રાજકોટના થોરાળાના મનહર સોસાયટી-1માં રહેતી પુજા મનોજભાઈ જાદવ (ઉ.વ.22) ગઇકાલે તેના ઘરે હતી ત્યારે તેમની બાજુમાં આવેલ ચુનારવાડ-2માં રહેતી સગીરા તેના ઘરે ગઈ હતી ત્યારે ત્યાં પાણીની મોટર ચાલુ હતી તેમાં હાથ અડી જતાં વિજ-શોક લાગતા તે મોટર સાથે ચોંટી ગઈ હતી. જેને તે માંથી છોડાવવા ગયેલ પુજાબેનને જોરદાર વિજ-કરંટ લાગતાં બંન્ને ફંગોળાઈને પટકાયા હતાં. જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જયાં પુજાબેન જાદવનું ચાલુ સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમમાં ખસેડયો હતો. મૃતક પુજાના છુટાછેડા થયેલ હતા અને તે પિતાના ઘરે રહેતી હતી તે બે ભાઈ બહેનમાં મોટી હતી. જેમના ભાઈનું દસ માસ પહેલા મોત થયેલ હતું. હવે પુત્રીના પણ મોત થતાં પરીવાર પર આભ તુટી પડયું હતું.
લુખ્ખા તત્વો પોલીસના સકંજામાં
વિધાનસભાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ તંત્ર પણ ‘એક્ટિવ’ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી વારંવાર ગુનાઓ આચરી ભયનો માહોલ ફેલાવી દેનારા તત્ત્વો ઉપર પોલીસે ધોંસ બોલાવીને અનેકને ભોંભીતર કરી દીધા છે. પોલીસ દ્વારા તા.3 નવેમ્બરથી લઈને 13 નવેમ્બર સુધીના દસ જ દિવસની અંદર 22 લોકોને પાસાના પીંજરે પૂરી દેવામાં આવ્યા છે તો ગુનાખોરી આચરવામાં અઠંગ બની ચૂકેલા 23 લોકોને હદપાર કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસની સભા દરમિયાન બે આગેવાનોનો મોબાઇલ ફોન ગાયબ
રાજકોટ શહેરની પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે સભા સંબોધન કરી બાદમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી જો કે આ સભા સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કોંગ્રેસના આગેવાન બાબુભાઇ ડાભીનો મોબાઇલ ફોન ગાયબ થયો હતો સ્ટેજ પરથી મોબાઈલ મળે તો પરત આપવા જાહેરાત કરાઈ હતી પરંતુ કોઈ પરત આપી ન જતા મોબાઈલ ચોરાયો હોવાની શંકા સેવામાં આવી રહી છે.
6 ચોરાઉ વાહન સાથે રીઢો ચોર ઝડપાયો
રાજકોટ રૂરલ એલસીબી ટીમ દ્વારા વાહનચોરની ધરપકડ કરી 6 ચોરાઉ વાહન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુમા આરબ સમા (ઉ.વ.50) ને ઝડપી પાડી અલગ અલગ જિલ્લામાંથી ચોરી કરેલ 6 બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીએ છેલ્લા 15 જ દિવસમાં રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી કુલ 6 વાહનોની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.