રાજકોટ અગ્નિકાંડ કેસ:પત્નીએ પોતાના પર કેરોસીન છાંટી પતિ પર છાંટી કાંડી ચાપી દીધી હતી, પત્નીનું મોત, સારવારમાં રહેલા પતિએ પોલીસને નિવેદન આપ્યું

રાજકોટ5 મહિનો પહેલા
યોગીરાજસિંહ સરવૈયાની ફાઈલ તસ્વીર
  • દાઝેલી હાલતમાં યોગીરાજસિંહ દોડીને રોણકીના પાટીયે પહોંચ્યા, ત્યાંથી 108માં હોસ્પિટલે દોડી ગયા હતા

રાજકોટમાં ગઈકાલે રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે મહિલાએ સળગીને આત્મહત્યા કરી હતી. જેમાં બચાવવા જતા પતિ યોગીરાજસિંહ સરવૈયા પણ દાઝી ગયા હતા. આ અંગે આજે પ્રદ્યુમનનગર પોલીસે ગંભીર રીતે દાઝી ગયેલાં પતિ યોગીરાજસિંહે પોલીસ નિવેદનમાં જણાવ્યા મુજબ પ્રથમ તેમના પત્નીએ પોતાના ઉપર જાતે જ કેરોસીન છાટ્યું અને બાદમાં પતિ અને બે બાળકો ઉપર પણ કેરોસીન ફેંકી દીવાસળીની કાંડી ચાંપી દીધી હતી. જોકે પોલીસે બનાવની સ્પષ્ટતા થાય તે માટે મૃતક વર્ષાબાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તેમના પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા સામાન્ય દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગત સાંજના 6 વાગ્યા આસપાસ રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ડી વિંગના છઠ્ઠા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જોકે ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બૂઝાવી હતી. અને દાઝી ગયેલા યોગીરાજસિંહ જશવંતસિંહ સરવૈયા(ઉ.વ.32), દોઢ વર્ષનો તેમનો પુત્ર પૂર્વરાજ, 10 વર્ષીય પુત્રી કૃતિકાબાને સારવારમાં ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ તુરંત જ આવી પહોંચ્યો હતો. ઘરમાં તપાસ કરતા એક મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી સ્થાનિકોની પૂછપરછ કરતા આ મહિલા યોગીરાજસિંહના પત્ની વર્ષાબા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ પ્રદ્યુમનનગર પોલીસના પીઆઇ એલ.એલ. ચાવડા અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. જરૂરી કાગળ કાર્યવાહી કરી વર્ષાબાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

મૃતક વર્ષાબાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ કરી હતી
મૃતક વર્ષાબાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ કરી હતી

હું સૂતી હતી, ભાઈ ઘોડીયામાં હતો, ધૂમાડો થતા હું જાગી અને બહાર દોડવા ગઈ ત્યારે દાઝી ગઈ: બાળકી
પોલીસે ઘટનામાં દાઝી ગયેલી 7 વર્ષીય બાળકી કૃતિકાબાનુ કાઉન્સેલિંગ કર્યું હતું. જેમા બાળકીએ જણાવ્યું કે હું સુતી હતી ત્યારે મારો નાનો ભાઈ ઘોડીયામાં સૂતો હતો. ઘરમાં ધૂમાડો થયો અને બહાર લોકો દેકારો કરવા લાગતા હું જાગી ગઈ અને બહાર દોડતી દોડતી ગઈ ત્યારે દાઝી ગઈ હતી. આગ કેવી રીતે લાગી તેની જાણ બાળકીને નથી.

