તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાની શંકા:મહિલાનું ઝેરી દવા પીવાથી મૃત્યુ થયું’તું, નિવૃત્ત ફૌજી પતિએ ઝેર પીવડાવ્યાનો આક્ષેપ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલમાં લાશ મૂકી જનાર રિક્ષાચાલકની નંબરના આધારે શોધખોળ શરૂ કરાઇ

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં શનિવારે બપોરે બે મહિલા અને એક પુરુષ 36 વર્ષની મહિલાને બેભાન હાલતમાં લઇને આવ્યા હતા, ફરજ પરના તબીબે મહિલાને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી, જોકે તબીબો એ મહિલાને મૃત જાહેર કરે તે પહેલા જ તેને લાવનાર ત્રણેય લોકો ત્યાંથી નાસી ગયા હતા. તેથી હોસ્પિટલ સ્ટાફે પોલીસમાં જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પ્ર.નગર પોલીસે મૃતક મહિલા પાસે રહેલા મોબાઇલના આધારે તપાસ કરતા મૃતક સોનલ કેશુ કડવાણી (ઉ.વ.36) હોવાનું ખુલ્યું હતું તેમજ તેના માતા-પિતા જસદણ રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે જાણ કરતાં સોનલના માતા-પિતા સહિતના પરિવારજનો જસદણથી રાજકોટ દોડી આવ્યા હતા. રવિવારે ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવાતા સોનલનું મોત ઝેરી દવા પીવાથી થયાનું સ્પષ્ટ થયું હતું.

બીજીબાજુ સોનલની માતાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, સોનલના લગ્ન ઢાંઢણી ગામે રહેતા ફૌજી કેશુ કડવાણી સાથે થયા હતા. સોનલ ચાર વર્ષથી રિસામણે બેઠી હતી, જોકે તે જસદણ પણ માતાપિતાની સાથે નહીં પરંતુ રાજકોટમાં કોઇ સ્થળે રહેતી હતી. કેશુ કડવાણી ફોજમાંથી નિવૃત્ત થયો છે અને તેણે પત્ની સોનલને ઝેરી દવા પીવડાવ્યાનો સોનલની માતાએ આક્ષેપ કર્યો હતો.

પોલીસે નિવૃત્ત ફૌજી કેશુની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, સોનલ 12 વર્ષથી તેની સાથે રહેતી નથી. બીજીબાજુ સોનલને મૃત હાલતમાં હોસ્પિટલે લાવી નાસી જનારાઓ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાના નંબર હાથ આવતા પોલીસે રિક્ષા નંબર પરથી લાશ મૂકી જનારાઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...