ફરિયાદીની પુત્રી આરોપી નીકળી:પ્રેમીને ધંધો શરૂ કરાવવા પ્રેમિકાએ પોતાના જ ઘરે બોલાવી 7.34 લાખની ચોરી કરાવી, જોબ પ્લેસમેન્ટની એજન્સી ખોલવા પૈસાની જરૂરિયાત હતી

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં પ્રેમિકાએ જ નકલી ચાલી બનાવી પ્રેમીને આપી પોતાના ઘરમાં ચોરી કરાવી હતી, પોલીસે પ્રેમીની ધરપકડ કરી - Divya Bhaskar
રાજકોટમાં પ્રેમિકાએ જ નકલી ચાલી બનાવી પ્રેમીને આપી પોતાના ઘરમાં ચોરી કરાવી હતી, પોલીસે પ્રેમીની ધરપકડ કરી
  • પ્રેમીએ પોતાનો સોનાનો ચેઈન મુથ્થુટ ફાયનાન્સમાં મૂકી લોન મેળવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
  • ફરિયાદી 24 નવેમ્બરના રોજ પરિવાર સાથે દિલ્હી ગયા હતા અને ઘરની ચાવી ભાણેજને આપતા ગયા હતા

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા રેલવેના લોકોપાઇલટના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. યુવતીએ પોતાના જ ઘરમાં ચોરી કરાવવા પ્લાન ઘડ્યો હતો અને તેના પ્રેમીએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંનેને ઝડપી લઇ સોનાના બે બિસ્કિટ સહિત તમામ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેલનગરના રામેશ્વરપાર્કમાં રહેતા અને રેલવેમાં લોકોપાઇલટ તરીકે ફરજ બજાવતાં ફ્રાન્સિસભાઇ લલિતશેન ક્રિશ્ચિયને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફ્રાન્સિસભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેમના પત્ની, પુત્રી રિયાન્સી સહિતનો પરિવાર ગત તા.24ની રાત્રે નવ વાગ્યે ટ્રેનમાં દિલ્હી ગયા હતા અને તા.29ના પરત આવ્યા હતા. તેમના મકાનની ચાવી નજીકમાં રહેતી તેમની ભાણેજ નિલોફરને આપી હતી. ક્રિશ્ચિયન પરિવાર પરત આવ્યો ત્યારે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ્યા ત્યારે કબાટમાં રાખેલી તમામ ચીજવસ્તુઓ વેરવિખેર દેખાતા ચોરી થયાની શંકા ઊઠી હતી અને કબાટની તિજોરી ચેક કરતાં તેમાંથી સોનાના બે બિસ્કિટ, રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂ.7.34 લાખનો મુદ્દામાલ ગાયબ હતો.

પોલીસે 7.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે 7.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
1. સોનાના બિસ્કીટ નંગ-2 (કિંમત- 5,49,000)
2. રોકડા રૂપિયા 55,100
3. ડુપ્લીકેટ ચાવી નંગ-1
4. જ્યુપિટર મોટર સાઈકલ (કિંમત-30 હજાર)

ચોરીની ઘટનાની જાણ થતાં જ પ્ર.નગર અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તસ્કરે મકાનમાં પ્રવેશવા માટે તાળું તોડ્યું નહોતું, અને તાળું ડુપ્લિકેટ ચાવીથી ખુલ્યાની શંકા ઉઠતા જ પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ રબારી અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલાને માહિતી મળી હતી કે, ફ્રાન્સિસભાઇની પુત્રી રિયાન્સીને યુનિવર્સિટી રોડ પરની સરિતા વિહાર સોસાયટીમાં રહેતા અને વાહનના લે-વેચનો ધંધો કરતાં પાર્થ નવનીત ભટ્ટ સાથે પ્રેમસંબંધ છે, અને ચોરીમાં તેની સંડોવણી છે, પોલીસની ટીમ સરિતા વિહારમાં દોડી ગઇ હતી, પોલીસ પહોંચી ત્યારે પાર્થ ભટ્ટ સ્કૂટર લઇને બહાર જવાની પેરવીમાં હતો, પોલીસે તેને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી, પોલીસની આગવી સ્ટાઇલની પૂછપરછમાં પાર્થ ભટ્ટ ભાંગી પડ્યો હતો અને તેણે ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે સ્કૂટરની ડેકી ખોલતાં જ તેમાંથી રોકડ, સોનાના બિસ્કિટ અને દાગીના મળી આવ્યા હતા.

