પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર:કાર્યકારી અધ્યક્ષે નરેશ પટેલ વિશે નિવેદન કર્યું તેનાથી પાટીદાર સમાજની લાગણીને ઠેંસ પહોંચીઃ કોંગી MLA વસોયા

રાજકોટ4 મહિનો પહેલા
લલિત વસોયાએ આવા નિવેદનો ન કરવા અપીલ કરી.

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે. પાસ નેતા દિનેશ બાંભણિયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, નરેશ પટેલ વિશે નિવેદન કર્યું તેનાથી પાટીદાર સમાજની લાગણીને ઠેંસ પહોંચી છે.

પાર્ટીના હિત માટે વિચારવા અપીલ
રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. જેમાં પાર્ટીના હિત માટેનું વિચારી અને આ પ્રકારના નિવેદન ન કરવા માટેનું જણાવ્યું છે. લલિત વસોયાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષે પાટીદાર સમાજ અને સમાજના અગ્રણી નરેશ પટેલ વિશે જે નિવેદન કર્યું છે તેનાથી સમાજની લાગણીને ઠેંસ પહોંચી છે તેવું જણાવ્યું છે.

લલિત વસોયાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને લખેલો પત્ર.
લલિત વસોયાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને લખેલો પત્ર.

પાર્ટીના કોઈ પણ જવાબદાર આવા નિવેદન ન કરે તેવો પત્રમાં ઉલ્લેખ
લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આ બાબતે બધા સામાજિક આગેવાનો અને પાર્ટીના પાટીદાર સમાજના આગેવાનોએ ઉગ્રતાપૂર્વક તેમના સમક્ષ રજૂઆત કરી છે. ત્યારે પાર્ટીના જવાબદાર આગેવાન દ્વારા આ પ્રકારના બેજવાબદારીભર્યા નિવેદનો ન કરવા જોઈએ. પાર્ટીના કોઈપણ જવાબદાર લોકો ફરીથી આવા કે આ પ્રકારના નિવેદનો ન કરે જેથી પાર્ટીને નુકસાન થાય તેવું પત્રમાં જણાવ્યું છે.