હુમલો:‘તું કિશનનો માણસ છો, આજે તો પતાવી જ દેવો છે’ કહી તરુણ પર ખૂની હુમલો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં મંગળવારે મોડી રાતે બનેલો બનાવ
  • મિત્રને હુમલાખોરો સાથે થયેલા અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો

શહેરમાં છરી, તલવાર, પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરવાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવમાં મંગળવારે રાતે તરુણ પર બે શખ્સે તલવાર, પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પુનિતનગર પાણીના ટાંકા પાસે આવેલી વિક્રમ સોસાયટીમાં રહેતા મૂળ ગીરસોમનાથ જિલ્લાના હર્ષદનાથ અનંતનાથ ગૌસ્વામી નામના તરુણે અજય ઉર્ફે કાંચો લલિત થાપા અને હિરેન ગોવિંદ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

બે મહિનાથી રાજકોટમાં રહીને ફર્નિચરની મજૂરીકામ કરતા ઇજાગ્રસ્ત તરુણની ફરિયાદ મુજબ, ગત રાતે તે ખોડિયારનગરમાં બેઠો હતો. ત્યારે નાસ્તો કરવા જવા માટે મિત્ર અક્ષયરાજ રાજસિંહ જાડેજાને ફોન કરી બોલાવ્યો હતો. મિત્ર આવી ગયા બાદ બંને બાલાજી હોલ પાસે નાસ્તો કરવા ગયા હતા. ત્યાં નાસ્તો કરી બંને સાડા બાર વાગ્યાના અરસામાં બાઇકમાં પરત ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે આંબેડકરનગર-5 પાસે પહોંચતા જ આરોપી અજય ઉર્ફે કાંચાએ ચાલુ વાહને પોતાને છાતીમાં પાઇપનો ઘા ફટકાર્યો હતો. જેથી બાઇક પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતા.

આ સમયે અજય ઉર્ફે કાંચા સાથે હિરેન પણ તલવાર સાથે હોય બંનેને માર મારવા લાગ્યા હતા. તલવાર, પાઇપથી હુમલો થતા મિત્ર અક્ષયરાજ ત્યાંથી ભાગી જતા હિરેન વધુ ઉશ્કેરાયો હતો અને આ કિશન ડોડિયાનો માણસ છે, આજે તો આને મારી જ નાંખવો છે તેમ કહી તલવારથી હુમલો કરી કપાળમાં ઇજા પહોંચાડી હતી. પોતે લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડતા બંને શખ્સે મિત્ર કિશન ડોડિયાના બાઇકમાં તોડફોડ કરી હતી.

રાત્રીના સમયે દેકારો થતા લોકો ભેગા થઇ જતા બંને શખ્સ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં પોતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મિત્ર કિશનને બંને આરોપી સાથે માથાકૂટ ચાલતી હોય તેનો ખાર રાખી ખૂની હુમલો કર્યો છે. માલવિયાનગર પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક બનાવમાં ગાંધીગ્રામ-6માં રહેતી જસુબેન ધીરૂભાઇ બહુકિયા નામની પરિણીતા અને તેના ભાઇ કિશોર સીતાપરાને દિલાભાઇ અને જયરાજ નામના શખ્સોએ કણકોટ ગામે ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતા બંનેને હોસ્પિટલ ખસેડાયા છે. જશુબેને દિલાભાઇ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય તે પૈસાના મુદ્દે પોતાને ધોકાથી અને ભાઇને છરીથી ઇજા પહોંચાડી છે. તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...