રાજકોટના સમાચાર:પખવાડીયા બાદ ફરી કોરોનાનો એક કેસ નોંધાયો, અમદાવાદથી આવેલા 53 વર્ષીય મહિલા પોઝિટિવ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં પખવાડીયા બાદ ફરી કોરોનાનો એક કેસ નોંધાયો છે. શહેરના કોઠારીયા રોડ પર હુડકો નજીક જુના સર્વોદય વિસ્તારમાં રહેતા 53 વર્ષના એક મહિલા અમદાવાદ ગયા હતા. તેઓએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની હોય હોસ્પિટલમાં દાખલ થતા પ્રક્રિયાના ભાગરૂપે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કોરોના પોઝીટીવનું નિદાન થયું હતું. તેઓ રાજકોટના વતની હોવાથી આ અંગે રાજકોટ મહાપાલિકાને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તા.21 ફેબ્રુઆરીએ છેલ્લો કેસ આવ્યો હતો અને તા.6 માર્ચે ફરી શહેર કોરોના મુકત થયું હતું. આ દર્દી સ્વસ્થ થઇ ગયા બાદ નવો એક કેસ આવ્યો છે અને હવે મહાનગરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 65705 પર પહોંચી છે.

8 માર્ચે સિટી બસમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આ બન્ને બસ સેવાનો વધુને વધુ મહિલાઓ લાભ લે તેવા હેતુથી મહિલાઓ માટે ફ્રીમાં બસ સેવા પૂરી પાડવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે.વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચને બુધવારના રોજ હોઇ એ દિવસ દરમિયાન કોઈ પણ રૂટ પર ગમે તેટલી વખત મહિલા મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકશે. જ્યારે પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે. બહોળી સંખ્યામાં મહિલા મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન અને ભાઈબીજના તહેવારે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસ તથા બીઆરટીએસ બસમાં ફ્રી બસ સેવા પૂરી પાડવામાં આવે છે.

વેરા વસુલાત શાખાએ 21 મિલકત સીલ કરી
આજે વેરા-વસુલાત શાખા દ્વારા 21 મિલકતને સીલ કરવામાં આવી છે. તેમજ 49 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રૂ.69.73 લાખ રિકવરી કરી હતી. હાલ સિલિંગની કામગીરી ચાલુ છે.

એસટી વિભાગે હોળી-ધૂળેટીના તહેવારોને લઈ એકસ્ટ્રા બસો દોડાવી
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી-ધૂળેટીનાં તહેવારો અંતર્ગત 150 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ રાજકોટ સહિત જિલ્લામાં વસતા દાહોદ-ગોધરા વિસ્તારનાં શ્રમજીવીઓ પોતાના વતન જઈ શકે તે માટે છેલ્લા પાંચ દિવસથી એકસ્ટ્રા બસો દાહોદ-ગોધરા-મંડોર, ઝાલોદ, ગરબાળા બોર્ડર રૂટ માટે દોડાવવામાં આવી રહી છે. આજ સુધીમાં આ રૂટો માટે 193 એકસ્ટ્રા ટ્રીપો કરવામાં આવી છે અને 79,991 કિમીનું સંચાલન થયુ છે. તેમજ એકસ્ટ્રા બસોમાં આજ સુધીમાં 17 હજાર મુસાફરોએ મુસાફરી કરી છે અને આ એકસ્ટ્રા સંચાલન થકી એસટી ને રૂ.20.29 લાખથી વધુની વધારાની આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...