શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર ચાલુ બાઇકમાંથી પડી જતા મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે તેમના બે સંતાનોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મચ્છાનગર મફતિયાપરા-9માં રહેતા અરવિંદભાઇ ભાદાભાઇ ગોહિલ નામના પ્રૌઢના સાસરિયામાં લગ્નપ્રસંગ હોય મંગળવારે પત્ની શોભના અને બે સંતાન આર્યન, અંકિતા સાથે બાઇક પર ચોટીલાના રેશમિયા ગામે ગયા હતા.
લગ્નપ્રસંગ પૂરો કરી પરત દંપતી તેમના સંતાનો સાથે બાઇક પર રાજકોટ આવતા હતા. ત્યારે કુવાડવા હાઇવે પર પહોંચતા રોડ પર ખાડો આવતા અરવિંદભાઇએ ખાડાથી બચવા બાઇકને તારવ્યું હતું. ત્યારે બાઇક પર સવાર પત્ની શોભના અને બંને બાળકો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. સદનસીબે બંને બાળકને સામાન્ય ઇજા થઇ હતી.
જ્યારે શોભનાબેનને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થઇ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે યુવરાજનગર-3માં રહેતા મૃતક શોભનાબેનના ભાઇ જિતેષભાઇ બુધાભાઇ દૂધરેજિયાની ફરિયાદ પરથી બેફિકરાઇથી બાઇક ચલાવનાર અરવિંદભાઇ ગોહિલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.