ડુંગળી વેચવા આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો બીજી બાજુ નાફેડમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા. 45 એમ.એમ.થી નાની ડુંગળી નાફેડ ખરીદતી નથી. હકીકતે 45 એમ.એમ.થી નાની ડુંગળીનો નિકાલ કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ખુલ્લા બજારમાં એના જ ભાવ નથી મળતા. જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીની ડિમાન્ડ છે અને પૂરતા ભાવ મળે છે. યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવતા ખેડૂતો અને વેપારીમાં કચવાટ ફેલાયો છે.
યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે કે, હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. જો આવા સંજોગોમાં ડુંગળીની આવક સ્વીકારવામાં આવે અને ખુલ્લામાં રાખીએ તો ખેડૂતનો માલ બગડી જાય. બુધવારથી ડુંગળીની આવક બંધ કરી હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે. બુધવારે વાતાવરણમાં પલટો આવતા યાર્ડમાં જણસીની આવકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરુવારે વાતાવરણ ચોખ્ખું બનતા મોટી સંખ્યામ ખેડૂત યાર્ડમાં પોતાની જણસી લઈને આવ્યા હતા.વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ધ્રાબડિયું વાતાવરણ જોવા મળે છે તો ક્યાંક માવઠું થયું છે. જો વાતાવરણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર શાકભાજીની આવક પર પડી શકે છે.
યાર્ડમાં ડુંગળી માટે ખાલી પ્લેટફોર્મ જ નથી રહ્યું: વેપારીઓ
યાર્ડમાં જે ડુંગળીનો વેપાર કરે છે તે વેપારીમાં એવી ફરિયાદ ઊઠી છે કે, હાલમાં ડુંગળી માટે કોઈ ખાલી પ્લેટફોર્મ જ નથી રહ્યું. કારણ કે એક પ્લેટફોર્મ ટેકાના ભાવે ચણાની જે ખરીદી થાય છે તેને આપ્યું છે. જ્યારે બાકીના પ્લેટફોર્મ પર શાકભાજીની આવક ઠલવવામાં આવે છે. છેલ્લા બે દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. જેને કારણે ખેડૂતોને તો મુશ્કેલી પડે છે. પરંતુ સાથોસાથ અહીંનો વેપાર પણ ઠપ થઈ ગયો છે. ડુુંગળી માટે એક વધારાનું પ્લેટફોર્મ ફાળવવામાં આવે તો વેપાર રાબેતા મુજબ થાય.
4.50 લાખ કિલો બટેટાની આવક રેકોર્ડબ્રેક, લીંબુ સૌથી મોંઘા
અત્યારે યાર્ડમાં સૌથી વધુ આવક બટેટાની થઇ રહી છે. વેપારીઓના જણાવ્યાનુસાર અત્યારે કોલ્ડ સ્ટોરેજના બટેટા બજારમાં ઠલવાઇ રહ્યા છે. તો બીજી તરફ નવી આવક પણ શરૂ થઈ છે. જેને કારણે આવક વધી છે. હજુ એપ્રિલ સુધી બટેટાની આવક જળવાઈ રહેશે. ગુરુવારે 4.50 લાખ આવક થઇ હતી. જેનો ભાવ રૂ.4થી 12 સુધી બોલાઈ રહ્યા છે. જોકે અત્યારે સૌથી મોંઘા લીંબુ છે. યાર્ડમાં એક કિલો લીંબુનો ભાવ રૂ. 80થી 125 સુધી વસૂલાઈ રહ્યા છે. જ્યારે છૂટકમાં તેનો ભાવ રૂ.150 બોલાઈ રહ્યો છે. ગરમીને કારણે ડિમાન્ડ વધી છે. બીજી બાજુ આવક નહિ હોવાને કારણે ભાવ ઊંચકાઈ રહ્યા છે. દિલ્હીમાં લીંબુના ભાવ ઉંચા મળતા હોવાને કારણે સ્થાનિક ખેડૂતો પોતાનો માલ સીધો દિલ્હી જ મોકલી આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.