શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 28ને મંગળવારથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે રાજકોટ મહામારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પહેલા, ચાલુ પેપર દરમિયાન અને પેપર પૂર્ણ થયા બાદ કેવી કાળજી લેવી જોઈએ તેના માટેના માર્ગદર્શક સૂચનો કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે, શાળાએથી પરીક્ષાની હોલટિકિટ મળે એટલે તુરંત જ તેની બે ઝેરોક્સ કરીને જુદી રાખી દેવી.
રિસિપ્ટ પરિણામ સુધી સંભાળીને રાખવી
જો કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીની ઓરિજિનલ રિસિપ્ટ એટલે કે હોલટિકિટ ખોવાય જાય તો તાત્કલિક રિસિપ્ટની ઝેરોક્સ અને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને શાળાનો સંપર્ક કરવો. આ ઝેરોક્ષ રિસિપ્ટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવીને તેના ઉપર પ્રિન્સિપાલ પ્રમાણિત કરી સહી-સિક્કા કરી આપશે જે આગળના પેપરમાં માન્ય ગણાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ રિસિપ્ટ પરિણામ ન આવે ત્યાં સુધી ખાસ સાચવીને રાખવી. ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓએ એસપી એન્ડ સીસી વિષય રાખેલો હોય તો તકેદારી રાખવી કે બાકીના બધા જ પેપરનો સમય બપોરે 3.30 હશે જ્યારે એસપી એન્ડ સીસીના પેપરનો સમય સવારે 10 કલાકનો છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ આ તકેદારી રાખવી
મુખ્ય ઉત્તરવહી તથા ગૌણ ઉત્તરવહીના નંબર બારકોડ સ્ટિકર ઉપરથી રિસિપ્ટમાં લખીને સુપરવાઈઝરની સહી કરાવવી. પેપર પૂર્ણ થયા બાદ ઘેર જઈને પેપર સોલ્વ ન કરવું. આગળના પેપરની તૈયારીમાં લાગી જવું. ઉજાગરા ન કરવા, સાડા છ કલાકથી ઓછી ઊંઘ બીમાર પાડી શકે છે. જો મુખ્ય ઉત્તરવહી અને ગૌણ ઉત્તરવહીના નંબરો રિસિપ્ટમાં લખ્યા નહીં હોય અને સુપરવાઈઝરની સહી કરાવી નહીં હોય તો વિદ્યાર્થીને તે પેપરમાં ભૂલથી ગેરહાજર બતાવે તો બાદમાં વિદ્યાર્થી કશું કરી શકશે નહીં.
બોર્ડના પ્રશ્નપત્રો સૌરાષ્ટ્રના કેન્દ્રોમાં રવાના
28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે ગુરુવારે ચૌધરી હાઈસ્કૂલમાંથી ધો.10ના પ્રશ્નપત્રો સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસટી બસ મારફત રવાના કરાયા હતા. ધો.12ના પ્રશ્નપત્રો શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં રખાશે. આ ઉપરાંત કરણસિંહજીમાં શુક્રવારથી બોર્ડની પરીક્ષાને લઈને કંટ્રોલ રૂમ પણ શરૂ થશે જેમાં પરીક્ષા સંબંધિત તમામ કામગીરી-ગતિવિધિ નોંધાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.