આ છે નારીનું સન્માન?:મીટર રીડિંગ માટે વાડી-વગડામાં મહિલાઓને મોકલાઈ, 8 મહિલા જુનિયર આસિસ્ટન્ટને મોકલી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘નારી તુ નારાયણી’ અને यत्र नार्यस्तु पूज्नयंते... આ ભાવનાથી સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો છે. પરંતુ પીજીવીસીએલના હઠાગ્રહથી આજે ‘નારી’ મજબૂરીની મારી બની છે. એકબાજુ કોરોના મહામારીથી લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે પીજીવીસીએલે તાજેતરમાં મીટર રીડિંગ કરવાની કામગીરી મહિલા જુનિયર આસિસ્ટન્ટને સોંપતા તેમની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. વીજ કંપની મીટર રીડિંગ કરવાની કામગીરી ખાનગી એજન્સી પાસે કરાવી રહ્યું છે પરંતુ લોકડાઉન દરમિયાન ત્રણ મહિના આ કામગીરી ઠપ રહી હોવાને કારણે હવે ટાર્ગેટ પૂરા કરવા 8 મહિલા જુનિયર આસિસ્ટન્ટને ગામડે-ગામડે જઈને સૂમસામ વાડી-વગડામાં એકલા મીટર રીડિંગ કરવાના ઓર્ડર કાઢ્યા છે. વીજ કંપનીના જુનિયર આસિસ્ટન્ટ સામાન્ય રીતે ઓફિસ વર્ક કરતા હોય છે પરંતુ મીટર રીડિંગની કામગીરીનો ટાર્ગેટ પૂરો કરવા પીજીવીસીએલ એજન્સી સામે ધોકો પછાડવાને બદલે મહિલાઓને ગામે ગામે મોકલી મીટર રીડિંગ કરવાની કામગીરી કરાવી રહ્યું છે જેની સામે મહિલાઓમાં રોષ ફેલાયો છે.

મહિલાઓએ કહ્યું, અજાણી જગ્યાએ એકલા જવું જોખમી છે
8 મહિલા જુનિયર આસિસ્ટન્ટ જેમને મીટર રીડિંગની કામગીરી સોંપવામાં આવી છે તેમની સાથે ‘દિવ્ય ભાસ્કરે’ વાત કરતા મહિલાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અજાણી જગ્યાએ એકલા જવું ખરેખર જોખમી છે. સબ ડિવિઝનની ગાડી અમને જે-તે ગામડે મૂકીને જતી રહે પછી વાડીઓમાં, વગડાઓમાં અમારે એકલા જ જવું પડે. ખૂદ વાડી માલિક પણ હાજર નથી હોતા, કેટલીક જગ્યાએ પરપ્રાંતીય મજૂરો જ હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તો કોને શોધવા જવું એ પ્રશ્ન છે. આ અંગે અમે રજૂઆત કરી હતી પણ કોઈએ કશું સાંભળ્યું નહીં.

સર્કલ ઓફિસની સૂચનાથી જવાબદારી સોંપાઈ
મહિલાઓને મીટર રીડિંગ કરવાની જે કામગીરી સોંપી છે તે ફરજના ભાગરૂપે અને સર્કલ ઓફિસની સૂચનાથી જ સોંપી છે. લોકડાઉનમાં મીટર રીડિંગ કામગીરી થઇ શકી નથી. રાજકોટની આજુબાજુના ગામમાં જ જવાબદારી સોંપી છે અને કોઈ મુશ્કેલી પડે તો અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું છે. - એલ.કે. પરમાર, કાર્યપાલક ઈજનેર, PGVCL

અન્ય સમાચારો પણ છે...