તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:રાજકોટના આજીડેમ ચોકના પુલ પર રાત્રે વોકિંગ કરી રહેલા 17 વર્ષના કિશોરને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી, મોત

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. - Divya Bhaskar
મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
  • દસ ધોરણ સુધી ભણ્યા બાદ કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો

રાજકોટ શહેરના આજીડેમ ચોક ખાતે પુલ ઉપર રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ખોખડદળ પુલ પાસે શિવધારા સોસાયટી-2માં રહેતાં રબારી પરિવારના 17 વર્ષીય રઘુ કાનાભાઇ કરમટા નામનો કિશોર વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ શિવધારા-2માં રહેતો રઘુ કરમટા રાતે સાડા દસેક વાગ્યે ઘરેથી વોકિંગ કરવા નીકળ્યો હતો. તે દરરોજ રાતે જમ્યા બાદ આ રીતે આંટો મારવા જતો હતો. ગત રાતે આજીડેમ ચોકડીના પુલ પર પહોંચ્યો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોમાંથી કોઇએ રઘુનાં જ ફોનમાંથી તેના સગાને ફોન જોડી બનાવની જાણ કરતાં રઘુને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહીં તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના આર.એસ. સાંબડએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના વી.બી.સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

રઘુ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો
મૃત્યુ પામનાર રઘુ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. દસમું ધોરણ ભણ્યા બાદ હાલ કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા કાનાભાઇ મેરાભાઇ કરમટા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.