સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું. જેનો સમય સવારના 10 વાગ્યાનો હતો. પરંતુ રાજકોટ આપ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, અમારી પાસે વોટ્સએપ ગ્રુપમાં આ પેપર 9.11 વાગ્યે મળી ગયું હતું. જેને લઇને આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. આ પેપર લીક થયાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જે વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ લવલી યાર છે. જોકે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ફરિયાદ નોંધાવવા માટે યુનિ.પોલીસ સ્ટેશન દોડી ગયા છે. જોગાનુજોગ આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સવારે રાજકોટ હતા અને બપોર બાદ પેપર ફૂટ્યાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
કુલપતિ પાસેથી યોગ્ય જવાબ ન મળતા મીડિયા સમક્ષ જાહેર કર્યું
રાજકોટ આપના CYSS પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, આજે સવારે અમારે બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું. જેનો ટાઇમ સવારના 10 વાગ્યાનો હતો પરંતુ 9 વાગ્યે વોટ્સઅપ ગ્રુપમાં ફરતું થઇ ગયું હતું. જોકે આ પેપર ફરતું ન થવું જોઇએ પણ ફરતુ થતા પેપર લિક થયેલું ગણાય. આ અંગે અમે કુલપતિ ડો.નીતિન પેથાણીને રજુઆત કરવા ગયા હતા. ત્યારે કુલપતિએ જણાવ્યું હતું કે, અમે આમાં યોગ્ય કાર્યવાહી કરીશું. જોકે અત્યાર સુધી અમે કુલપતિ સાથે સતત સંપર્કમાં રહ્યા પરંતુ અમને યોગ્ય જવાબ ન મળતા પ્રેસ મીડિયાને પણ આની જાણ થવી જોઇએ એ બાબતે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.
દિવ્ય ભાસ્કરઃ પેપર 12.30 વાગ્યે પુરૂ થઇ ગયું હતું તો તમે 1 વાગ્યે કેમ જાહેર કર્યું?
સુરજ બગડાઃ તાજેતરમાં જ યુવરાજસિંહે હેડ ક્લાર્કનું પેપર લીક થયું એના માટે અમને કોઈ ઉશ્કેરવા ફોટોશોપથી પેપર બનાવવામાં આવ્યું નથી ને તે માટે. 9 વાગ્યે પેપર આવી ગયું હતું તે ખરાઈ કરવા માટે કોઈ બહાર નીકળે તે જરૂરી હતું. બાદમાં અસલી પેપર સાથે સરખાવ્યા પછી અમે યુનિવર્સિટી ગયા હતા અને રજુઆત કરી હતી.
દિવ્ય ભાસ્કરઃ તમે 1 વાગ્યે કેમ જાહેર ન કર્યું?
સુરજ બગડાઃ પહેલા અમે કુલપતિને રજુઆત કરવા ગયા હતા, કારણ કે આ સાચુ છે કે નહીં તે બાબતે જાણવા માટે અમે 1 વાગ્યે જાહેર ન કર્યું
દિવ્ય ભાસ્કરઃ તમે 2 વાગ્યે પણ મીડિયાને જાણ કરી શકતા હતા તો 6 વાગ્યે શા માટે?
સુરજ બગડાઃ પહેલા તો અમારા શહેર પ્રમુખની અટકાયત થયેલી હતી બરાબર...
ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરીશું-આપ
રાજકોટ શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે સવારે બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું. અમને વોટ્સએપના માધ્યમથી જાણ થઇ હતી કે, 9 વાગ્યાના સમયે આ પેપર ફરતુ થઇ ગયું હતું. બાદમાં અમે કુલપતિને રજુઆત કરવા ગયા હતા. દિવસેને દિવસે ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીની અંદર પણ અવારનવાર પેપર ફૂટવાના કિસ્સા બને છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમે રજુઆત કરવા ગયા હતા. આગામી દિવસોમાં ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પેપરનો સમય 10 વાગ્યાનો હતો અને અમને 9.11 વાગ્યે મળ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ની ફરિયાદ નોંધાવવાની તજવીજ
બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિ. તરફથી ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અમિત પારેખ ફરિયાદી બન્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી પેપરકાંડને લઈને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. યુનિવર્સિટીના અધિકારીઓ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા છે. પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવશે. આપ દ્વારા બે વાગ્યે કુલપતિને રજુઆત કરાઇ હતી. જોકે FSI તપાસ બાદ પેપર અંગે નિર્ણય લેવાશે.
ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ હાથ ધરાશે
આ અંગે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે જણાવ્યું હતું કે, આજે બીકોમ સેમેસ્ટર 3ના ઇકોનોમિક્સ પેપરની પરીક્ષા હતી. જેનો સમય સવારના 10થી 12.30 સુધીનો હતો. અમને અંદાજે 2 વાગ્યે એક સંગઠન તરફથી રજુઆત આવી કે આ પેપર સવારે વોટ્સએપમાં ફરતું હતું. આ અંગે અમે તપાસ કરી અને કુલપતિએ સુચના આપી કે તમે પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવો. અમે ફરિયાદ નોંધાવવા યુનિ. પોલીસ સ્ટેશન આવ્યા છીએ. હાલ તો પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી રહ્યા છીએ. અમારી પાસે ફરિયાદ આવી એમાં એવું લખવામાં આવ્યું છે કે, પેપર પહેલા વોટ્સએપમાં ફરતું હતું. પેપર કોણે ફરતું કર્યું તે અંગે ખબર નથી. પેપર સિક્યુરિટી પ્રેસમાં છપાતા હોય છે. ત્યાંથી દરેક જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર હોય ત્યાં મોકલવામાં આવતા હોય છે. ત્યાંથી લાગતા વળગતી કોલેજમાં મોકલવામાં આવતા હોય છે.
પહેલા જૂનું પેપર હોવાનું લાગ્યું
પરીક્ષા પૂરી થયા બાદ ફરતું થયેલું અને ઓરિજનલ પેપર સરખાવ્યા તો બંને સરખા જ હતા. એટલે પેપર ફૂટી ગયાની ખાતરી થઇ. બાદમાં આપના શિક્ષણ સેલના પ્રમુખ દિગુભા વાઘેલા સહિતનાઓને સાથે લઇ કુલપતિને ફરિયાદ કરી, સાથે સ્ક્રીન શોટના પુરાવા પણ આપ્યા, ત્યારે કુલપતિએ કહ્યું સાચી વાત છે અમે તપાસ કરીશું. -સૂરજભાઈ બગડા, પ્રમુખ, છાત્ર યુવા સંઘ
બપોરે પરીક્ષા પૂરી થઈ ગયા બાદ ફરિયાદ મળી, એમાં કશું ન થઇ શકે
પેપર પૂરું થઇ ગયા પછી કોઈ ફરિયાદ કરે તો કેવી રીતે માનવું કે સાચું છે કે ખોટું. કોઈ કોલેજ કે વિદ્યાર્થીએ આ મુદ્દે ફરિયાદ કરી નથી. પેપર 10 વાગ્યે શરૂ થયું અને મને 2 વાગ્યે ફરિયાદ કરે તો એ બાબતે અમે કોઈ નિર્ણય કર્યો નથી. પેપર ફૂટ્યું હોય તો જે-તે સમયે જ કેમ ફરિયાદ ન કરી અને સ્ક્રીન શોટ જે આપ્યા છે એ તો બનાવી પણ શકાય. છતાં અમે પોલીસમાં અરજી આપી છે તેઓ તપાસ કરશે.- ડૉ. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
બે મહિના જ બાકી છે તેવા વીસી પોલીસ ફરિયાદ કરવા મજબૂર થયા
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નવા વી.સી.ની શોધખોળ ચાલી રહી છે, બે મહિના બાદ નવા કુલપતિ મળશે ત્યારે વર્તમાન કુલપતિ ડો.નીતિન પેથાણી યુનિવર્સિટીને બદનામ કરતા તમામ કિસ્સાઓમાં ઢાંકપિછોડો કરતા જોવા મળ્યા છે. અર્થશાસ્ત્રનું પેપર લીક થવાની ગંભીર ઘટના જાહેર થતાં આ મામલે ગુનો નોંધાશે જ તેવું સૌનું અનુમાન હતું.યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ વી.સી.ના પ્રતિનિધિની ફરિયાદ માટે રાહ જોઇને બેઠો હતો, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ સાંજે પોલીસમથકે પહોંચ્યા હતા પરંતુ રાબેતા મુજબ અરજી જ આપી હતી, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પેપર ફૂટવાની ઘટનાને ગંભીરતાથી પોલીસ ગુનો નોંધવા તૈયાર હતી, જો કે, યુનિ.ના સત્તાધીશો પોલીસ ફરિયાદ કરવા તૈયાર જ ન હતા. અંતે રાત્રે 12 વાગ્યે ડેપ્યુટી રજિસ્ટ્રાર અમિત પારેખ ફરી પોલીસ મથકે ગયા હતા અને જે મોબાઈલ નંબરથી પરથી પેપર ફોરવર્ડ કરાયું હતું તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.