રાજકોટ ડ્રગ્સકાંડ:ક્રિકેટર પૂર્વ પત્ની સાથે હોટલમાં MD ડ્રગ્સ લેતાં રંગેહાથ ઝડપાયો, 3માંથી 2 ડ્રગ્સ ભરેલાં ઇન્જેક્શન મળ્યાં, કોલ્ડ ડ્રિક્સની આડમાં ડ્રગ્સ વેચી રહેલા વેપારીની અટકાયત

રાજકોટએક મહિનો પહેલા
માતાએ મીડિયા સમક્ષ પર્દાફાશ કરતાં પોલીસ એક્શનમાં આવી.
  • ક્રિકેટરે રાજકોટની યુવતી સાથે લગ્ન કર્યા અને 10 દિવસમાં છૂટાછેડા આપ્યા
  • ફરી અમી સાથે જ ચાર મહિના બાદ લગ્ન કર્યા અને 2020માં છૂટાછેડા આપી દીધા

રાજકોટમાં અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા ક્રિકેટરની માતાએ ગઇકાલે મીડિયા સમક્ષ પોતાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો છે અને ચિઠ્ઠી લખી ઘર છોડી ગયાનું જણાવ્યું હતું. બાદમાં રાજકોટ પોલીસે મહિલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. આજે પોલીસે રેસકોર્સ રોડ પર આવેલી એક હોટલમાંથી આ ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સ લેતાં રંગેહાથ ઝડપી લીધાં છે, સાથોસાથ કોલ્ડ ડ્રિક્સની આડમાં નશાનો વેપલો કરતો વેપારી પણ ઝડપાયો છે. ગઇકાલે ક્રિકેટરની માતાએ ડ્રગ્સના કાળા કારોબારને લઇને પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.ક્રિકેટર વર્ષ 2015-16થી ડ્રગ્સ લેતો હોવાનું પણ ખૂલ્યું છે. તે પૂર્વ પત્નીની ચઢામણીથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. ડ્રગ્સના નશામાં માતા સાથે અવારનવાર ઝઘડતો હતો.

શિવશક્તિ હોટલના એક રૂમમાંથી ઝડપાયા
રાજકોટમાં રહેતાં અલ્કાબેન મનોજભાઇ અંબાસણાએ પોતાનો પુત્ર આકાશ અને પૂર્વ પુત્રવધૂ અમી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયાં હોવાની મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી. બાદમાં SOGએ અલ્કાબેનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં મોડી રાત્રિના રાજકોટ શહેરની તમામ હોટલો ચેક કરવામાં આવી હતી, જેમાં રેસકોર્ષ પાસે આવેલી શિવશક્તિ હોટલના એક રૂમમાંથી આકાશ તેની પત્ની અમી દિલીપભાઇ ચોલેરા અને ઇરફાન અબ્બાસભાઇ પટણી મળી આવ્યાં હતાં. તેમનો સામાન ચેક કરતાં ગાદલા પરથી એક ખાલી તથા એક થોડું ભરેલું અને એક પૂરું ભરેલું ઇન્જેક્શન એમ કુલ ત્રણ ઇન્જેકશન મળી આવ્યાં હતાં.

રાજકોટ ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ કરી માહિતી આપી.
રાજકોટ ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ કરી માહિતી આપી.

ઝડપાયેલા ત્રણેયનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં
આ ત્રણેયના જણાવ્યા મુજબ, એમ.ડી. ડ્રગ ઇન્જેક્શનમાં હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ ઇન્જેકશન મારફત નશો કરતા હોવાનું જાણવા મળ્યું હોઈ, ત્રણેયનાં બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યાં છે, આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દામાલ એફ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ ત્રણેય લોકોની વિગતવારની પૂછપરછ હાલ ચાલુ છે. આકાશ તથા અમીને યોગ્ય કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરાવવાની અને તેમને આ ડ્રગની લત છોડાવવા માટે રિહેબિલિટેશન માટેની પણ તજવીજ ચાલુ છે અને તેમની માતાને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે.

