તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનરાધાર:જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 કલાકમાં દોઢ ઇંચ, રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા, ગોંડલમાં ધોધમાર વરસાદ

રાજકોટ3 મહિનો પહેલા
જસદણમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.
  • ગોંડલના રામોદ, નાના માંડવા, ઇશ્વરીયા, મોટા માંડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જસદણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા છે. આકોટમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરો પાણી પાણી બની ગયા છે. જ્યારે રાજકોટમાં યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.

જસદણમાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.
જસદણમાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.

આટકોટમાં એક ઇંચ વરસાદ વરસ્યો
આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાવણી પછી મેઘરાજાની પધરામણી ન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત હતી. આજે બપોર સુધી ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત વીરનગર સહિતના આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

ગોંડલમાં રસ્તા પર પાણી ફરી વળ્યા.
ગોંડલમાં રસ્તા પર પાણી ફરી વળ્યા.

ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ કોટડાસાંગાણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગોંડલના રામોદ, નાના માંડવા, ઇશ્વરીયા, મોટા માંડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

જસદણમાં રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા.
જસદણમાં રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા.

ગઇકાલે વીંછિયા પંથકમાં વરસાદ પડ્યો હતો
ગઇકાલે વીંછિયાના ભડલી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી હતી. ઘણા દિવસો બાદ વરસાદ પડતાં લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી હતી. વાવણી પછી વરસાદ આવતા પાકોને જીવનદાન મળ્યું છે. ભડલીના હસમુખભાઈ તૈરેયાએ જણાવ્યું હતું કે, આખો દિવસ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ પડ્યો હતો.

ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

જસદણની ખારી નદીમાં પૂર આવ્યું
જસદણમાં ભારે વરસાદથી ડીએસવીકે હાઇસ્કૂલ પાસે ગોઠણસમા પાણી ભરાયા હતા. તેમજ રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા હતા. ભારે વરસાદથી ખારી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા.

જસદણમાં અનરાધાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું.
જસદણમાં અનરાધાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું.
આટકોટમાં ધોધમાર વરસાદ.
આટકોટમાં ધોધમાર વરસાદ.

(કરશન બામટા, આટકોટ/ દિપક રવિયા, જસદણ/દેવાંગ ભોજાણી, ગોંડલ)