કાર્યવાહી:ઇ-મેમોથી બચવા બાઇકમાં ખોટા નંબર લખ્યા, અકસ્માતે ભાંડો ફોડ્યો

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંત કબીર રોડ પર એક મહિના પહેલા અકસ્માત કર્યો હતો

શહેરભરમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને પોલીસ તંત્ર ઇ મેમો ફટકારતા હોય છે. પોલીસના ઇ મેમોથી બચવા માટે વાહનચાલકો યેનકેન પ્રકારે નુસખાઓ અજમાવતા હોય છે. આવા જ એક કિસ્સામાં અકસ્માત સર્જી નાસી ગયેલા ચાલકને પોલીસે ઝડપી લીધા બાદ ઇ મેમોથી બચવા અજમાવેલા નુસખાનો ભાંડો ફૂટી ગયો છે. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે, ગત મહિનાની 18 તારીખે સંત કબીર રોડ, કે.ડી.ચોક પાસે રોંગ સાઇડમાં ધસી આવેલા બાઇકે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જયો હતો.

જેમાં બાઇકચાલકને ઇજા થઇ હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા બાઇકના નંબર નોંધી લીધા હોય ઇજાગ્રસ્તે જીજે.3કેએમ.6796 નંબરના બાઇકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે નંબરના આધારે તપાસ કરતા ફરિયાદમાં જણાવેલા વાહન નંબર બાઇકના નહીં પરંતુ સ્કૂટીના હોવાનું અને તે વાહનના માલિક મહિલા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી ફરિયાદીની ફરી પૂછપરછ કરતા તેને આ જ નંબર હોવાનું જણાવ્યું હતુ. ફરિયાદીના જણાવ્યા બાદ ફરી તપાસ કરતા આ જ નંબરનું બાઇક ગવરીદળ ગામનું હોવાની માહિતી મળી હતી.

જેથી એક ટીમને ત્યાં દોડાવી ઉપરોક્ત નંબરના બાઇક સાથે ગામના રાહુલ લધુ શિયાળને પકડયો હતો. તેની પૂછપરછ કરતા તેને જ અકસ્માત સર્જયો હોવાનું જણાવ્યું હતુ. જયારે વાહનોના કાગળો ચેક કરતા બાઇક તેના પિતાના નામનું અને તેના નંબર જીજે.3કેએમ.5796 હોવાનું જાણવા મળ્યું હતુ.

વાહનના કાગળોમાં નંબર અલગ જણાતા રાહુલ શિયાળની વિશેષ પૂછપરછ કરતા તેને ઇ મેમોથી બચવા માટે બાઇક નંબરનો પહેલો આંકડો 5 હતો તેની જગ્યાએ 6 લખી છેલ્લા પાંચ વર્ષથી બાઇક ફેરવતો હોવાની કબૂલાત આપી હતી. રાહુલની કબુલાત બાદ તેની સામે નોંધાયેલી અકસ્માતના બનાવની ફરિયાદમાં આઇપીસી 465,471ની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...