ડ્રગ્સ કેસ:લાઈસન્સ રદ કરાયું છતાં ઉત્પાદન કેમ ચાલુ રાખ્યું : કોર્ટ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરી સ્થાનિક અધિકારીઓએ ઈરાદાભેર રાખેલી ત્રુટિ બહાર લાવી હતી તે બાબતની જ કોર્ટે નોંધ લીધી
 • હાઈકોર્ટે​​​​​​​ અધિકારીઓને કહ્યું, શું તમે આરોપીની મદદ કરી રહ્યા છો?

નાર્કોટિક્સ વિભાગે જપ્ત કરેલું એનપીપી નામનું ડ્રગ્સ બનાવવાનું કેમિકલ રાજકોટની સેમ ફાઈન ઓ કેમ નામની કંપનીમાં બનાવાયું હોવાનો ધડાકો થયો હતો. નાર્કોટિક્સ વિભાગે આ કેસ પીએમઓમાં રજૂ કરતા કાર્યવાહી માગવામાં આવી હતી તેથી કંપનીનું લાઇસન્સ રદ સહિતની કાર્યવાહી કરી પીએમઓમાં રિપોર્ટ કરવાનો છે તેવો ગંભીર પત્ર નાર્કોટિક્સ વિભાગે ગુજરાત સરકારને આપ્યો હતો.

આ પત્રને આધારે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થને લાઇસન્સ રદ કરવા કહ્યું હતું પણ સ્થાનિક અધિકારીઓએ મિલીભગત કરી લાઇસન્સ રદ કરવામાં સમય કાઢ્યો તેમજ લાઇસન્સ રદ કર્યા બાદ પણ અમલવારી ન કરી આ દરમિયાન ફેક્ટરી માલિકે હાઈકોર્ટમાં સ્ટે માટે અપીલ કરી કોર્ટે સ્ટેટસ ક્વો એટલે કે જેમ છે તેમ જ રાખવા હુકમ કર્યો. આમ છતાં ફેક્ટરી ધમધમી રહી હતી.

ભાસ્કરે નાર્કોટિક્સ વિભાગના પત્ર સાથે આ મામલો બહાર લાવતા હડકંપ મચ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રને પણ આ મામલો સમજાતા કોર્ટ કાર્યવાહીમાં સક્રિય રીતે જોડાયા હતા. જેમાં 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે દલીલો સાંભળતા નોંધ લીધી હતી કે, લાઇસન્સ રદ થયા બાદ પણ કંપની હજુ ચાલુ છે અને સ્ટેટસ ક્વો મળ્યો ત્યારે પણ ચાલુ જ હતી!

કોર્ટે નાર્કોટિક્સ જેવા ગંભીર કેસમાં આવી બેદરકારીની ગંભીર નોંધ લઈ કહ્યું હતું કે, જ્યારે અવારનવાર ડ્રગ્સ પકડાય છે ત્યારે આવા આરોપ લાગ્યા હોય અને અમલવારી કરવાની હોય ત્યારે ઝડપથી કરવી પડે. ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે લાઇસન્સ રદ કર્યાનો હુકમ કરવા છતાં પોતાના હુકમની અમલવારી 20 દિવસ સુધી ન કરી અને બાદમાં કોર્ટમેટર થઈ હતી. શું તેઓ આરોપીઓને મદદ કરી રહ્યાં છે? કોર્ટે કોઇપણ દલીલ સાંભળવાને બદલે સૌથી પહેલા ક્યા સંજોગો હેઠળ લાઇસન્સ રદ થવા છતાં ઉત્પાદન 20 દિવસ સુધી ચાલુ રહ્યું તેનો ખુલાસો એફિડેવિટ સાથે કરવા હુકમ કર્યો હતો.

આ હુકમને પગલે અધિકારીઓના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી કારણ કે દિવ્ય ભાસ્કરે આ જ મુદ્દાઓ પર 23 માર્ચે અહેવાલ પ્રસિદ્ધ કરીને જવાબદાર અધિકારીને આ જ પ્રશ્ન કર્યો હતો કે, લાઇસન્સ રદ કર્યા બાદ કેમ કંપની ચાલુ છે ત્યારે એવો જવાબ અપાયો હતો કે, તેમનું કામ લાઇસન્સ રદ કરવાનું છે જો ઉત્પાદન ચાલુ હોય તો પોલીસ અથવા કલેક્ટર કાર્યવાહી કરે! એફિડેવિટ જમા કરવા 6 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો અને હવે વધુ સુનાવણી 8મીએ રાખવામાં આવી છે.

આ હતો સમગ્ર મામલો

 • મુંબઈ એરપોર્ટ પરથી 2019માં 100 કિલો એનપીપી કેમિકલ પકડાયું
 • આ કેમિકલ સલીમ ડોલા પાસેથી મળ્યું હતું અને તે આ કેમિકલ રાજકોટની સેમ ફાઈન ઓ કેમ નામની કંપનીના માલિક દીપક મહેતાએ આપ્યાનું ખુલ્યું
 • દીપક મહેતા સામે એનડીપીએસ એક્ટ હેઠળનો જુલાઈ 2019માં ગુનો દાખલ કરાયો
 • આ ઘટના બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તમામ કેસનું પ્રેઝેન્ટેશન પીએમઓમાં રજૂ કર્યું જેમાં ચર્ચા કરાઈ.
 • 31 જુલાઈ 2020ના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તરફથી ગુજરાત સરકારને પત્ર અપાયો અને રાજકોટની કંપની વિરુદ્ધ તમામ લાઇસન્સ રદ કરી પીએમઓમાં જાણ કરવા જણાવ્યું
 • 18 ઓગસ્ટ 2020ના રાજકોટ જિલ્લા કલેક્ટરે આ કાર્યવાહી કરવા ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થમાં પત્ર લખી 5 દિવસમાં કાર્યવાહી કરવા આદેશ કર્યો
 • વિભાગના નાયબ નિયામક પરમારે 40 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરી, 29-9-2020ના લાઇસન્સ રદ કર્યું
 • લાઇસન્સ રદ થયા બાદ પણ કંપનીમાં ઉત્પાદન ચાલુ રહ્યું
 • 20 ઓક્ટોબર 2020ના કંપનીએ હાઈકોર્ટમાં લાઇસન્સ રદ મામલે પિટિશન કરી
 • 23 ઓક્ટોબર 2020ના કોર્ટે કેસ હાથમાં લઈ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટેટ્સ ક્વોનો હુકમ કર્યો
 • સ્ટે ઓર્ડર ન હતો પણ સ્ટેટસ ક્વો હતો તેથી લાઇસન્સ રદ જ રહે છતાં અધિકારીઓએ ઉત્પાદન ચાલુ જ રખાવ્યું
 • ભાસ્કરે નાર્કોટિક્સ બ્યૂરોના પત્ર અને હુકમો મેળવી 23 માર્ચે 2021ના અહેવાલ પ્રસિદ્ધ કર્યો​​​​​​​
અન્ય સમાચારો પણ છે...