દુર્ઘટના:દુપટ્ટો બાઇકના વ્હિલમાં ફસાતા પતિની નજર સામે પત્નીનું મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનામવાનું દંપતી કડિયાકામે જવા નીકળ્યું’તું, માધાપર ચોકડી પાસે બનેલી ઘટના

નાનામવાનું દંપતી કડિયાકામે જવા બાઇક પર નીકળ્યું હતું અને માધાપર ચોકડીએ પહોંચ્યું હતું ત્યારે મહિલાએ પહેરેલી ચૂંદડીનો છેડો બાઇકના વ્હિલમાં ફસાઇ જતાં ફાંસો આવી જતાં મહિલાનું તેના પતિની નજર સામે મોત નીપજ્યું હતું.

નાનામવાના આંબેડકરનગરમાં રહેતા આલાભાઇ પાતર (ઉ.વ.52) અને તેના પત્ની કેશુબેન પાતર (ઉ.વ.50) બુધવારે સવારે બાઇકમાં બેસી કડિયાકામે જવા નીકળ્યા હતા, પાતર દંપતી માધાપર ચોકડી નજીક પહોંચ્યું હતું ત્યારે બાઇકમાં પાછળ બેઠેલા કેશુબેનની ચૂંદડીનો છેડો બાઇકના વ્હિલમાં ફસાતા ફાંસો આવી જતાં તે નીચે પટકાયા હતા.

ગંભીર ઇજા થતાં કેશુબેનને તેના પતિએ તાકીદે હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેશુબેનનાં મોતથી તેના એક પુત્ર અને બે પુત્રીએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવથી પાતર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઓરડીમાંથી યુવકની લાશ મળી
કુવાડવા રોડ પર ચામુંડાપાર્કમાં ઓરડીમાં રહેતા બંગાળી યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. ચામુંડાપાર્કમાં ભાડાની ઓરડીમાં રહેતો બંગાળી યુવક રણજિત બેરા (ઉ.વ.32) મંગળવારે આખો દિવસ ઓરડીની બહાર નહીં નીકળતા ઓરડી માલિકને શંકા જતાં બારણું ખટખટાવ્યું હતું પરંતુ નહીં ખૂલતા બારણું તોડતાં જ રણજિત મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેણે માત્ર ચડ્ડી પહેરેલી હતી, હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ થયું હતું કે બનાવ આપઘાતનો છે તે સ્પષ્ટ કરવા પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...