રેરેસ્ટ ઓફ ધી રેર કેસ:મહિલાને પેટમાં દુખાવો ઊપડ્યો, લેપ્રોસ્કોપી કરતાં પેટમાં સવા કિલોનું મૃત ભ્રૂણ મળ્યું, ગર્ભ રહી ગયાથી અજાણ

રાજકોટ11 દિવસ પહેલા
  • 33 વર્ષીય મહિલાના પેટમાં દોઢ માસથી મૃત ભ્રુણ પડ્યું હતું
  • આવો કિસ્સો રાજકોટ જ નહીં, બલકે ગુજરાતમાં પણ નથી બન્યો
  • ઓપરેશન માટે બે ગાયનેક, એક ગેસ્ટ્રો સહિત સાત તબીબો હાજર રહ્યા

પ્રવર્તમાન સમયમાં ભાગદોડભરી જીવનશૈલી અને કોરોનાને પગલે લોકોએ ક્યારેય સાંભળ્યું પણ ન હોય એવી બીમારી સામે આવી રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બન્યો, જ્યાં મહિલા દર્દી પેટના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થઈ હતી. આ પછી તેની લેપ્રોસ્કોપી કરવામાં આવી હતી, જેનું પરિણામ આવતાં તબીબો પણ ચોંકી ઊઠ્યા હતા, કેમ કે મહિલાના પેટમાં સવા કિલોનું મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. આ પૂર્વે પણ મહિલાને સીઝેરિયનથી બે ડિલિવરી થઈ ગઈ હતી આમ છતાં ગર્ભવતી હોવાની જાણ ન થઈ ! આવો કિસ્સો રાજકોટ જ નહીં, બલકે ગુજરાતમાં નથી બન્યો

મહિલા મૂળ વેરાવળના સુત્રાપાડાની વતની
રાજકોટના બાળરોગ નિષ્ણાત ડો.પ્રતીક ભાડજા અને ડો.દર્શન જાનીએ આ કેસમાં વિગતે અભ્યાસ કર્યો હતો. આ અંગે ડો.દર્શન જાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મહિલા મૂળ વેરાવળના સુત્રાપાડા નજીક આવેલા એક ગામની રહેવાસી છે, જ્યાં તેને પેટના દુખાવાની તકલીફ થઈ હતી, પરંતુ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગર્ભાશય એકદમ જ ફૂલી ગયું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલા સારવાર માટે આવી ત્યારે તેને તાવ, પેટમાં દુખાવો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તો ગર્ભાશય એકદમ જ ફૂલી ગયું હતું. આ પછી તબીબોએ ગેસની તકલીફ માનીને દર્દીના પેટની સોનોગ્રાફી કરી હતી, પરંતુ એમાં એર જ દેખાતી હોવાથી કશું નિદાન ન થઈ શકતાં લેપ્રોસ્કોપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેપ્રોસ્કોપીનું પરિણામ આવતાં મહિલાના પેટમાં છેલ્લા દોઢ મહિનાથી એક મૃત બાળક પડ્યું હોવાનું અને તેનું વજન સવા કિલો જેટલું હોવાનું ખુલ્યું હતું

ઓપરેશન 6 કલાક સુધી ચાલ્યું
તેમણે જણાવ્યું હતું કે હવે તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ હતી. દર્દીના પરિવારે તાત્કાલિક ઓપરેશનની સહમતી આપતાં ઓપરેશન શરૂ કર્યું હતું, જે 6 કલાક સુધી ચાલ્યું હતું. મહિલા દર્દીના ઓપરેશન વખતે બે ગાયનેક, એક ગેસ્ટ્રો, એક એનેસ્થેટિક સહિત સાત જેટલા તબીબો હાજર રહ્યા હતા. ઓપરેશન સફળ નીવડતાં મહિલાનો જીવ બચી ગયો હતો. અત્યારે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખતરાની બહાર છે

બાળક ટાંકા ફાડીને બહાર આવી ગયું
તેમણે જણાવ્યું હતું કે આ મહિલાના પેટમાં છેલ્લા 6 મહિનાથી એક બાળક ઊછરી રહ્યું હતું. જોકે તે અંગે મહિલા અજાણ રહી જતાં તે બાળક 4 મહિના સુધી તો જીવિત રહ્યું હતું, પરંતુ મહિલા બેધ્યાન રહેવાને કારણે તે બે મહિના પહેલાં જ મૃત્યુ પામ્યું હોય એવું બની શકે છે. દોઢ મહિનાથી મહિલાના પેટમાં બાળક હોવાની તેને જાણ ન થતાં અને પેટમાં જ બાળક મૃત્યુ પામતાં તેનાં હાડકાં મહિલાના પેટમાં પથરાઈ ગયાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે મહિલા દર્દીને પાછલી 2 ડિલિવરી સીઝેરિયનથી કરવામાં આવી હોવા છતાં પોતે ગર્ભવતી હોવાનો ખ્યાલ તેને આવ્યો નહોતો. 2 વખત સીઝેરિયન થવાથી ટાંકા નબળા પડી ગયા હોવાને કારણે બાળક ટાંકા ફાડીને બહાર આવી ગયું હતું અને તેના કારણે જ મહિલાને અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો.

આ ઘટના ક્યા કારણે બની
તેમણે આગળ જણાવ્યું હતું કે મહિલાઓ પોતાની પિરિયડ (માસિક ધર્મ)ની સાઇકલને લઈને અત્યંત બેદરકાર થઈ ગઈ છે, જે બિલકુલ વાજબી નથી. જો મહિલાનો પિરિયડ મિસ થાય અને તેના પાંચથી સાત દિવસની અંદર જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી લેવામાં આવે તો આ પ્રકારની ઘટના બનતી રોકી શકાય છે. આ માટે મહિલાએ બીજું કશું કરવાની જગ્યાએ સોનોગ્રાફી કરાવી લેવી જરૂરી છે તો અત્યારે ઘરબેઠા જ પ્રેગ્નન્સી ટેસ્ટ થાય છે, એ પણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...