તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Will Be Able To Go Home After 7 Days Of Surgery, Posaconazole To Be Taken 3 Times A Day For 7 Days Free, 40 Discharged So Far

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસની નવી ડિસ્ચાર્જ પોલિસી:સર્જરીના 7 દિવસ બાદ ઘરે જઈ શકશે, રોજ 3 લેવાની પોસાકોનાઝોલ 7 દિવસ સુધી મફત અપાશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત બેથી ત્રણ મહિના હોસ્પિટલમાં દાખલ નહિ રહેવું પડે જેથી દર્દીને પણ માનસિક રાહત અનુભવાશે
  • અત્યાર સુધીમાં 40ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસની નવી ડિસ્ચાર્જ પોલિસી અમલમાં આવી છે જેથી દર્દીઓ ઝડપથી પોતાના ઘરે જઇ શકે અને ત્યાં પણ એન્ટિફંગલ સારવાર ચાલુ રહેતા ઝડપથી સુધારો આવી જશે તેમજ ઘરે જવાથી દર્દીને માનસિક રાહત પણ અનુભવાશે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દર્દીને ડિસ્ચાર્જ કરવામાં સૌથી મોટી સમસ્યા એ હતી કે ઈન્જેક્શનનો કોર્સ પૂરો કર્યા વગર રજા આપીએ તો ઘરે જઈને ઈન્જેક્શન મળે કે ન મળે તેની કોઇ ગેરંટી નથી અને તે વ્યવસ્થા પણ ગોઠવી શકાય એમ નથી.

આ કારણે આખો કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી દાખલ રખાતા હતા. જોકે હવે નવી ડિસ્ચાર્જ પોલિસી આવતા દર્દી સર્જરીના 7 દિવસ બાદ સ્ટેબલ હશે તો તેને રજા આપી દેવાશે. એન્ટિફંગલ તરીકે ઈન્જેક્શનને બદલે પોસાકોનાઝોલ દવા લેવાની રહેશે. આ દવાની કિંમત 600 રૂપિયા પ્રતિ ટેબ્લેટ છે અને દિવસમાં 3 વખત 7 દિવસ સુધી લેવાની હોય છે. આ તમામ જથ્થો સિવિલમાંથી આપી દેવાશે. અત્યાર સુધીમાં આવા 40 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને હવે ધીરે ધીરે સંખ્યા વધશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મ્યુકરમાઈકોસિસને કારણે તંત્ર અને લોકોમાં ચિંતા વધી છે.

મ્યુકરમાઈકોસિસની દેશમાં સૌથી વધુ 401 સર્જરી રાજકોટ સિવિલમાં થઈ
ડો. ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં ખૂબ જ ટૂંકા ગાળા એવા માત્ર 17 જ દિવસમાં મ્યુકરમાઈકોસિસના 401 દર્દીની સર્જરી થઈ છે જે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર દેશમાં સૌથી વધારે છે. સૌથી પહેલા 100 કેસ પણ સમગ્ર દેશમાં રાજકોટમાં જ નોંધાયા હતા અને ત્યારથી જ તબીબો મહેનત કરી રહ્યા છે. એકસાથે 6 ઓપરેશન થિયેટરમાં સતત તબીબો કામ કરી રહ્યા છે અને રોજના 20 ઓપરેશન થાય છે. ત્રીસ સર્જન એકસાથે એક જ જગ્યાએ રહે તે પણ એક રેકોર્ડ છે. હાલ સિવિલમાં 494 અને સમરસમાં 193 મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમની સર્જરી થઈ છે અને સ્ટેબલ છે તેમને સમરસ જ્યારે ગંભીર દર્દી હોય તેમને સિવિલમાં જ રાખવામાં આવે છે. 401 સર્જરી પૂરી થઈ આમ છતાં હજુ ઘણી સર્જરી બાકી છે જે એકાદ સપ્તાહમાં થઈ જશે તેવી અધિક્ષકે શક્યતા દર્શાવી છે.

મ્યુકરના કેસમાં ફરી ઉછાળો, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી સૌથી વધુ કેસ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ 8 કે 10 દર્દીઓને મ્યુકરમાઈકોસિસની સમસ્યા સાથે દાખલ કરવામાં આવી રહ્યા હતા. આ પહેલા તે સંખ્યા 50 અને એક સમયે 80 સુધી પહોંચી ગઈ હતી. 10 સુધી નવા કેસ આવતા તંત્રને પણ રાહત થઈ હતી પણ છેલ્લા બે દિવસથી ફરી કેસની સંખ્યા 15 કરતા વધી છે. આ અંગે તબીબો જણાવે છે કે, રાજકોટ શહેર અને જિલ્લા કરતા હવે મોટાભાગના કેસ જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી આવી રહ્યા છે તેથી સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...