તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:વાડીમાલિકની હત્યા કરી લૂંટી લેનાર શ્રમિકને આજીવન કેદ, વીંછિયાના સરતાનપરમાં 5 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછિયા પંથકમાં પાંચ વર્ષ પહેલા બનેલા લૂંટ, હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો નાયકને અદાલતે દોષિત ઠેરવ્યો છે અને હત્યાની કલમ હેઠળ આજીવન કેદ તેમજ લૂંટની કલમ હેઠળ સાત વર્ષની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ, સરતાનપર ગામે રહેતા રામજીભાઇ મેઘાભાઇ રાઠોડે તેમની ભાદરકુ વાડીમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. જે પાકી ગયા બાદ તે પપૈયા વેચીને તેના રૂ.15 હજાર આવ્યા હતા. દરમિયાન રામજીભાઇ પાસે પપૈયા વેચ્યાના રોકડા રૂ.15 હજાર હોવાની વાડીમાં જ કામ કરતા પ્રકાશ ઉર્ફે પકાને જાણ હતી. જેથી દાનત બગડતા પાંચ વર્ષ પહેલા પ્રકાશે રામજીભાઇ પર ત્રિકમના ધોકાથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં તેમની પાસે રહેલી રૂ.15 હજારના રોકડની તેમજ તેમના બાઇકની લૂંટ ચલાવી નાસી ગયો હતો. બનાવ બાદ પ્રકાશ ઉર્ફે પકો ગુમ હોય જસદણ પોલીસમાં મૃતકના પુત્ર ઘનશ્યામભાઇએ લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પકાની ધરપકડ કરી રાજકોટ જેલહવાલે કર્યો હતો. દરમિયાન લૂંટ, હત્યાનો કેસ સેશન્સ કોર્ટમાં શરૂ થયો હતો. સરકારપક્ષે રોકાયેલા એપીપી સ્મિતાબેન અત્રી અને પ્રશાંતભાઇ પટેલે ફરિયાદી સહિત 22 સાહેદોની જુબાની લીધી હતી. જેમાં મૃતકના લોહીના ડાઘ આરોપીના કપડામાંથી મળી આવ્યા હોય તેમજ તેની પાસેથી લૂંટેલી રોકડ અને બાઇક પણ કબજે થયું હોય આરોપી સામે સાંયોગીક પુરાવાઓ હોય કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ જજ પૂર્વીબેન એન. દવેએ સરકાર પક્ષે રજૂ કરેલા વિવિધ અદાલતોના ચુકાદાઓને તેમજ પુરાવાઓને ધ્યાને રાખી આરોપી પ્રકાશ ઉર્ફે પકાને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...