એસટી બસમાં ધક્કામુક્કી કરીને ગઠિયાઓ પર્સ તફડાવી જતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે પરંતુ ગુરૂવારે સિટી બસમાં પણ ગીરદીનો લાભ લઇ કોઇ શખ્સ મહિલા મુસાફરનું રોકડા રૂ.90 હજાર અને સોનાના દાગીના સહિત કુલ રૂ.1.24 લાખની મતાનું પર્સ ઉઠાવી ગયું હતું.
ગોંડલના ગુંદાસરા ગામના શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45)એ ચોરીની ઘટના અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોભાનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે તેમના ફૈબાના પુત્રની સગાઇ થઇ હોય તેની પહેરામણીના પ્રસંગે પોતે રતનપર ગયા હતા અને સાંજે રતનપરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા અને રતનપરના પાટિયેથી સિટી બસમાં બેઠા હતા, શોભનાબા અને તેમના પરિચિત મહિલાઓ બસમાં પાછળના ભાગે ઉભા હતા, બેડી માર્કેટિંગયાર્ડ પાસે બસ પહોંચી ત્યારે શોભનાબાને અહેસાસ થયો હતો કે તેમનું પાકીટ કોઇ તફડાવી ગયું છે,
શોભનાબાએ તાકીદે ડ્રાઇવર અને કંડક્ટરને જાણ કરી બસ ઉભી રખાવી હતી, જોકે ત્યાં સુધીમાં અનેક લોકો બસમાંથી ઉતરી ગયા હતા.’કંડક્ટરે અન્ય મુસાફરોની બેગ ચેક કરી હતી પરંતુ મહિલાનું પર્સ જોવા મળ્યું નહોતું, ચોરી થયેલા પર્સમાં રોકડા રૂ.90 હજાર, એક જોડી સોનાની બૂટી, સોનાનો ટીકો, કાનના દાણા અને ચાંદીનું કડું સહિત કુલ રૂ. 1.24 લાખની માલમતા હતા, અંતે આ મામલે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.