તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યારા બેફામ:જસદણમાં બીજા દિવસે એક જ મોડસ ઓપરેન્ડીથી બીજી હત્યા, દેવપરામાં પણ વૃદ્ધને ખાટલામાં નાડાથી હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઈ પતાવી દીધા

જસદણ3 મહિનો પહેલા
ખાટલામાં જ હાથ-પગ બાંધી હત્યારાએ વૃદ્ધની બેરહેમીથી હત્યા કરી.
  • ગઈકાલે વીરનગરમાં 70 વર્ષના વૃદ્ધને ખેતરમાં ભાગમાં વાવનાર શખસે જ સાડીથી થાંભલા સાથે બાંધી મોઢે ડૂમો દઈ પતાવી દીધા હતા
  • સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી, ઘરમાં સામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો

જસદણ તાલુકામાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. બે-બે હત્યાના બનાવ સામે આવતાં પોલીસનો ડર રહ્યો ન હોય એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. બે દિવસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી આજે બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

વૃદ્ધના હાથ-પગ નાડાથી બાંધેલા હતા
પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના દેવપુરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની ગત રાત્રે અજાણ્યા શખસોએ હત્યા કરી ફરાર થઇ ગયા છે. સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો, આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી માવજીભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરાઇ છે અને હત્યા બાદ ઘરમાં સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો.

નાડાથી પગ બાંધેલા હતા.
નાડાથી પગ બાંધેલા હતા.

માવજીભાઇ દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડવાનું કામ કરતા
માવજીભાઇ દેવપુરા ગામમાં રહેતા હતા તેમજ દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. માવજીભાઇની હત્યા શા માટે અને કોણે કરી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર શખસોને માવજીભાઇ સાથે શું સંબંધ છે એ તપાસના અંતે બહાર આવશે.

માવજીભાઇ વેદ્યનું કામ કરતા હતા, તપાસ ચાલુઃ SP
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, માવજીભાઇ પોતાના ઘરે ઓસરીમાં ખાટલા પર સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે જસદણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી છે. માવજીભાઇ સ્થાનિક સ્તરે વેદ્યનું કામ કરતા હતા. પરિવારજનોએ પોલીસને જાણ કરતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

હાથને પણ નાડાથી બાંધી દીધા હતા.
હાથને પણ નાડાથી બાંધી દીધા હતા.

માવજીભાઇનો પુત્ર અને અન્ય પરિવારજનો ગામમાં રહે છે
જસદણના દેવપરા ગામની સીમમાં વાડીમાં જ રહેતા માવજીભાઇ મેરામભાઇ વાછાણી કોળીની આજે સવારે તેની વાડીની ઓરડીમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા જસદણના પી.આઇ. કે. જે રાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક માવજીભાઇના હાથ-પગ બાંધી અને મોઢા ઉપર ડૂમો દઇ કોઇએ ઢીમ ઢાળી દિધાનું ખુલ્યું છે. મૃતક માવજીભાઇ દેવપરા ગામની સીમમાં તેની વાડીમાં રહી દાઝેલા લોકોને વિનામૂલ્યે મલમ આપી સેવાનું કામ કરતા હતા. જ્યારે તેના પુત્રો અને અન્ય પરિવારજનો ગામમાં રહે છે.

બૂમો ન પાડે તે માટે વૃદ્ધના મોઢામાં ડૂચો દઈ દીધો હતો
ગઇકાલે રાત્રે મૃતક માવજીભાઇને વાડીએ તેના પરિવારજનો ટિફિન દઇ ગયા હતા અને દૂધ લઇ ગયા હતાં. આજે સવારે કોઇ મલમ લેવા આવતા માવજીભાઇની હત્યા કરાયેલી હાલતમાં લાશ જોતા તેના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર માવજીભાઇના હાથ-પગ અને મોઢા ઉપર ડૂચો મારેલો છે. હત્યારાઓએ મૃતક માવજીભાઇ રાડો ન નાખે તે માટે મોઢા ઉપર ડૂચો મારી દીધો હોવાનું તારણ છે.