પૂછપરછમાં પાર્થ ભટ્ટે કબૂલાત આપી હતી કે, પોતે અગાઉ રેલનગરમાં રહેતો ત્યારે ફ્રાન્સિસભાઇની પુત્રી રિયાન્સી સાથે પ્રેમ થયો હતો અને ત્રણ વર્ષ પહેલા બંને લીવઇન રિલેશનશિપમાં પણ રહેતા હતા, પરંતુ ત્રણ મહિના સાથે રહ્યા બાદ બંને અલગ થઇ ગયા હતા, જોકે બંને વચ્ચેના પ્રેમસંબંધ યથાવત્ હતા. પાર્થ અને રિયાન્સી જોબ પ્લેસમેન્ટની એજન્સી લેવા ઇચ્છતા હતા અને તે માટે ડિપોઝિટની રકમની જરૂરિયાત હતી. ધંધા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે રિયાન્સીને પોતાના જ ઘરમાં ચોરીનો વિચાર આવ્યો હતો, પરંતુ મોકાની રાહ હતી. દિલ્હી રહેતા સંબંધીના ઘરે જવાનું નક્કી થતાં રિયાન્સી સક્રિય બની હતી અને ચોરીનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ક્રિશ્ચિયન પરિવાર તા.24ના રાત્રે 9 વાગ્યે દિલ્હી જવા રવાના થયો તે પહેલા દિવસના સમયે રિયાન્સીએ પ્રેમી પાર્થને ઘર નજીક બોલાવ્યો હતો અને ઘરની ચાવી આપી હતી, પાર્થ એ ચાવી પરથી કાલાવડ રોડ પર જઇ તેની ડુપ્લિકેટ ચાવી બનાવી લાવ્યો હતો અને દોઢ કલાકમાં જ પ્રેમિકાને ઓરિજિનલ ચાવી પરત આપી દીધી હતી. ક્રિશ્ચિયન પરિવાર રવાના થયાના બીજા દિવસે તા.25ના પાર્થ તેમના ઘરે પહોંચ્યો હતો અને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અંદર ઘૂસી ચોરી કરી લીધી હતી. પોલીસે રિયાન્સી અને પાર્થની ધરપકડ કરી બંનેની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

રિયાંશીના પિતા ફ્રાન્સિસભાઈએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી
રેલવેમાં લોકો પાઈલોટ તરીકે ફરજ બજાવતા અને રિયાંશીના પિતા ફ્રાન્સિસભાઇ લલિતસેન ક્રિશ્ચીયને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 24 નવેમ્બરના રોજ પોતે અને પત્ની તથા દિકરો, દિકરી તેમજ ભાણેજની દીકરી સાથે રાજકોટથી દિલ્હી ટ્રેનમાં ગયા હતાં. ઘરની ચાવી ભાણેજ નિલોફરને આપી ગયા હતા. બાદમાં 25 નવેમ્બરના રોજ સવારે તેઓ દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ આવવા ટ્રેનમાં બેઠા હતાં. ભાણેજ નિલોફરને જમવાનું બનાવી રાખવા માટે ફોન કર્યો હતો. પછી 10 મિનીટ બાદ ભાણેજે ફોન કરી કહ્યું હતું કે તમારા મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો છે. આથી ફ્રાન્સિસભાઈએ ભાણેજને મકાનની ચાવી હોય ખોલી અંદર તપાસ કરવાનું કહ્યું હતું.

ભાણેજે ઘરની અંદર જઈને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો
ભાણેજ નિલોફરે મામા ફ્રાન્સિસભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરની અંદર સામાન વેરવિખેર પડ્યો છે અને લોકર પણ તૂટેલું છે. આથી ભાણેજને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ બપોરે એકાદ વાગ્યા પછી ફ્રાન્સિસભાઈ ઘરે પહોંચ્યા હતાં. તેમણે તપાસ કરતાં ઘરમાંથી રૂ.2000, 500 અને 100ના દરની ચલણી નોટો રૂ. 1,60,000ની, સોનાના બે બિસ્કીટ રૂ. 5,49,000 અને 25 હજારનો સોનાનો ચેઈન ગાયબ હતો. રસોડાનો પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. ઘરના મુખ્ય દરવાજામાં ઈન્ટર લોક હતું. આ લોક ખોલીને કોઈએ ઘરમાં પ્રવેશ કરી કબાટની વચ્ચે ફીટ કરાવેલું લોકર તોડી તેની અંદરથી રોકડ, સોનાના બિસ્કીટ, ચેઈન મળી કુલ રૂ.7,31,000ની ચોરી કરી હતી.

પોલીસે આ રીતે આખો ભેદ ઉકેલ્યો
પ્રદ્યુમનનગર પોલીસે તુરંત જ ફરિયાદી ફ્રાન્સિસભાઈના ઘરની મુલાકાત લીધી હતી. બાદમાં તપાસમાં ડુપ્લીકેટ ચાલીથી ઈન્ટર લોક ખુલ્યો હોવાનું બહાર આવતા ઘરના સભ્યો ઉપર જ શંકાની સોય તાકી હતી. બાદમાં પોલીસે ફ્રાન્સિસભાઈના પુત્ર અને તેના ભાણેજની પૂછપરછ કરી હતી. દરમિયાન DCBની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા પર્સનલ સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી કામગીરી હાથ ધરી હતી. બાદમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, દીગુભા જાડેજા અને કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને પોતાના અંગત સોર્સથી હકીકત મળી હતી કે ફ્રાન્સિસભાઈની દીકીર રિયાંશી પોતાના પ્રેમી પાર્થ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહે છે અને રિયાંશીએ જ ઘરની નકલી ચાવી બનાવી પાર્થ પાસે ચોરી કરાવી હતી. બાદમાં પોલીસે પાર્થની પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...