મકરસંક્રાંતિને માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે અને ત્યારે પતંગ કેવી ચગશે તેને લઈને પતંગબાજો ખૂબ જ ઉત્સાહી હોય છે. ઘણા લોકો પવનની ગતિના આધારે પતંગની ખરીદીનો આગ્રહ પણ રાખે છે. આ તમામ ઉપરાંત જો પવન હોય તો જ સંક્રાંતની મજા લેવાય છે, ઘણી વખત એવું પણ બન્યું છે કે, ઝાકળ અથવા તો પવનની ગતિ નહિવત હોવાને કારણે અડધા અડધા દિવસની સંક્રાંત લોકોની બગડી હોય અને પતંગની મોજ ન માણી શક્યા હોય. જોકે આ વખતે આખો દિવસ પતંગ ચગાવી શકશે તેવી શક્યતા વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીએ કરી છે.
હવામાન વિભાગના નિવૃત્ત અધિકારી ઉકાણી જણાવે છે કે, પવનની ગતિ 10 કિ.મી. કે તેથી વધારે હોય ત્યારે પતંગ ચગાવવાનો આનંદ સારી રીતે માણી શકાય છે. આ વખતે પણ ગતિ વધારે રહેશે. શુક્રવારે આખો દિવસ પવનની ગતિ ક્યારેક 15 તો ક્યારેક 20 કિ.મી. પ્રતિ કલાક સુધી જશે.
આ પવન પશ્ચિમી દિશામાંથી આવતા હશે. સંક્રાંતે એટલે કે શનિવારે પવનની ગતિમાં સવારે નજીવા ઘટાડા સાથે 12થી 15 કિ.મી. રહેશે અને પવનની દિશા ઉત્તર પશ્ચિમ રહેશે. જોકે બપોર બાદ પવનની દિશા ઉત્તરની થશે અને તેની ઝડપ પણ 15 કિ.મી. પ્રતિ કલાકથી વધારે જોવા મળશે. આ કારણે પતંગ સારી રીતે ચગાવી શકાશે.
મેદાન ટૂંકું અને પવનની ગતિ ઓછી રહેતા કાઈટ ફેસ્ટિવલનો રંગ ઉડ્યો
રાજકોટ મનપા અને રાજ્યના પ્રવાસન વિભાગે ગુરુવારે કાઈટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. સવારે ઝાકળ હોવાથી પવનની ગતિ 8 કિ.મી. સુધી માંડ હતી અને તેમાં કાઈટ ફેસ્ટિવલ રેસકોર્સને બદલે ડી.એચ. કોલેજના નાના અને વૃક્ષો અને ઈમારતોથી ઘેરાયેલા મેદાનમાં કરાતા પતંગબાજોને વધુ તકલીફ પડી હતી. 150 જેટલા પતંગબાજ હતા પણ પતંગો ઉડાડવામાં ભારે મહેનત થઈ હતી માત્ર 5થી 7 પતંગ જ આકાશે ચડી શકતા કાઈટ ફેસ્ટિવલનો રંગ ઉડ્યો હતો. અનેક લોકો પતંગોથી રંગાયેલા આકાશને જોવા આવ્યા હતા પણ અગાઉના આયોજન કરતા ફિક્કો લાગતા ચાલતી પકડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.