મકાનની ઓસરીમાં ખાટલામાં જ વૃદ્ધની હત્યા.
મકાનની ઓસરીમાં ખાટલામાં જ વૃદ્ધની હત્યા.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
મતૃક માવજીભાઇની હત્યા લૂંટના ઇરાદે થઇ છે કે અન્ય કારણોસર? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ સ્ત્રીપાત્ર પણ કારણભૂત હોવાની શંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મૃતક માવજીભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને બન્ને પરિણીત છે. વિરનગરના વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયાની ગણતરીની કલાકોમાં જ જસદણ પંથકમાં વધુ એક હત્યા થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ગઇકાલે વીરનગરમાં આ જ મોડસ ઓપરેન્ડીથી વૃદ્ધની હત્યા કરાઇ હતી
જસદણના વીરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયાનો ગઈકાલે મૃતદેહ મળ્યો હતો. જોકે પોલીસ તપાસમાં વૃદ્ધની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે હત્યા કરનાર શખસ સંજય વેરસીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે મારી પત્ની પાસે વૃદ્ધ બીભત્સ માગણી કરતો હોવાથી તેને સાડીથી થાંભલા સાથે બાંધી મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.

ગઇકાલે વૃદ્ધની વાડીના ઝૂંપડામાંથી મૃતદેહ મળ્યો હતો
વીરનગરથી કનેસરા રોડ ઉપર આવેલી વાડીએ એકલા જ રહેતા શંકરભાઇ પોપટભાઇ વેકરિયાની ગઇકાલે તેમની વાડીના ઝૂંપડા જેવા મકાનમાંથી લાશ મળી આવી હતી. પ્રથમ દૃષ્ટિએ જ હત્યા હોવાનું દેખાતાં પ્રથમ જસદણ સરકારી દવાખાને પેનલ ડોકટર્સ દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. એ બાદ યોગ્ય નિષ્કર્ષ ન આવતાં રાજકોટ ફોરેન્સિક પી.એમ. કરવામાં આવ્યું હતું. અહીં શંકરભાઇને મોઢે ડૂમો દઇ હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ જસદણના વીરનગરમાં પત્ની પાસે બીભત્સ માગણી કરતા 70 વર્ષના વૃદ્ધને યુવાને સાડીથી થાંભલા સાથે બાંધ્યા, મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતાર્યા

ગઇકાલે વીરનગરમાં પણ વૃદ્ધને સાડીથી બાંધી મોઢે ડૂમો દઈ પતાવી દીધા હતા.
ગઇકાલે વીરનગરમાં પણ વૃદ્ધને સાડીથી બાંધી મોઢે ડૂમો દઈ પતાવી દીધા હતા.

જમીન વાવવા રાખી તે ભાગિયો જ આરોપી નીકળ્યો
આ અંગે શંકરભાઇના ભાઇ ગિરધરભાઇએ ફરિયાદમાં અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. શંકરભાઇ અપરિણીત હતા અને વર્ષોથી પોતાની વાડીએ ઝૂંપડા જેવા મકાનમાં એકલા રહી બકરા ચરાવી ગુજરાન ચલાવતા હતા. તેમના ભાગની જમીનમાં તેઓ વર્ષોથી ખેતી કરતા નહોતા, પરંતુ આ વર્ષે થોડી જમીન ખેડાવી હતી, જેમાં મોટા દડવાના સંજય વેરસી ભાગમાં જમીન વાવવા આપી હતી. સંજય તેની પત્ની અને તેની માતા વીરનગર વાડીએ રહેવા હજુ થોડા દિવસ પહેલાં જ આવ્યા હતો. તેણે જ પોતાની પત્ની પર નજર બગાડનાર વૃદ્ધની હત્યા કર્યાનું કબૂલ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરી હતી.

(દિપક રવિયા/કરસન બામટા, જસદણ)