સૌરાષ્ટ્ર યુનિ.માં રાજકારણ:આપે સેનેટની ચૂંટણીમાં સ્ટેચ્યુટ 187 રાખવા સાઇન કેમ્પેઇનથી એકઠી કરેલી સહી અને લોલીપોપ રિજિસ્ટ્રારને આપી

રાજકોટએક મહિનો પહેલા
આપના કાર્યકરોએ રજિસ્ટ્રારની લોલીપોપ સાથે એકઠી કરેલી સહી આપી અને રામધૂન બોલાવી. - Divya Bhaskar
આપના કાર્યકરોએ રજિસ્ટ્રારની લોલીપોપ સાથે એકઠી કરેલી સહી આપી અને રામધૂન બોલાવી.
  • ભાજપ-કોંગ્રેસે સાથે મળી સ્ટેચ્યુટ 187 હટાવવા અભિયાન હાથ ધર્યું હતું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિએ નિયત સમયમાં સેનેટ ચૂંટણી તો જાહેર ન કરી. પરંતુ બીજી તરફ ગુનેગારોને ચૂંટણી લડાવવા માટે ભાજપ-કોંગ્રેસના ખાસ સેનેટ બોલાવવાનું સહી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેની સામે આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેચ્યુટ 187 અમલ કરાવવા સાઇન કેમ્પેઇન મારફત એકઠી કરેલ સહી આજે રજિસ્ટ્રારને સુપ્રત કરી હતી. સાથે ચૂંટણીને લઇ વારંવાર અલગ અલગ બહાના બતાવતા આજે આમ આદમી પાર્ટી યુવા સંગઠન દ્વારા રજિસ્ટ્રારને લોલીપોપ આપી વિરોધ નોંધાવ્યો હતો.

આપે 1600 જેટલા અભિપ્રાય લીધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સહી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુનેગાર મુક્ત યુનિવર્સિટી હોવી જોઈએ કે નહીં એ મુદ્દે 1600 જેટલા અભિપ્રાય લેવામાં આવ્યા હતા. બાદમાં અલગ અલગ કોલેજમાં જઇને પણ આ અભિયાન આગળ વધારવામાં આવ્યું હતું. આજે રજિસ્ટ્રારને સોંપી સ્ટેચ્યુટ 187ની કડક અમલવારી કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વારંવાર સેનેટ ચૂંટણી અંગે જુદા જુદા બહાના બનાવતા સત્તાધીશો સામે વિરોધના ભાગરૂપે આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા રજિસ્ટ્રારને લોલીપોપ આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આપે વિદ્યાર્થીઓના અભિપ્રાય લઇ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યા
આમ આદમી પાર્ટીના યુવા સંગઠન પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા રાજ્યપાલ સમક્ષ ભાજપના જ સભ્યો દ્વારા સ્ટેચ્યુટ 187 અમલ કરાવવા માટે માગ કરાવવામાં આવી હતી. હવે ભાજપ-કોંગ્રેસના જ સભ્યો સાથે મળી સ્ટેચ્યુટ 187 અમલવારી ન થાય તે માટે ખાસ સેનેટ સભા બોલાવવા જઇ રહ્યા છે એ આશ્ચર્યની વાત છે. ત્યારે તેની સામે વિરોધના ભાગરૂપે વિદ્યાર્થીઓના અભિપ્રાય લઇ રજિસ્ટ્રાર સમક્ષ સ્ટેચ્યુટ 187 અમલ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે અને વારંવાર જુદા જુદા બહાના આપતા સત્તાધીશોને લોલીપોપ આપી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...