ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ:રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના શાહી લગ્નમાં નવદંપતીને વિશ્વનો સૌથી વધુ વજનદાર 21.35 કિલોનો ફૂલોનો હાર પહેરાવાયો, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

રાજકોટ13 દિવસ પહેલા
નવદંપતીને સૌથી વધુ વજન ધરાવતો ફૂલનો હાર પહેરાવાતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન.
  • વિશ્વના સૌથી મોટા ગિફ્ટ બોક્સનો પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો
  • મહેમાનોને 65 ફ્લેવરની ચા પિરસાતા વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે 16 નવેમ્બરના રોજ ધામધૂમપૂર્વક યોજાયા હતા. આ શાહી લગ્નોત્સવમાં ત્રણ- ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા હતા. અગાઉ બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા બાદ ફરી વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. જેમાં નવદંપતીને લગ્નના દિવસે સૌથી વજન ધરાવતો આકર્ષક ફૂલોનો હાર પહેરવામાં આવ્યો હતો. આ હારનું વજન 21.35 કિલો હતું જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે.

આ હાર વિશ્વનો સૌથી વજન ધરાવતો હાર
જય અને હિમાંશીએ 16 નવેમ્બરના રોજ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. ત્યારે લગ્નના દિવસે જ બંનેને આ ફૂલોનો આકર્ષક હાર પહેરાવામાં આવ્યો હતો. આ હાર વિશ્વનો સૌથી વજન ધરાવતો હાર તરીકે નોંધાતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઉકાણી પરિવાર દ્વારા ત્રણ દિવસ ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો હતો.

ઉમેદભવન પેલેસ હોટલમાં નવદંપતીએ ઉકાણી પરિવારે સૌથી મોટો હાર પહેરાવ્યો.
ઉમેદભવન પેલેસ હોટલમાં નવદંપતીએ ઉકાણી પરિવારે સૌથી મોટો હાર પહેરાવ્યો.

લગ્નના બીજા દિવસે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા
આ શાહી લગ્નોત્સવના બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. બાન લેબ દ્વારા 65 ફ્લેવરની ચા મહેમાનોને પીરસવામાં આવી હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી હતી.

શાહી લગ્નમાં 65 ફ્લેવરની ચા મહેમાનોને પીરસવામાં આવી હતી.
શાહી લગ્નમાં 65 ફ્લેવરની ચા મહેમાનોને પીરસવામાં આવી હતી.

દુનિયાના સૌથી મોટા ગિફ્ટ બોક્સનો વર્લ્ડ રેકોર્ડ
લગ્નના બીજા દિવસે બાન લેબ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું. જેની સાઇઝ 12x12x12 ફૂટ હતી. આ ગિફ્ટ બોક્સ વિશ્વનું સૌથી મોટુ જાહેર થતા જ તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ ત્રણેય વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલ ખાતે ઉપસ્થિત રહી હતી અને ત્રણેય રેકોર્ડના સર્ટિફિકેટ મૌલશ ઉકાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

સૌથી મોટા ગિફ્ટ બોક્સનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.
સૌથી મોટા ગિફ્ટ બોક્સનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.

લગ્નના પ્રથમ દિવસે ઐશ્વર્યા મજમુદારે ગરબાની રમઝટ બોલાવી હતી
જાજરમાન લગ્નોત્સવન પ્રથમ દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ હતી. જેને રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. બપોરે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી. બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

બીજા દિવસે સચિન-જિગરે ધૂમ મચાવી
લગ્નના બીજા દિવસે એટલે 15 નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, હલ્દી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવી હતી. બોલીવૂડ નાઈટમાં જય અને હિમાંશીએ કપલ ડાન્સ પણ કર્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત વરઘોડિયાને ફૂલો કી હોલી રમાડવામાં પણ આવી હતી.

સૌથી વજનદાર હાર 21.35 કિલોનો.
સૌથી વજનદાર હાર 21.35 કિલોનો.

16 નવમ્બરે જય અને હિમાંશીએ પ્રભુતામાં પગલા માંડ્યા
16 નવેમ્બરે જય અને હિમાંશીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જેમાં ઢોલ-નગારા સાથે જાજરમાન જાન નીકળી હતી. જેમાં રજવાડી બગીમાં વરઘોડિયા સવાર થયા હતા. તેમજ વિન્ટેજ કાર, હાથી, ઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. બાદમાં રાત્રે જય અને હિમાંશીની હસ્તમેળાપ વિધિ અને ફેરા ફરી એકબીજાના બંધનમાં બંધાયા હતા.

રજવાડી બગીમાં વરઘોડો નીકળ્યો હતો.
રજવાડી બગીમાં વરઘોડો નીકળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...