ભાસ્કર વિશેષ:યમનના ફૂટબોલ ખેલાડીનું સ્પોર્ટસ પર પીએચડી, છ સપ્તાહ તાલીમ લેનારાઓમાં અલગ જ સ્ફૂર્તિ હોવાનું સામે આવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક સ્વાસ્થ્ય અને પ્રશિક્ષણ પર પાંચ વર્ષ કર્યું રિસર્ચ

યમન દેશની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ખેલાડી રહી ચૂકેલા મોહમ્મદ અબ્દુ અલ કેબ્સીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક સ્વાસ્થ્ય અને પ્રશિક્ષણના વિષય પર પીએચડીની પદવી મેળવી છે. યમનના દમારની કોલેજમાં ફિઝિકલ ટીચર તરીકે નોકરી કરતા મોહમ્મદ કેબ્સીએ 2015માં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ફિઝિકલ એજ્યુકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વા.ચાન્સેલર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફિઝિયો ડો.અર્જુનસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક સ્વાસ્થ્ય અને પ્રશિક્ષણ પર પીએચડીનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ ભવનના માધ્યમથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોની નવ કોલેજના ખેલાડીઓની મુલાકાત કરી સંશોધન કર્યું હતું. પાંચ વર્ષના સંશોધનના અંતે 200 પેજનો અભ્યાસ એમ.પી.એડ ભવનના એચઓડી ડો.ભાવેશ રાબા, આસિ.પ્રોફેસર ડો.કાંતેસરિયા, પ્રોફેસર મનીષ રાવલને રજૂ કર્યો હતો. મોહમ્મદ અબ્દુ અલ કેબ્સીએ કરેલા રિસર્ચમાં તારણ એવું જાણવા મળ્યું કે, જે ખેલાડીઓએ છ સપ્તાહ સઘન તાલીમ લીધી તે ખેલાડીઓમાં ઘણો જ સુધારો જોવા મળ્યો અને તેમનું પ્રદર્શન પણ સારું જોવા મળ્યું હતું.

જ્યારે સઘન તાલીમ ન લેનાર ખેલાડીઓના પ્રદર્શનમાં કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ અભ્યાસમાં એવું પણ તારણ નીકળ્યું કે, આવી તાલીમથી ફિઝિકલ ફિટનેસમાં ક્ષમતા, ગતિ, ષ્ર્જા, સ્ફૂર્તિ, સહનશક્તિ અને હૃદય, ફેફસાંની કાર્યક્ષમતા જેવા છ ઘટકો વધારે જોવા મળ્યાં. રિસર્ચમાં જાણવા મળ્યું કે, જો પ્રશિક્ષકો દ્વારા ખેલાડીઓની તાલીમ સેશનની સંખ્યા અને સમયમાં વધારો કરાય તો તેમાં ફેરફાર જોવા મળે.

પત્ની કેમિસ્ટ્રીમાં પીએચડી કરે છે
મોહમ્મદ કેબ્સીના પત્ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ભવનમાં પીએચડી કરે છે. બે સંતાન પૈકી દીકરી રાજકોટમાં ધોરણ ત્રીજામાં અભ્યાસ કરે છે. અન્ય દેશના હોવાને કારણે યુનિવર્સિટીના એમ.પી.એડ ભવનના પ્રોફેસર સહિતનાઓએ લોકડાઉન સમયે અમને કોઇ તકલીફ આવવા દીધી ન હતી. જેને કારણે રાજકોટ જ અમારું વતન છે એવો અહેસાસ થયો હતો. યમનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટસ ઇવેન્ટ સદંતર ઠપ થઇ હોવાથી પોતે વતનમાં જઇ અહીં જે અભ્યાસમાં તારણ નીકળ્યા તે મુજબ શાળા-કોલેજોમાં તાલીમ આપીશ તેમ મોહમ્મદ કેબ્સીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...