પેટ્રોલ- ડીઝલ, શાકભાજી, ચણા- અનાજ, બટેટા જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો આવતા લોકોએ કરકસર શરૂ કરી છે. ધંધાર્થીઓએ પણ અલગ અલગ ઉપાયો અજમાવ્યા છે. કોઈએ ચીજવસ્તુના ભાવમાં વધારો કર્યો છે તો જેમને ભાવમાં વધારો નથી કર્યો તેવા લોકોએ વજન-વસ્તુમાં ઘટાડો કર્યો છે. માત્ર પાણીપૂરીની જ વાત કરીએ તો રાજકોટમાં પહેલા રૂ. 20માં 7 નંગ પાણીપૂરી મળતી હતી. તેના બદલે હવે તે પાંચ-છ નંગ મળવા લાગી છે
આમ, ભાવવધારાને કારણે પાણીપૂરી અધૂરી બની છે, વધુમાં પાણીપૂરીના ધંધાર્થી રાજુભાઈ મોદીએ જણાવ્યું હતું કે, એક કલાકમાં અંદાજિત 10 લોકો પાણીપૂરી ખાવા માટે આવતા હતા તેના બદલે અત્યારે આ પ્રમાણ ઘટીને 5 થયું છે.રાજકોટમાં રોજની 6 લાખ રૂપિયાની પાણીપૂરી ખવાઇ જાય છે. રાજકોટમાં શાળા- કોલેજે જતા વિદ્યાર્થી- વિદ્યાર્થિની, નોકરી કરતા યુવક- યુવતી સૌ કોઈની પ્રિય છે. ઓછું બજેટ હોવાને કારણે તે સૌ કોઇને પરવડે પણ છે. જ્યારે ચીજવસ્તુના ભાવ નહોતા વધ્યા ત્યારે પાણીપૂરી ખાવાના શોખીન સૌ કોઇ અઠવાડિયે એકવાર પાણીપૂરી ખાઈ જતા હતા પરંતુ હવે દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો આવતા લોકોએ ખાવા-પીવાના ખર્ચમાં પણ કાપ મૂકયો છે.
જે કાચો માલ પહેલા 1 હજારમાં મળતો તેના અત્યારે રૂ.3000 મળે છે
પાણીપૂરીમાં જેમનો ઉપયોગ થાય છે તે ખજૂર, ચણા, મરચાં, બટેટા, કોથમરી વગેરેના ભાવમાં વધારો આવ્યો છે. અગાઉ રૂ.1 હજારમાં આવી જતી હતી હવે તે રૂ.3000 સુધી પડે છે. આમ, પડતર કોસ્ટ ઊંચી આવી રહી છે. સામાન્ય દિવસો કરતા અત્યારે પાણીપૂરીના વેચાણમાં 30 ટકા સુધી ઘટાડો થયો છે તેમ પાણીપૂરીના ધંધાર્થી ભરતભાઇ વેકરિયા જણાવે છે.
50 વર્ષમાં ક્યારેય લીંબુનો ભાવ વધારો આટલો જોયો નથી
50 વર્ષથી પરિવાર અને પરંપરાગત રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સામાન્ય રીતે લીંબુના ભાવ ઉનાળામાં વધતા હોય છે તે રૂ.10થી 50 સુધીનો જ હોય છે. પરંતુ લીંબુનો ભાવ રૂ.300એ પહોંચ્યો છે તે પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. જેટલો ઓર્ડર લખાવીએ તેટલો ઓર્ડર બુક થઇ જાય છે, હાલ જરૂર પૂરતી ખરીદી કરીએ છીએ. તેમ સોડાના ધંધાર્થી ધવલભાઇ મિરાણી જણાવે છે.
ખાણીપીણીની ફેક્ટ ફાઈલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.