રાજકોટના રોહીદાસપરામાં રહેતા કાળુ રાજુભાઈ વાઘેલા નામના યુવાને ગઇકાલે રાત્રે 10.30 વાગ્યે સિવિલ હોસ્પિટલનાં એક્સ-રે રૂમ પાસે જઇને એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કાળુ વાઘેલાને પરપ્રાંતીય પરિણીતા સાથે છેલ્લા લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. બન્ને અવાર-નવાર મળતા તથા ફોન પર વાતચીત પણ કરતા હતા. પરંતુ પરિણીતા થોડા સમય પૂર્વે બીમાર થઈ હતી. પરંતુ તેમની પાસે સારવાર માટે નાણા ન હોય આ અંગે કાળુને વાત કરતા તેણે તેના ખાતામાં રૂ.600 જમા કરાવ્યા હતા. કાળુએ નાણાં આપ્યાની જાણ પરિણીતાના દિયરને થતા બન્ને વચ્ચેનો પ્રેમ સંબંધ ખુલ્લો પડી ગયો હતો. આથી તેણે ભાભીને યુપીમાં આવેલ વતનમાં મોકલી દીધી હતી. આથી કાળુનો પ્રેમિકા સાથે સંપર્ક તૂટી જતાં આ પગલુ ભર્યું હતું.
પુરૂષ મિત્રના ત્રાસથી કંટાળી યુવતીએ ફિનાઇલ પીધું
શહેરની પરિમલ સોસાયટીમાં રહેતી મૂળ જામનગરની યુવતીએ મિત્ર નિશાંત મકવાણાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવી છે. સારવારમાં રહેલી યુવતીએ જણાવ્યું હતું કે, પોતે એક ભાઈ અને બે બહેનમાં મોટી છે. પોતે મિત્ર નિશાંત સાથે મળી પીજી(ગર્લ્સ હોસ્ટેલ) ચલાવતા હતા. ત્યાં નિશાંતે લગ્નની લાલચ આપી બંને એકાદ વર્ષ સાથે રહ્યા બાદ નિશાંતે હેરાન-પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. તેમજ ભાગીદારીમાં ચાલી રહેલી પીજીમાંથી છૂટા થઈ જવાનું કહ્યું હતું. આથી તેમના પૂર્વ પ્રેમી પુષ્પરાજને આ વાતની જાણ કરતા તેમણે કહ્યું કે, હવે તેની સાથે રહે જેથી કંટાળી પગલું ભરી લીધું હતું. આ અંગે હાલ યુનિવર્સિટી પોલીસે યુવતીનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સદર બજારમાં વૃદ્ધાએ ફિનાઇલ પીધું
શહેરની સદર બજારમાં ફાતેમા મંજીલ ખાતે રહેતાં રમાબેન ભીખુભાઇ સંચાણીયા (ઉં.વ.62) નામના વૃદ્ધાએ સાંજે સવા સાતેક વાગ્યે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. રમાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ ભીખુભાઇ મ્યુનિ. કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી છે. ભીખુભાઇએ જણાવ્યું હતું કે, અમે ફાતેમા મંજીલ મકાનના લગભગ 70 વર્ષ જૂના ભાડૂઆત છીએ. જ્યારે આ મકાન 40 વર્ષ પહેલા સાલેહભાઇ ચુનાવાલાએ લીધું છે. હવે તેઓ દ્વારા અમને મકાન ખાલી કરવા મામલે સતત હેરાન કરવામાં આવે છે. કંટાળી જતાં મારા પત્ની રમાબેને ફિનાઇલ પી લીધું હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
લિવરની બીમાથી કંટાળી વૃદ્ધ ઉંદર મારવાની દવા પીધી
રાજકોટના આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં રહેતાં મોહનભાઇ દેવશીભાઇ બાવળીયા (ઉં.વ.70)એ ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મોહનભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે નિવૃત જીવન જીવે છે. પેટનો દુઃખાવો રહેતો હોઇ અને લિવરની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના જાગનાથપ્લોટ શેરી નં. 7/1ના ખુણે શ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં અને ચોકીદારી કરતાં લોકબહાદુર વિશ્વકર્માનો પુત્ર અભી વિશ્વકર્મા (ઉં.વ.20) રાતે સાડા ત્રણેક વાગ્યે એપાર્ટમેન્ટના ચોથા માળે અગાસી પરથી પડી ગયો હતો. ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં તેનું મોત નીપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર અભી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને સોના-ચાંદીની દુકાનમાં કામ કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ અભી રાતે ગરમીના કારણે અગાસીએ સુવા ગયો હતો. વહેલી સવારે લઘુશંકા માટે જાગતાં અકસ્માતે બેલેન્સ ગુમાવતાં પડી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
