જસદણમાં 23 વર્ષ પૂર્વે તાલુકાના સોમલપર ગામે ખેતીકામ કરતી મહિલાનું વીજશોકથી મોત નિપજયું હતું. જે બાદ પરિવારે PGVCLની બેદરકારીના આક્ષેપ સાથે જસદણ ન્યાયાલયમાં PGVCL વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. અને સતત 23 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ આ મામલે જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટે ચુકાદો આપી પીડિત પરિવારને રૂ.3 લાખનું વળતર વાર્ષિક 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા PGVCLને હુકમ કર્યો હતો.
સોમલપર ગામે દુર્ઘટના ઘટી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજથી 23 વર્ષ પૂર્વે તારીખ 12 ઓગસ્ટ 2000ના રોજ જસદણ તાલુકાના સોમલપર ગામે ખેતીના કામમાં જીવુબેન ભગવાનભાઈ ગાબુ વ્યસ્ત હતા. એ સમયે નજીકના વીજ પોલમાંથી વીજકરંટ પસાર થઈ રહ્યો હતો. અચાનક જીવુબેન વીજપોલના સંપર્કમાં આવતા તેમને વીજકરંટ લાગ્યો હતો અને ખેતરમાં જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
PGVCLએ જાણ કરવી જોઈએ
આ દુર્ઘટના બાદ જીવુબેનના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, વીજપોલમાં ઉત્પન્ન થયેલી ખામીની જાણ PGVCLએ કરવી જોઈએ. તેમની બેદરકારીને કારણે જીવુબેનનો જીવ ગયો છે. આ ગંભીર આક્ષેપ સાથે પરિવારે જસદણ ન્યાયાલયમાં કોર્ટ કેસ ફાઈલ કર્યો હતો અને સતત 23 વર્ષ સુઘી તારીખ પર તારીખ પડી પડી હતી.
જીવુબેનની તરફેણમાં ચુકાદો આપ્યો
જે બાદ જસદણના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.એન.નવીનની કોર્ટમાં કેસ ચાલી જતા કેસની હકીકતોને ધ્યાને લઈ ગત તારીખ 13 માર્ચ 2023ના રોજ 23 વર્ષ બાદ જસદણ અદાલત દ્વારા જીવુબેનને વળતર અપાવી તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.જ્યાં જજ પી.એન.નવીન દ્વારા PGVCLના ઈલેક્ટ્રીકસ ઈન્સ્પેકટર સામે મેન્ટેનન્સ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
PGVCLના અધિકારીઓ જાગૃત બને
જજ પી.એન.નવીને કહ્યું હતું કે,સમયાંતરે વીજપોલના મેન્ટેનન્સની ખૂબ જ જરૂરત હોય છે. આ બાબતે PGVCLના અધિકારીઓ જાગૃત બની વીજપોલની મેન્ટેનન્સ કરે. નોંધનીય છે કે આ કેસના અનુસંધાને જસદણ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.એન.નવીનએ વીજ અધિકારીઓને તેમની બેદરકારી બાબતે ઠપકો આપ્યો હતો. અને પીડિત પરિવારને રૂ.3 લાખનું વળતર વાર્ષિક 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા PGVCLને હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.