ઘરવખરી આગમાં બળીને ખાખ
છત્રપતિ શિવાજી ટાઉનશીપના પ્રમુખ ઈલાબેન પંડયાએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે ટાઉનશીપના 2 બીએચકે વીંગ-ડીમાં છઠ્ઠામાળે 605 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. જાણ થતા રેલનગર ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ટેન્કર સાથે દોડી આવ્યો હતો. સાથોસાથ ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ લાગી ત્યારે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફ્લેટમાંથી બાળકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડી આગ સ્થાનિકોએ બૂઝાવી નાખેલી. બાદમાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ ફ્લેટમાં જઈ તપાસ કરતા મૃતક વર્ષાબાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. આગથી ઘરની ઘરવખરી, શેટી, ગાદલા, દરવાજા સળગી ગયા હતા.

ફાયરબ્રિગેડના અધિકારીઓએ તપાસ કરતા વર્ષાબાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો
ફાયરબ્રિગેડના અધિકારીઓએ તપાસ કરતા વર્ષાબાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો

દાઝેલી હાલતમાં યોગીરાજસિંહ દોડીને રોણકીના પાટીયે પહોંચ્યા હતા
ઘટના બન્યા બાદ સ્થાનિકો દાઝી ગયેલા બે બાળકોને લઈ હોસ્પિટલે જવા રવાના થયા ત્યાં જ દાઝેલી હાલતમાં ટાઉપશીપના છઠ્ઠા માળેથી તેઓ નીચે દોડી આવ્યા હતા અને હાજર સ્થાનિકોને, ટાઉનશીપ પ્રમુખ ઈલાબેન પંડ્યાને પૂછવા લાગ્યા કે મારા બાળકો ક્યાં ગયા? સ્થાનિકોએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે બાળકોને હોસ્પિટલે લઈ જવાયા છે. તમને લેવા માટે પણ 108 આવી રહી છે. પરંતુ યોગીરાજસિંહ સંતાનોની ચિંતામાં દોટ મૂકી હતી. પાછળથી 108 આવતા દર્દી દોડીને ભાગ્યા હોવાનુ સ્થાનિકોએ જણાવતા 108 પણ તેમના પાછળ ગઈ હતી ત્યારે રોણકીના પાટીયા પાસે દોડીને જઈ રહેલા યોગીરાજસિંહ મળી આવતા તેમને 108માં બેસાડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. તેમની હાલત ગંભીર હોવાનુ તબીબો જણાવી રહ્યા છે.

યોગીરાજસિંહ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે
ઘટનામાં દાઝી ગયેલા યોગીરાજસિંહ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, તેમને સંતાનમાં બે દીકરી હેમાદ્રીબા અને કૃતિકાબા છે તેમજ પુત્ર ઉર્વરાજ છે. પત્ની વર્ષાબા ગોંડલના વિક્રમસિંહ પરબતસિંહ જાડેજાના દીકરી છે. 25 દિવસ પહેલા યોગીરાજસિંહ પરિવાર સાથે સંબંધીના ફ્લેટમાં રહેવા આવ્યા હતા. મોટી દીકરી હેમાદ્રીબા થોડા દિવસોથી મામાના ઘરે રોકાવા ગઈ હતી. બનાવના પગલે ગોંડલથી પણ યોગીરાજસિંહના સાસરીયા પક્ષના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા.

ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

યોગીરાજસિંહ દોડીને નીચે આવ્યા અને કહ્યું ‘મારી પત્ની અમને સળગાવીને જતી રહી’
યોગીરાજસિંહે કહ્યું કે મારી પત્ની અમને સળગાવીને જતી રહી’ આટલું કહી તેઓએ ગેટ તરફ દોટ મૂકી હતી. ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર સ્ટાફ દોડી આવ્યો હતો. અમને એ વાતની જાણ હતી કે તેમના પરિવારમાં પતિ-પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. બે બાળકોને હોસ્પિટલે ખસેડાયા હતા અને પતિના કહેવા મુજબ પત્ની જતી રહ્યાં છે એવી અમને જાણકારી હતી. અમને શંકા હતી કે એક દીકરી હજુ ફ્લેટમાં હોય શકે તેથી ફાયર વિભાગે તપાસ કરતા યોગીરાજસિંહના પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો.