રાજકોટ શહેરમાં અલગ અલગ 5 સ્થળે બ્રિજ બની રહ્યા છે પણ તે પૈકી સૌથી પહેલા હોસ્પિટલ ચોક તૈયાર થશે. આ બ્રિજની અત્યાર સુધીમાં એરિયલ તસવીર સામે આવી નથી કારણ કે, એરપોર્ટ નજીક હોવાથી આ વિસ્તાર ડ્રોન પ્રતિબંધિત છે. આ કારણે ભાસ્કરની ટીમે ફ્લાઈટમાં જઈને પ્રથમ એરિયલ વ્યૂ તસવીર લીધી છે. તસવીરમાં જોઇ શકાય છે કે બ્રિજની ત્રણેય તરફના રોડ બની ચૂક્યા છે હવે ફક્ત ચોકમાં તેને જોડવાના બાકી છે.
આ બ્રિજ અંગે સિટી એન્જિનિયર એચ.યુ. દોઢિયાએ જણાવ્યું હતું કે, થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજમાં ત્રણેય તરફના રોડ બની ગયા છે તેને જોડવાનું કામ બાકી છે જે જુલાઈના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ બ્રિજ એક તરફ જામનગર રોડ બીજી તરફ ગ્રીનલેન્ડ ચોક અને ત્રીજી તરફ જવાહર રોડ સુધી જાય છે. 2018માં પહેલા ટ્રાફિક સરવે કરાયો હતો જે મુજબ 45449 વાહન એક દિવસમાં આ ચોકમાંથી પસાર થયા હતા દર વર્ષે તેમાં 2 ટકા વધારો ગણીએ તો સરેરાશ તેના કરતા 8 ટકા ટ્રાફિક વધ્યો હોય એટલે હવે 50,000થી વધુ વાહનોને તેનો લાભ થશે.
2018ના સરવે મુજબ હોસ્પિટલ ચોકમાંથી પસાર થતા વાહનો | ||
દિશા | વાહનોની સંખ્યા | ટકાવારી |
અમદાવાદથી જવાહર ચોક | 5288 | 32.65 |
અમદાવાદથી જામનગર | 5449 | 33.64 |
અમદાવાદ તરફથી કુલ વાહનો | 14353 | |
જામનગરથી અમદાવાદ | 4146 | 28.5 |
જામનગરથી જવાહર ચોક | 3734 | 25.67 |
જામનગર તરફથી કુલ વાહનો | 14127 | |
જવાહર ચોકથી અમદાવાદ | 4497 | 26.28 |
જવાહર ચોકથી જામનગર | 2902 | 16.96 |
જવાહર ચોક તરફથી કુલ વાહનો | 16969 |
માધાપર ચોકડી અને હોસ્પિટલ ચોકને કારણે થશે ફાયદો
જે વાહનો જામનગરથી અમદાવાદ જઈ રહ્યા છે તેમના માટે બમણો ફાયદો થશે. માધાપર ચોકડીએ બ્રિજ બની રહ્યો છે જેનાથી ચોકમાંથી ટ્રાફિકને બદલે બ્રિજ પરથી નીકળી શકાશે અને તે જ રીતે હોસ્પિટલ ચોકમાં પણ બ્રિજ પરથી જઈને બંને ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાંથી મુક્તિ મળશે. તસવીર : પ્રકાશ રાવરાણી
30 મિનટનો સમય વાહનચાલકોનો બચશે કારણ કે, અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ જતા વાહનોને બે મોટા બ્રિજ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.