ક્રાઇમ:શાપરમાં શ્રમિકની હત્યા, ગુનેગારો માટે શાપર મોકળું મેદાન, 30 દી’માં ચોથી હત્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની ભાગોળે ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળ ગુનેગારો માટે મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક ગુનાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે શાપરમાંથી ગુરુવારે સવારે વધુ એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. છેલ્લા એક મહિનામાં હત્યાનો ચોથો બનાવ પ્રકાશમાં આવતા શાપર પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસવડા, ડીવાય.એસ.પી. સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

શાપરમાં આવેલા બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તારના અવાવરૂ જગ્યાએ એક પુરુષની લાશ પડી હોવાની શાપર પોલીસને જાણ થઇ હતી. જેથી શાપર પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બનાવ સ્થળેથી અંદાજિત 20થી 25 વર્ષની ઉંમરના શ્રમિક અને પરપ્રાંતીય જેવા લાગતા યુવાનની લાશ જોવા મળી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ પર ઇજાના નિશાન તેમજ ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ હત્યાનો હોવાનું જાહેર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહત્ત્વની બ્રાંચનો સ્ટાફ શાપર દોડી ગયો હતો.

જ્યાંથી લાશ મળી ત્યાંથી મૃતકની ઓળખ મળે તેવા કોઇ પુરાવાઓ નહિ મળતા પોલીસે તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો પાસે ઓળખ કરાવી હતી, પરંતુ તેઓ ઓળખતા નહિ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું કે, બનાવ સ્થળે યુવાનની હત્યા થઇ હોય તેવા કોઇ પુરાવા કે લોહીના નિશાન જોવા મળ્યા ન હોય અજાણ્યા યુવાનની અન્ય સ્થળે હત્યા કરી અહીં લાશને ફેંકી દીધી હોવાની શંકા છે. બનાવ સ્થળે લાશને ઢસડી હોવાને કારણે લીટા પણ જોવા મળ્યા છે.પરપ્રાંતીય જેવો લાગતા મૃતકની ઓળખ મળ્યા બાદ જ સત્ય કારણ પ્રકાશમાં આવશે. પોલીસે મૃતકની ઓળખ તેમજ હત્યાનું કારણ બહાર લાવવા દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...