આજે કચ્છના ગોઝારા ભૂકંપને 21 વર્ષ પૂર્ણ થયાં છે, પરંતુ જેમણે આ ભૂકંપમાં સ્વજનો ગુમાવ્યાં છે તેમની આંખો આજે પણ એ દિવસ યાદ કરી ભરાય જાય છે. આવા જ એક રાજકોટના પરિવારની વાત કરીએ તો એક નહીં, પણ ત્રણ-ત્રણ જિંદગી ઘરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. રૂંવાડાં ઊભાં કરી દે એવી હૃદયદ્રાવક ઘટના મૃતકના ભાઇ દિનેશભાઇ ધંધૂકિયાએ દિવ્ય ભાસ્કરને વર્ણવતાં જણાવ્યું હતું કે મારા મોટા ભાઇ કિરીટને ભુજ કોર્ટમાં નોકરી મળી અને આખો પરિવાર ત્યાં શિફ્ટ થયો. નોકરી મળ્યાના બરોબર 365 દિવસ પૂરા થયા. 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા હતા. સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયાં. અમને ભુજના સમાચાર મળતાં જ જેમ તેમ કરી ત્યાં પહોંચ્યા. 11મા દિવસે કાટમાળ ખસેડ્યા બાદ ત્રણેયના મૃતદેહ એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા.
ભાઇને ભુજ કોર્ટમાં 25 જાન્યુઆરી 2000ના વર્ષમાં નોકરી મળી હતી
રાજકોટમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ બાબુભાઈ ધંધૂકિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારા 27 વર્ષીય ભાઇનું નામ કિરીટભાઇ, ભાભી સરોજબેન અને ત્રણ વર્ષની ભત્રીજી જિજ્ઞાશાને કુદરતની થપાટે છીનવી લીધાં હતાં. ભાઇએ મહેનત કર્યા બાદ ભુજ કોર્ટમાં 25 જાન્યુઆરી 2000ના વર્ષમાં નોકરી મેળવી હતી. ભાભી અને ભત્રીજી ભાઇ સાથે ત્યાં શિફ્ટ થયાં હતાં. એક જ વર્ષમાં ત્રણ-ત્રણ મૃતદેહ જોવા મળ્યા તો મનમાં એક જ વિચાર આવ્યો કે આ તે કેવી કુદરતની થપાટ.
મિલિટરીની મદદથી 11 દિવસ પછી ત્રણેયના મૃતદેહો મળ્યા હતા
અમને ભુજના ભૂકંપની જાણ થતાં જ પરિવારના અમુક સભ્યો સાથે ભુજ દોડી ગયા હતા. ચારેય બાજુ કાટમાળનાં દૃશ્યો અને લાશોના ઢગલા જોઇ શરીર પાણી-પાણી થઇ ગયું હતું. મને રીતસર ચક્કર આવવા લાગ્યાં હતાં. કોર્ટે આપેલા ક્વાર્ટરમાં ચારેય બાજુ ઇમારતની જગ્યાએ મેદાન થઇ ગયું હતું. ઘણા પ્રયત્નો પછી મિલિટરીની મદદથી ભાઇ-ભાભી અને ભત્રીજીને કાટમાળ નીચે દબાયેલા જોવા મળ્યાં હતાં. એટલો કાટમાળ હતો કે મૃતદેહો પણ નીકળે એમ નહોતા. અંતે, જવાનો અને જેસીબીની મદદથી 11 દિવસ પછી મૃતદેહો બહાર કાઢ્યા હતા. ત્રણેયને એમ હશે કે હવે બચી શકાય તેમ નથી એટલે એકબીજાને ભેટી ગયા હશે. ત્રણેયના મૃતદેહો પણ ભેટેલી હાલતમાં જ જોવા મળ્યા હતા. આજે પણ આ દિવસ યાદ આવે તો આંખ ભીની થઈ જાય છે.
