વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. એક મહિનો પહેલા સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતીકૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી હતી. આ અંગે વડાપ્રધાન સુધી રજઆત કર્યાની પણ ચર્ચા ઊઠી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, સાથે હરીફ જૂથે એવી પણ તાકીદ કરી છે કે જો નિર્ણય નહિ લેવાય તો હવે તેઓ કોર્ટમાં જશે. જે રજૂઆત કરી છે તેમાં તપાસ-કૌભાંડ માટે અઢી ડઝનથી વધુ મુદાઓ રજુ કરાયા છે.
વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે
ઉલ્લેખનીય છે કે જેમાં રૂપાણી જૂથને ટાર્ગેટ કરવા હવે જયેશ રાદડિયાને જિલ્લા બેંકમાંથી દૂર કરવા અસંતુષ્ટો એક થઈ ગયા છે.જો કે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે. મંત્રી ન હોવાછતાં જયેશ રાદડિયાનું ખેડૂતોમાં વર્ચસ્વ છે. માત્ર એટલું જ નહીં, જેતપુર-જામકંડોરણાથી લઈ રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે.
ચૂંટણી માટેના નિયમો શું હોય છે
રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીનભાઈ ઢાંકેચાએ જણાવ્યું હતુ કે, જે રજૂઆત કરી છે તેમાં નિર્ણય આવે તે માટે રાહ જોવાઈ રહી છે. જો કે આપેલા સમય કરતા વધુ સમય નીકળી ગયો છે અને હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે હવે આ આખરી પત્ર છે. જો કોઈ તપાસ નહીં થાય તો હવે હાઈકોર્ટમાં જવામાં આવશે. તપાસ માટે રિમાઈન્ડર પત્ર લખ્યો છે તેમાં બેંકની ભરતી મુદે, બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની ચુંટણી, મતદાર યાદી વગેરે અંગે તપાસ થાય તેવી માંગણી કરી છે.જો કે આ રિમાઈન્ડર પત્રમાં સહકારી મંડળીની ચૂંટણી માટેના નિયમો શું હોય છે તે પણ રજૂ કર્યા છે.
આ બેઠક બિનકારગત નિવડી
વધુમાં સૂત્રોના જણાવ્યાનુસાર સહકારી જગતમાં જે બે જૂથ પડયા છે. તેનું સમાધાન થાય તે મુદે સ્થાનિક સહકારી જગતના આગેવાન અને સમાજના મોભીઓને મધ્યસ્થીએ બેઠક પણ થઇ છે. પરંતુ આ બેઠક બિનકારગત નિવડી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સહકારી જગતમાં જે બે જુથ પડયા છે તેમાં સમાધાન થશે કે લડાઇ હાથ ધરાશે તે મુદે સૌ કોઇની નજર મંડાઇ છે.
જયેશ રાદડિયાએ રાજકોટના 6 માર્કેટ યાર્ડમાં વટ પાડ્યો હતો
એક વખત કોંગ્રેસમાંથી અને છેલ્લી બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાઈ આવેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું વર્ચસ્વ આજે પણ અકબંધ છે. બે વખત કેબિનેટ મંત્રી બની ચૂકેલા જયેશ રાદડિયાના નામનો જેતપુર પંથકમાં આજે પણ ડંકો વાગે છે. તાજેતરમાં જ જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ, રાજકોટ, જેતપુર અને ગોંડલ માર્કેટ યાર્ડમાં જયેશ રાદડિયાએ વટ પાડી દીધો હતો. આ તમામ માર્કેટ યાર્ડમાં પોતાની વિવેક બુદ્ધિથી જયેશ રાદડિયાએ પોતાના જૂથને વિજેતા બનાવ્યું હતું. સામા પક્ષે પડનારા લોકોને પણ સમજાવી ફોંસલાવી પોતાના જૂથની જીત થાય તેવી કળા વાપરી હતી. પિતા વિઠ્ઠલભાઈ હયાત હતા ત્યારે તેઓ પણ સહકારી ક્ષેત્રે સારી એવી પકડ ધરાવતા હતા. પિતાના પગલે ચાલીને જયેશ રાદડિયાને પણ સહકારી ક્ષેત્રમાં સારી એવી પકડ આવી ગઈ અને સહકારી ક્ષેત્રે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. વિવાદિત લોધિકા સંઘની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ મધ્યસ્થી કરી હતી અને ઘીના ઠામમાં ઘી ઠારી દીધું હતું.
જેતપુર-જામકંડોરણા પંથકમાં આજે પણ વટ અકબંધ
જેતપુર અને જામકંડોરણા પંથકમાં આજે પણ જયેશ રાદડિયાના નામનો વટ પડે છે. સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય તે મોટો ઉદ્યોગપતિ બધા સાથે જયેશ રાદડિયા એકસમાન પ્રશ્નો સાંભળે છે. કોરોનાની બીજી લહેરમાં જયેશ રાદડિયાએ પોતાની કન્યા છાત્રાલયમાં કોવિડ સેન્ટર ઉભું કર્યું હતું અને તમામ દર્દીઓની સારવાર ફ્રીમાં કરી આપી હતી. આવું ભાગ્યે જ ગુજરાતમાં કોઈ નેતાએ કર્યું હોય એવું બને. પોતાના પંથકની જનતા માટે રાત-દિવસ દોડી જયેશ રાદડિયા સમસ્યાઓનો ઉકેલ લાવે છે. કેબિનેટ મંત્રી તરીકેનો પાવર બતાવી એક વખત એસપીને પણ જાહેરમાં ખખડાવ્યા હતા અને જેતપુરમાં લુખ્ખા તત્વોનો અંત લાવી દીધો હતો. જયેશ રાદડિયાને કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ ફોન કરી શકે છે. લોકોના પ્રશ્નો હર હંમેશ સાંભળનાર જયેશ રાદડિયાએ આ રાજકીય કદ હાંસલ કર્યું છે.
રૂપાણી જૂથને ટાર્ગેટ કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કેઆ પહેલાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો એ મીડિયામાં જાહેર થયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના નજીક ગણાતા હતા. અંતે, ભાજપના જ જૂથવાદને કારણે લેટરબોમ્બ ફૂટ્યો અને ગઇકાલે પોલીસ કમિશનરની જૂનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.