તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સૌરાષ્ટ્રમાં કોરોનામાં STના 18 કર્મીના મૃત્યુ, સરકારે વોરિયર્સ જાહેર ન કરતા રાજકોટમાં કર્મચારીએ મુંડન કરાવી વિરોધ

રાજકોટ4 મહિનો પહેલા
મુંડન કરી વિરોધ.
  • સરકારે મદદ ન કરતા સ્ટાફે મૃતકના પરિવાર માટે ફાળો એકત્ર કરવાનો શરૂ કર્યો
  • રાજકોટ સહિત પાંચ ડિવીઝનમાં 18 અને રાજ્યમાં 150 કર્મી કોરોના સામે જંગ હાર્યા

રાજકોટના મુસાફરો સાથે સીધો સંપર્ક ધરાવતા એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ન ગણી સહાય ન કરતા રાજકોટની લાઈન ચેકિંગ શાખાના બે અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડિવીઝનમાં મૃત્યુ પામેલા 18 કર્મચારીઓના પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરુ કર્યું છે. સરકારના વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવી વિરોધ અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ તો એકઠા થયા
ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ તો એકઠા થઇ ગયા છે. પરંતુ તે અપૂરતી જણાતા હવે બસસ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. રાજકોટ એસટી ડિવીઝનના લાઈન ચેકિંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર મુકેશસિંહ જાડેજા અને આર.પી.સોલંકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, જામનગર અને અમરેલી વિભાગમાં કોરોનાથી મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને ઓછામાં ઓછી રૂ.10 હજારની સહાય કરી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

લાઈન ચેકિંગ અધિકારીએ 100થી વધુ ઓક્સિજન બાટલાની વ્યવસ્થા કરાવી
લાઈન ચેકિંગના અધિકારી મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 100થી વધુ એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. એસટી કર્મી કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણ કર્મીઓ માટે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે. માટે ગત 7મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કરતા એક અઠવાડિયામાં રૂ.1 લાખ એકઠા થયા છે. જોકે હવે ડિવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે રૂ.1100 સહીત​​​ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાય આપવામાં આવે.

કર્મચારીઓ એકત્ર થઇ વિરોધ દર્શાવ્યો.
કર્મચારીઓ એકત્ર થઇ વિરોધ દર્શાવ્યો.

રાજકોટ ડિવીઝનમાં મૃત્યુ પામેલા કર્મીઓ
કોરોનાની બીજી લહેરમાં એસટી કર્મચારીઓ મોતને ભેટ્યાના કિસ્સા વધુ છે. રાજકોટના સહદેવસિંહ ગોહિલ, નીરુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યાસીન ઠેબા, ચંદુલાલ રંગાળીયા, સંજય રબારી, નાનજી નાગોરી, ભાવનગર ડીવીઝનના મનુ ગઢવી અને છોટુભા ગોહિલ, જૂનાગઢના રઘુભા સરવૈયા, મહેશ પટાટ, વિનોદ ભીમજીયાણી, ફિરોઝખાન સરવાણી, જામનગરના ઇન્દ્રજીતસિંહ જાડેજા, અતુલ સોઢા અને નાનુભા જાડેજા, અમરેલીના મનહર કોટડીયા અને મુસ્તાક શેખ આ તમામ કર્મીઓ માટે સરકારે તો સહાય નથી કરી પરંતુ એસટીના બે અધિકારીઓ ફાળા માટે મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...