સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5ના પરીક્ષાના પેપર લીક થવા મુદ્દે 35 દિવસ વીતી જવા છતાં પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવતા 17મીએ એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં હંગામો મચાવી વિરોધ કર્યો હતો. ત્યારે કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં 18મીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પ્રક્રિયા કરવામાં આવશે’ તેવું લેખિતમાં આપતા મામલો થાળે પડ્યો હતો પરંતુ 18મીએ આખો દિવસ દરમિયાન પેપર લીક મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો લેખિતમાં આપેલી ખાતરી મામલે ફરી ગયા હતા.
શુક્રવારે યુનિવર્સિટી દ્વારા પેપર લીક મામલે પોલીસ ફરિયાદ કરવા મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગુરુવારે વિદ્યાર્થી સંગઠનને કુલપતિ ડૉ. ભીમાણીએ કહ્યું રજિસ્ટ્રાર ફરિયાદી બનશે, રજિસ્ટ્રાર અમિત પારેખે કહ્યું, પરીક્ષા નિયામકની જવાબદારી છે તેમણે ફરિયાદી બનવું જોઈએ અને પરીક્ષા નિયામક નિલેશ સોનીએ પેપર લીક કાંડમાં ફરિયાદી બનવાની ઘસીને ના પાડી હાથ ઊંચા કરી દીધા હતા. યુનિવર્સિટીના ત્રણેય મુખ્ય સત્તાધીશોએ પેપર લીક કાંડમાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા મુદ્દે એકબીજાને ખો આપી ગંભીર ઘટનાને રમત બનાવી દીધી હતી.
અગાઉ પણ કુલપતિએ 30 દિવસમાં 5 નિર્ણય કર્યા, બાદમાં ફરી ગયા’તા
1 11 માસના કરાર પર પ્રોફેસરની ભરતી કરવાની હતી, બાદમાં 45 દિવસની જ કરી, ફરી 11 માસની કરી.
2 ટીચિંગની કરારી ભરતીમાં પહેલા કહ્યું, ભવનના વડા ઈન્ટરવ્યુમાં માર્ક નહિ આપી શકે, પછી મંજૂરી આપી.
3 સિન્ડિકેટ સભ્ય ભરતી ઇન્ટરવ્યૂમાં હાજર નહીં રહે, બાદમાં હાજર રહી માર્ક પણ મુકવા દીધા!
4 સિન્ડિકેટની મિટિંગમાં મીડિયાને પ્રવેશનો નિર્ણય, બાદમાં સિન્ડિકેટ રૂમમાં નો-એન્ટ્રી, સેનેટ હોલમાં બેસાડ્યા
5 કરારી પ્રોફેસરની ભરતીમાં UGCના નિયમો લાગુ કરવા નિર્ણય, બાદમાં કર્યા નહીં.
મિટિંગો રદ કરી
યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ, બીયુટી, સિન્ડિકેટ સહિતની બેઠકોનું ટાઈમટેબલ અગાઉથી નક્કી હતું પરંતુ આચારસંહિતાના બહાને હાલ મિટિંગ બોલાવવાનું સત્તાધીશોએ ટાળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.