• Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Workers Do Not Have Experience Of Ballot Paper Counting In Saurashtra Lasted Till Night: Two Candidates Did Not Get A Single Vote, BJP MLA's Wife Lost

સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:કર્મીઓને બેલેટ પેપરનો અનુભવ ન હોય સૌરાષ્ટ્રમાં ગણતરી રાત સુધી ચાલી: બે ઉમેદવારને એક પણ મત ન મળ્યો, ભાજપ MLAના પત્ની હાર્યા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
છેલ્લા છ વર્ષથી ઈવીએમથી જ ચૂંટણી થઈ રહી છે. ગ્રામપંચાયતમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ગણવામાં કર્મચારીઓને અનેક વિટંબણાઓ આવી હતી. - Divya Bhaskar
છેલ્લા છ વર્ષથી ઈવીએમથી જ ચૂંટણી થઈ રહી છે. ગ્રામપંચાયતમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ગણવામાં કર્મચારીઓને અનેક વિટંબણાઓ આવી હતી.
 • રાત્રે 10 વાગ્યા સુધીમાં 70 ટકા પંચાયતોની જ ગણતરી થઈ, રિટર્નિંગ ઓફિસરે ‘ધીમી ગતિ છે ઝડપ કરો’ તેવી વારંવાર સૂચનાઓ માઈકમાં અપાવવી પડી
 • રાજકોટ બેડી યાર્ડના ચેરમેન માંડ 16 મતે જીત્યા: કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલી 23 વર્ષની યુવતી ટંકારાના સજનપર ગામની સરપંચ બની

સૌરાષ્ટ્રની ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો મોડી સાંજ સુધી માંડ 50 ટકાએ પહોંચ્યા હતા અને રાતના 10 વાગ્યાની સ્થિતિ સુધી 60 ટકાએ જ પહોંચી હતી અને 40 ટકા ગામો બાકી રહી ગયા હતા. ગ્રામ્યજનો સવારથી જ આવી ગયા હતા પણ પરિણામોમાં મોડું થતા કચવાટ જોવા મળ્યો હતો. મતગણતરી સવારથી શરૂ થઇ હોવા છતાં રાત સુધી કામગીરી પૂરી ન થતા અધિકારીઓએ પણ ઝડપથી કામ કરાવવા કહ્યું હતું પણ સ્થિતિ સુધરી નહીં કારણ કે, મોટાભાગના કર્મચારીઓએ જીવનમાં પહેલી વખત બેલેટ પેપર જોયા હતા અને આવી સ્થિતિમાં પ્રથમ વખત મુકાયા અને તાલીમ પણ માંડ બે વખત અપાઈ હોવાથી કામગીરી ખોરંભે ચડાવી દેવાઈ હતી. છેલ્લે 2016માં ગ્રામપંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થઈ હતી ત્યારબાદ બધી ચૂંટણી ઈવીએમથી થઈ છે અને તેમાં મતગણતરી માત્ર એક બટન દબાવવાથી થાય છે અને તેનાથી જ મોટાભાગના કર્મચારીઓ ટેવાયેલા હતા. જ્યારે બેલેટ પેપરમાં એક પછી એક પેટીઓ ખોલીને તેમાંથી પેપર અલગ કરીને ચિહ્ન મુજબ અલગ કરવાના તેમજ તે બેલેટ પેપરમાં યોગ્ય રીતે સિક્કો લાગ્યો છે કે નહિ તે ચકાસીને મત રદ કરવા સહિતની પ્રક્રિયા કરવાની હોય છે જેમાં નવા કર્મચારીઓ ઊણા ઉતર્યા હતા. આ કારણે રિટર્નિંગ ઓફિસરે વારંવાર માઈકમાં ઝડપથી કામ કરવા સૂચના આપવી પડતી હતી.

ગણતરીઓ આગળ વધતી ગઈ તેમ આશ્ચર્યજનક કિસ્સાઓ પણ સામે આવતા ગયા હતા. વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે સરપંચ પદના ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને એકપણ મત મળ્યો ન હતો. આવી જ રીતે રાજકોટના ખોરાણા ગામમાં વોર્ડના ઉમેદવાર કાનાભાઈ નવઘણભાઈ ડાભીને પણ શૂન્ય મત મળ્યા હતા. આ બંને કિસ્સાઓમાં ઉમેદવારના પરિવારના મત પણ મળ્યા નથી તેમજ જે તે ઉમેદવારનો મત પણ આવ્યો નથી તેથી તે પોતે મત આપ્યો હોય પણ સિક્કો મારવામાં ભૂલ રહી ગઈ હોય તો રદ થયો હોય તેવું પણ બની શકે છે.

ખોરાણા ગામે જે વોર્ડમાં કાનાભાઈએ ઉમેદવારી કરી હતી તેમાં 16 મત રદ થયા છે તે પૈકી તેમનો પણ મત હોઇ શકે તેવી શક્યતા છે. ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો રાત્રીના 10 વાગ્યાની સ્થિતિએ મોરબી જિલ્લામાં 196 પૈકી 177ના જાહેર થયા છે. જેમાં 89 મહિલા અને 88 પુરુષ ઉમેદવારો જીત્યા છે. સૌથી મોટા અપસેટમાં જોઈએ તો ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના પત્ની જશુબેન ત્રાજપર ગ્રામપંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર હતા પણ ત્યાં તેમની હાર થઈ છે અને જયંતી વરાણિયાની જીત થઈ છે.

ટંકારાના સજનપર ગામે 23 વર્ષના રીનાબેન પ્રેમજીભાઈ જાદવ કે જેણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે તેઓ સરપંચ પદે વિજયી થયા છે. રાજકોટમાં રાત્રે 9 વાગ્યાની સ્થિતિએ હજુ 40 ગામના પરિણામ બાકી છે પણ જે પરિણામો આવ્યા છે તેમાં લાપાસરી, લાખાપર સહિતના ગામોના વોર્ડમાં ઉમેદવારોને એકસરખા મત મળતા ચિઠ્ઠી વડે હારજીત નક્કી કરવામાં આવી રહી છે. સૌથી મહત્ત્વની સીટ રામપર ગામની રહી હતી 300ની આસપાસ વસતી ધરાવતા નાના ગામમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે જયેશ બોઘરાએ ઉમેદવારી નોંધાવી હતી તેઓ તાજેતરમાં જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા છે તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કૌટુંબિક ભત્રીજા છે તેઓ માત્ર 16 મતની સરસાઈથી જીત્યા છે.

અમરેલી જિલ્લામાં 87 પંચાયતમાંથી 45માં પુરુષ અને 42માં મહિલાઓ વિજયી થઈ છે જિલ્લાના બે ગામ ચરખડિયામાં 40 વર્ષથી ચૂંટણી થઈ નથી અને આ વખતે પણ સરપંચ સહિત વોર્ડના તમામ સભ્ય મહિલાઓ હતી અને બિનહરીફ થઈ છે. અમરગઢ ગ્રામપંચાયતમાં હિરલબેન સિંધવ બે મતની લીડથી સરપંચ બન્યા હતા.

મતગણતરી દરમિયાન બનેલી રસપ્રદ ઘટના

 • જસદણની મોડર્ન શાળા ખાતે મતગણતરી શરૂ થયાની થોડી વારમાં આર.ઓ.તરીકે ફરજ બજાવતા રેવન્યુ તલાટી મંત્રી દિનેશ આચાર્યની તબીયત અચાનક લથડતાં તેઓ બેભાન બની ગયા હતા અને તાબડતોબ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
 • મોરબીના નારણકા ગામે ભત્રીજા વહુએ દેરાણી, જેઠાણીને 175 મતથી મહાત આપી સરપંચ પદ અંકે કર્યું.
 • લોધિકાના વાગુદળ ગામના સરપંચ માત્ર એક મતની લીડથી સરપંચ બન્યા છે. વાગુદળ ગ્રામપંચાયતની મતગણતરી દરમિયાન રસાકસી ચાલી રહી હતી. ત્યારે છેલ્લી ઘડીએ મુકેશ વિરડાને છેલ્લો મત મળતા તેઓ એક મતથી વાગુદળ ગામના સરપંચ બન્યા હતા.
 • વાંકાનેરના પાજ ગામે સરપંચના બે ઉમેદવાર ઇસ્માઇલભાઇ સિપાઇ તેમજ ઉસ્માનભાઇ શેરસિયાને સરખા જ 340 મત મળતાં ચિઠ્ઠી વડે હાર જીત નક્કી કરવામાં આવી હતી અને ઉસ્માનભાઇ શેરસિયાને વિજેતા જાહેર કરાયા.
 • મોરબીના માળિયાના વાઘરવા ગામે સરપંચ પદ માટે ટાઇ થઇ હતી, શુરવીર સિંહ જાડેજા અને અનિરુધ્ધસિંહ જાડેજાને અેકસરખા જ 332 મત મળ્યા હતા. આથી ચીઠ્ઠી ઉપાડી પરિણામ જાહેર કરાયું અને અનિરુધ્ધસિંહને વિજેતા જાહેર કરાયા.

કનડીપુરમાં ચૂંટણી બાબતે બે જૂૂથ વચ્ચે સામસામા તલવારથી હુમલા
મેંદરડા તાલુકાનાં કનડીપૂર ગામે ચૂંટણી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં તલવારો ઉડી હતી. જેમાં બે જૂથો સામસામે આવી જતાં 9 જેટલા શખ્સોને ગંભીર ઈજા પહોંચતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણીનું પરિણામ આવ્યાં બાદ બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. જેમાં મામલો ઉગ્ર બનતાં હથીયારો વડે ઉમલો કરતાં 9 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં જિત્યા બિજા, જગડ્યાં બિજા અને માર ખાધો બિજાએ એવી ઘટનાં સર્જાઈ હોવાની લોકોમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તમામ ઈજાગ્રસ્તને મેંદરડા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.

 • ગીર સોમનાથ જિલ્લામાં 6 તાલુકાના 115 ગ્રામ પંચાયતોના સરપંચોનું પરિણામ આવ્યું છે. જેમાં 47 પુરૂષ અને 68 મહિલાઓ વિજેતા બન્યા છે.
 • કોડીનાર તાલુકાની વિઠ્ઠલપુર ગ્રા. પં.ના અનુ. જાતિના સરપંચ પ્રતાપભાઇ મહિડા 15 વર્ષથી જનરલ કેટેગરીમાં સરપંચપદે ચૂંટાય છે. ગામમાં તેઓના વિકાસકામોને લઇ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ થયા છે. પણ આ વખતે માત્ર 12 મતે હારી ગયા છે.
 • કેશોદ તાલુકાના નાની ઘંસારીમાં સતત 2 ટર્મથી સરપંચપદે રહેલા રામભાઇ હડિયા મહિલા ઉમેદવાર હર્ષાબેન જયેશકુમાર સોલંકી સામે 214 મતે હાર્યા છે.
 • રાજકોટ તાલુકાના લાખાપર વોર્ડ નં.3ના બંને ઉમેદવારને એક સરખા મળ્યા મત
અન્ય સમાચારો પણ છે...