તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ પિતરાઈનો આપઘાત કેસ:‘આપઘાત શા માટે કર્યો’ તેની વિગતો બહાર લાવવામાં પોલીસ નિષ્ફળ; 1લીએ એકસાથે કૂવામાં ઝંપલાવ્યું હતું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર ત્રણ પિતરાઈ ભાઈ-બહેનની તસવીર - Divya Bhaskar
આપઘાત કરનાર ત્રણ પિતરાઈ ભાઈ-બહેનની તસવીર

શહેરની ભાગોળે વેજાગામ વાજડીના કૂવામાંથી ત્રણ દિવસ પૂર્વે એક યુવતી અને બે તેના પિતરાઇ ભાઇની લાશ મળી આવી હતી. ત્રણેય ભાઇ બહેને કરેલા સામૂહિક આપઘાતનું કારણ જાણવામાં પોલીસ નિષ્ફળ નિવડતા ત્રણેયનાં મોતનું કારણ પણ કૂવામાં ડૂબી ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. દિલ્હી પબ્લિક સ્કૂલ નજીક વેજાગામ વાજડી ગામની સીમમાંથી ગત તા.2ના બપોરે એક યુવતી સહિત ત્રણની લાશ મળી આવી હતી. મૃતક મનહરપુર ઢોળા પાસે રહેતી પમી હેમાભાઇ બાંભવા (ઉ.વ.18), એજ વિસ્તારમાં રહેતા કવા પબા બાંભવા (ઉ.વ.16) અને રેલનગર પાસેના સંતોષીનગરના ડાયા પ્રભાત બાંભવા (ઉ.વ.17) હોવાનું ખુલ્યું હતું.

1લી તારીખે કર્યો હતો આપઘાત
પમીના લગ્ન તે સગીરવયની હતી ત્યારે પાંચ વર્ષ પહેલા જ કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમી પુખ્તવયની થતાં તા.28ને શુક્રવારે તેને આણુંવાળીને ફગાસ ગામે પરિવારજનો મૂકી આવ્યા હતા અને તા.31ને સોમવારે પરત તેડી લાવ્યા હતા, તેના સમાજના રિવાજ મુજબ પમીનું બીજુ આણું તા.3ને ગુરુવારે વાળી તેને સાસરે મોકલવાની હતી તે પહેલા જ તા.1ને મંગળવારે રાત્રે પમી તેના બે પિતરાઇ ભાઇ કવા અને ડાયા સાથે બાઇકમાં બેસી ઘરેથી નીકળી ગઇ હતી અને બીજા દિવસે બપોરે ત્રણેયની લાશ કૂવામાંથી મળી આવી હતી.

પોલીસ કારણ ન શોધી શકી
સાસરેથી આવ્યાના બીજા જ દિવસે બે પિતરાઇ સાથે યુવતીએ કૂવામાં ઝંપલાવતા અનેક શંકાઓ ઊઠી હતી. પ્રેમપ્રકરણની શંકાએ પોલીસે મૃતકના કોલ ડિટેઇલ પર તપાસ કેન્દ્રિત કરી હતી, પરંતુ ઘટનાના ત્રણ દિવસ પછી પણ પોલીસ કોઇ નક્કર કારણ શોધી શકી નથી, પોલીસે ત્રણેય મૃતકના પરિવારજનોને બોલાવી પૂછપરછ કરી હતી પરંતુ આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું બાંભવા પરિવારે રટણ ચાલુ રાખતાં પોલીસની મૂંઝવણ વધી હતી.

ત્રણેય સાથે કૂવામાં પડ્યાં
​​​​​​​લગ્નના પાંચ વર્ષ વિત્યા હતા પરંતુ પમી સગીરવયની હોવાની કારણે સાસરે વળાવવામાં આવી નહોતી, પમી આણું વાળીને સાસરેથી આવ્યાના બીજા જ દિવસે ભાઇઓ સાથે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ, બીજી બાજુ તેના પિતરાઇ પણ તરૂણવયના હોય એવું તો શું બન્યું કે ત્રણેય રાત્રે કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા?, એવી તો કઇ સમસ્યા હતી ક ત્રણેયે સાથે કૂવો બુરવો પડ્યો, શું પમી સાસરે જવા ઇચ્છતી નહોતી, તેના બંને પિતરાઇઓ પણ એવું જ ઇચ્છતા હતા કે પમી સાસરે ન જાય અને આ વાત પરિવારના સભ્યોને કહી શકે તેમ નહી હોવાથી ત્રણેયે સાથે કૂવામાં ઝંપલાવ્યું? આવા અનેક સવાલો ઘટના સાથે લોકોમાં ચર્ચાતા હતા. પરંતુ પોલીસ આ મામલામા કારણ સુધી નહી પોહંચી શકતા ત્રણ પિતરાઇના મોતનું કારણ હવે કૂવામાં જ ડૂબી ગયાનું ચિત્ર ઉપસ્યું હતું.તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુંછે પરંતુ મૃતકના પરિવારજનો કોઇ હકિકત કહેતા નહી હોવાથી તપાસની સાચી દિશા હજુસુધી મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...