રણુજા મંદિર પાસે સર્પદંશથી યુવાનનું મોત
રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીક રામરણુજા સોસાયટી પાછળ આવેલી ભુવનેશ્વરી સોસાયટી-2માં રહેતાં મનિષ દિપકભાઇ ધોરીયા (ઉં.વ.30)ને રાતે સાડા નવેક વાગ્યે હાથ પર સાપે દંશ મારી દેતાં મોત નીપજ્યું હતું. મનિષ ધોરીયા રાતે ઘર નજીક ગોકુલ પાર્ક-1માં માતુશ્રી શાળા નજીક મિત્રો સાથે બેઠો હતો ત્યારે અચાનક સાપ આવ્યો હતો અને હાથ પર દંશ મારી દીધો હતો. મનિષને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શક્યો નહોતો. તે ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. છૂટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. હોસ્પિટલ ચોકીએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ્ટેબલ મહેન્દ્ર પરમારે કાર્યવાહી કરી હતી.
માલવિયાનગર પોલીસે બાઇકચોરીના બે આરોપીને ઝડપ્યા
શહેરના માલવિયાનગર પોલીસ દ્વારા વાહનચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગર મેઈન રોડ પર નંબર પ્લેટ વગર હોન્ડા લઇ પસાર થતા શખસને અટકાવી વાહન નંબર, ચેસીસ નંબરની તપાસ પોકેટ કોપ એપ્લિકેશન મદદથી કરતા ચોરીનું હોન્ડા હોવાનું સામે આવતા પોલીસે યશ ભુવા અને અવધ કણસાગરાની ધરપકડ કરી હતી. તેમજ ચોરાઉ બાઇક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સવારે હેમુ ગઢવી હોલ પાછળ રેલવે ટ્રેક સામે નાસ્તો કરવા ઉભેલા વ્યક્તિએ બાઇક પાર્ક કર્યું હતું જ્યાંથી વાહન માલિકની નજર ચૂકવી આરોપીઓએ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી છે. જેને ગણતરી કલાકોમાં પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે 3 શખસની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઈક સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી કુલ બે વાહનચોરીના ભેદ ઉકેલી એક વાહન કબ્જે કરી બીજું વાહન કબ્જે કરવા તપાસ હાથ ધરી છે. પોલીસે મવડી ચોક નજીકથી ચોરાઉ વાહન લઇ પસાર થતા ત્રણ શખ્સને અટકાવી પૂછપરછ કરતા તેમને તેમના નામ અનિકેત રાઠોડ, રાજદિપ ઉર્ફે બાબુ પરમાર અને મિતરાજ પરમાર હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રહેલુ બાઈક ચોરાઉ હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓએ કુલ બે વાહન ચોરી કર્યાની કબૂલાત આપતા અન્ય એક વાહન કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ રાત્રિના સમયે શેરીમાં ઘરની બહાર પાર્ક કરાયેલા વાહનોની ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
દુષ્કર્મનો આરોપી રાજકોટથી ઝડપાયો
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અપહરણ અને પોક્સો ના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશ ભાસ્કર (ઉ.વ.26) સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્ક પાસે આવાસ યોજનાના ક્વાર્ટર પાસે છે જેથી સ્થળ પર પહોંચી તેની ધરપકડ કરી અમદાવાદ બાપુનગર પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મુકેશ સામે વર્ષ 2020માં સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ અમદાવાદના બાપુનગર પોલીસમાં નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.