વિવાદ:તારે પરપુરુષ સાથે સંબંધ છે, કહી પરિણીતાને ત્રાસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૂર્યોદય સોસા.માં રહેતા સાસરિયા સામે ફરિયાદ

શહેરના સંતકબીર રોડ, ન્યૂ શક્તિ સોસાયટી-2માં છ મહિનાથી 8 મહિના પુત્ર સાથે પિયરમાં રહેતી કાજલ નામની પરિણીતાએ કોઠારિયા રોડ, સૂર્યોદય સોસાયટીમાં રહેતા પતિ અંકિત, સસરા રાજેશભાઇ બિપીનભાઇ ઉતેરિયા, સાસુ જયશ્રીબેન, દાદીજી સાસુ લલિતાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમ.કોમ સુધી અભ્યાસ કરનાર કાજલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.19-11-2020ના અંકિત સાથે થયા છે. દરમિયાન લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ સહિતનાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તારે પરપુરુષ સાથે સંબંધ છે તેમ કહી ત્રાસ આપી ઘરની બહાર નીકળવા દેતા નહિ.

જ્યારે આ મુદ્દે સાસુ-સસરા સહિતનાઓને વાત કરતા તેઓ પણ પતિને સાથ આપી તારો જ વાંક હશે તેમ કહી તેઓ રસોઇ તેમજ ઘરકામ મુદ્દે મેણાં મારતા રહેતા હતા. પોતે સગર્ભા હતી ત્યારે સાસુ અને દાદીજી કહેતા કે લગ્ન તોડાવી નાખ્યા હોત તો સારું હતું તેવા મેણાં મારતા હતા. આ સમયે મારા માવતર સાસરે આવ્યા ત્યારે પતિ અંકિત ચપટી વગાડી તમે બધા અહીંથી જતા રહો, હવે પછી આવતા નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પુત્રનો જન્મ થયા પછી સવા મહિના બાદ જીયાણું કરવા જવાનું હતું. તે સમયે પતિ સહિતનાઓએ પોતાને પિયરમાં દોઢ જ મહિનો રોકાવવાનું છે.

જો વધારે રોકાઇશ તો અમે તને સાચવીશું નહિ. દરમિયાન પિયરથી ભાઇને બધા પોતાને તેડવા આવ્યા ત્યારે પણ સાસરિયાઓએ ગેરવર્તણૂક કરી અમે કાજલને સમજાવી છે, જો તેમ નહિ થાય તો મજા નહિ આવે. પોતાની હાજરીમાં પતિ સહિતના સાસરિયાઓએ તોછડું વર્તન કરવા છતાં પોતે કંઇ બોલ્યા વગર પિયર જતી રહી હતી. પિયર દોઢ મહિના પછી પણ પતિ કે સાસરિયાઓ તેડવા નહિ આવતા વડીલો મારફત સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ સાસરિયાઓ સમાધાન કરવા માટે રાજી ન હોય અંતે પોલીસમાં અરજી અને ત્યાર બાદ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...