તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રોને મૂંઝવતો સવાલ:સૌરાષ્ટ્રમાં બદલાતા વરસાદી વાયરાથી ખેડૂતે બદલવી પડશે વાવણીની પેટર્ન

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વાવણી વહેલી કરવી કે પછી વરસાદ હજુ ખેંચાશે?
  • જૂન સુધીમાં વાવણી થાય તો કોઈપણ પાક શ્રેષ્ઠ, બાદમાં ટૂંકાગાળાના પાક સારા

ગ્લોબલ વોર્મિંગની અસરે વાતાવરણમાં ધરખમ ફેરફાર થઈ રહ્યો છે. તેમાં પણ આ વર્ષે તો ઉનાળામાં પણ વરસાદી માવઠા સતત શરૂ રહ્યાં હતાં. જેથી વાવણી વહેલી થશે કે પછી વરસાદ હજુ ખેંચાશે? તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે બદલાતી વરસાદની પેટર્ન વચ્ચે ખેડૂતોએ વાવણીની પેટર્ન બદલવાનો સમય આવી ગયો છે.

આ વર્ષે સમય કરતાં ચોમાસાનો વહેલો પ્રારંભ થશે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી ગુજરાતમાં ક્યાંય પણ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. મોટાભાગે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે. જેથી 15 જૂન બાદના સમયગાળાને વાવણીનો સમય માનવામાં આવે છે. પરંતુ હજુ વાવણીના કોઈ નેઠા નથી. ત્યારે જો વરસાદ મોડો થાય તો ક્યા પાક વાવવા તે સવાલ ધરતીપુત્રોને મૂંઝ‌વી રહ્યો છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેટલાક પાણીની સગવડતા વાળા ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળા ડિબાંગ વાદળોથી આકર્ષાયને વરસાદ પહેલા જ વાવણીના શ્રીગણેશ કરી નાખ્યા છે. તેવા સંજોગોમાં જો વાવણીલાયક વરસાદ ન વરસે અને છૂટા છવાયા ઝાપટાંઓ થાય તો મગફળી તમેજ કપાસ સહિતના બિયારણના સુરસુરિયા થઇ જાય તેમ છે. સાથે જ અગાઉથી નાખેલ મોંઘું ખાતર પણ નિષ્ફળ જાય છે.

ક્યા સમયગાળામાં ક્યા પાકની વાવણી કરવી?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલ જણાવે છે કે, જો 30 જૂન સુધીમાં વાવણીલાયક સારો વરસાદ વરસી જાય તો ખેડૂતો કોઈપણ પાકનું વાવેતર કરી શકે છે. લાંબાગાળાના પાકોનું વાવેતર પણ ખેડૂતો માટે લાભદાયી છે. પરંતુ જો વરસાદ ખેંચાય અને 1 જુલાઈ બાદ વરસાદ થાય તો મગફળીમાં ઊભડી મગફળીનું વાવેતર કરવું જોઈએ. ટૂંકાગાળામાં તૈયાર થતી કપાસની જાત પસંદ કરવી જોઈએ. સાથે જ કઠોળ અને સોયાબીન તેમજ ઘાસચારાના પાકની ખેતી કરવી જોઈએ. આ ઉપરાંત ધરતીપુત્રો મિશ્ર પાક અને આંતરપાક પણ લઇ શકે છે.

ખેડૂતો માટે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતિ
સૌરાષ્ટ્રમાં કપાસના પૂરતા ભાવ ન હોવાથી અને ગુલાબી ઈયળના ત્રાસથી કંટાળી ગયેલા ધરતીપુત્રો મગફળીના વાવેતર તરફ વળ્યા છે. જોકે મગફળીનું બિયારણ નાના ખેડૂતો લઈ પણ ન શકે તેટલું મોંઘું છે. તેની વચ્ચે બદલાતી વરસાદની પેટર્નથી ખેડૂતો માટે “એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતિ થઈ છે.

એક દશકાથી ચોમાસામાં ફેરફાર
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા એક દશકામાં ચોમાસામાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળે ધોધમાર તો ક્યાંક વળી સાવ વરસાદ વરસતો જ નથી. બદલાતી વરસાદી પેટર્ન સાથે ખેડૂતોએ બદલાતી ખેતી કરવી જરૂરી બની રહ્યું છે. જો ખેડૂતો વાવણીની પેટર્ન ન બદલે તો ખેતીમાં ખોટ ખાવાનો વારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...