મારો ભાઈ 12 વર્ષની ઉંમરથી નોકરી કરતો, માતાનું સપનું હતું કે દીકરો આધારસ્તંભ બનશે
માતા રાધાબેન સખત પરિશ્રમ કરી કિરીટભાઇને કોલેજ સુધી ભણાવ્યા હતા. તેમના માટે મોટા ભાઇ જ આશાનું કિરણ હતું કે મારો દીકરો સારી નોકરી મેળવી પરિવારનો આધારસ્તંભ બનશે. જિંદગીમાં હવે સોનાનો સૂરજ ઊગશે એવું તેમનું સપનું હતું. પરિસ્થિતિનો ખ્યાલ રાખી નાનપણથી જ અભ્યાસનો ખર્ચ ઉપાડવા મારા ભાઇ 12 વર્ષની ઉંમરે ખાનગી નોકરી કરવા લાગ્યા હતા. સાત વર્ષ સુધી ખાનગી નોકરી કરી આગળ આવવાના લક્ષ્ય સાથે મારા ભાઇ આફ્રિકાના નૈરોબીમાં રહ્યા હતા, પરંતુ કુદરતને મંજૂર ન હોય તેમ વિઝા ન મળવાથી તેમને પાછા ફરવું પડ્યું હતું.
કડકડતી ઠંડીમાં પૂઠાં પાથરી એક ચાદર ઓઢી 8 દિવસ પસાર કર્યા
મારાં ભાઇ-ભાભી અને ભત્રીજીને શોધવા માટે અમે પરિવારના કેટલાક સભ્યો ભુજ પહોંચ્યા હતા. ભુજ જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયું હોય એવાં દૃશ્યો અમે જોયાં તો શરીરમાં કંપારી છૂટી ગઇ. ચારેબાજુ કાટમાળના ઢગલા જોવા મળ્યા. એપીસેન્ટર ભચાઉ સાવ ખંડેર બની ગયું હતું. રાહત રસોડા અને રાહત છાવણી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં હતાં. મારા ભાઇ જ્યાં રહેતા હતા ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ જ નહોતી. હાડ થિજાવી દે એવી કડકડતી ઠંડી હતી. આવી ઠંડીમાં જમીન પર પૂઠાં પાથરી એક ચાદર ઓઢી આઠ દિવસ છાવણીમાં પસાર કર્યા હતા.
ત્રણેયના મૃતદેહના ભુજમાં જ અંતિમસંસ્કાર કરાયા હતા
કિરીટભાઈના ઘર સુધીના રસ્તામાં કાટમાળ ઊપડી જતાં અમને એક જીસીબી આપવામાં આવ્યું હતું. લશ્કરના સૈનિક સાથે અમે કિરીટભાઇના ઘરે સવારના આઠ વાગ્યે પહોંચ્યા. ત્રણેયના મૃતદેહો ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં એમ્બ્યુલન્સને બોલાવી સરોજનો મૃતદેહ મૂકી પાછા કિરીટભાઇ અને પુત્રી જિજ્ઞાશાનો મૃતદેહ લેવા આવ્યા, એ અરસામાં એમ્બ્યુલન્સ સરોજનો મૃતદેહને લઈ ચાલી ગઈ હતી.
ભાઈ-ભત્રીજીના મુખ્ય સ્મશાનમાં અને ભાભીના નદીના કાંઠે અંતિમસંસ્કાર કરાયા
બીજી એમ્બ્યુલન્સ બોલાવી કિરીટભાઇ અને તેમની પુત્રીના મૃતદેહ સાથે અમે સ્મશાને પહોંચ્યા હતા. ત્યાં સરોજનો મૃતદેહ પહોંચ્યો નહોતો. ભુજમાં કેટલાં સ્મશાનો છે એની માહિતી મેળવી. છેલ્લે ખારીના નદીના કાંઠે જ્યાં ત્રિવેણી ઘાટ કહેવાય છે ત્યાં સરોજનો મૃતદેહ હતો, ત્યાં જ અગ્નિદાહ આપ્યો. કિરીટભાઇ અને તેમની પુત્રીના મૃતદેહને મુખ્ય સ્મશાને અગ્નિદાહ આપી છાવણી પહોંચી ત્યાં સરકારી દફ્તરે ત્રણેયની નોંધણી કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.