આકાશે અમી સાથે લગ્ન કર્યાના 10મા દિવસે છૂટાછેડા લીધા
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અરજદાર અલ્કાબેન તથા તેમના પતિ મનોજભાઇ જેમને ભળતું ન હોય, આથી તેમના પતિ હાલ દિલ્હી ખાતે રહેતા હોવાનુ મનોજભાઇએ 2021માં પોતે જાતે સળગ્યા હતા. જેમાં તેઓ હાથે દાજી ગયા હતા અને આકાશ અને અમીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ થયા હતા. ફક્ત 10 દિવસમાં જ તેઓના છૂટાછેડા થઇ ગયા હતા. બાદમાં તેઓએ ફરી ચારેક માસ બાદ લગ્ન કરી લીધા હતા અને 2020માં ફરી છૂટાછેડા લીધા હતા. હાલ અમી તેના માતા-પિતા તથા તેના મિત્રોની સાથે રહે છે.

ડ્રગ-પેડલર સુધા ધામેલિયા ડ્રગ્સ સપ્લાય કરતી.
ડ્રગ-પેડલર સુધા ધામેલિયા ડ્રગ્સ સપ્લાય કરતી.

અવળા મિત્રોની સંગતથી આકાશ ડ્રગ્સના રવાડે ચડ્યો
આકાશની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, મિત્રોની સંગતને કારણે પોતે અને અમીએ એમ.ડી. ડ્રગનું સેવન ચાલુ કર્યું હતું અને આ સિવાય તેઓના લીધે જ તેના અને અમી વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. આ સિવાય આકાશે રામદેવસિંહ જાડેજા નામની વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધી હતા અને જે પરત નહીં કરતા રામદેવસિંહ જાડેજા તેઓની પાસે વ્યાજ સહિત રૂ.17 હજારની ઉઘરાણી કરી ધાકધમકી આપતા હતા. આ અંગે આગળની કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રામદેવસિંહને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.

અલ્કાબેને અગાઉ 18 જૂનના રોજ રાજકોટ SOGને લેખિત અરજી કરી હતી
અલ્કાબેને અગાઉ 18 જૂનના રોજ રાજકોટ SOGને લેખિત અરજી કરી હતી. જેમાં તેમણે સુધા ધામેલિયા એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે તેમજ કૌશિક રાણપરા, સમીર કાદરી, કરન, મયુર ખતરી, મયુર ધામેલીયા વગેરેના પોતાના પુત્ર તથા પુત્રવધૂને એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડાવ્યાની રજુઆત કરી હતી. આ અંગે જે-તે સમયે જ તેઓને સાથે રાખીને જ સુધાને એમ.ડી. ડ્રગ્સ સાથે પકડી પાડવા માટે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે સફળ થઈ નહીં પરંતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા સુધા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી.

ક્રિકેટરની માતાએ ગઇકાલે મીડિયા સમક્ષ ભાંડો ફોડ્યો હતો.
ક્રિકેટરની માતાએ ગઇકાલે મીડિયા સમક્ષ ભાંડો ફોડ્યો હતો.

ડ્રગ્સ-પેડલર સુધાની અગાઉ ધરપકડ કરાઇ હતી
બાતમીદારોને એક્ટિવ કરી 2 જુલાઈના રોજ એસ.ઓ.જી. બ્રાન્ચ દ્વારા ખાસ કરી મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સુધાને પકડી પાડી હતી અને તેને એન.ડી.પી.એસ. ગુનામાં બી. ડિવિઝન. પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નંબર 11208051210698/2021ના કામે ધરપકડ કરવામાં આવી હતી અને જેલ હવાલે કરી હતી. અલ્કાબેનની અરજીમાં અન્ય જણાવેલા નામવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓ ઉપર પણ સતત વોચ રાખવામાં આવી હતી. તેઓને એમ.ડી. ડ્રગ સાથે પકડી શકાય તે રીતેના પ્રયાસો ચાલતા હતા.

અન્ય સમાચારો પણ છે...