોઇએ. જો કે પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે કેટલાક દિવસથી સંદિપસિંગ નિયમીત શાળાએ અને ટ્યુશનમાં જતો ન હોઇ તે કારણે ઠપકો મળતાં તેણે આપઘાત કર્યો હતો. આમ છતાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં કાર્યવાહી થઇ હતી. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘટના આપઘાતની જ હોવાનું સ્પષ્ટ થયું છે.