સરકારી અધિકારી કે કર્મચારીઓની ફરજમાં રુકાવટના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં આસિ.આરટીઓની ફરજમાં ટ્રકના માલિક અને ટ્રકચાલકે ગર્ભિત ધમકી આપી ટ્રક લઇ જઇ ફરજમાં રુકાવટ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આસિ.આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વી.બી.પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાતે પોતે સ્ટાફ સાથે ભાવનગર-રાજકોટ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે એક અમરેલી પાસિંગની બેલા ભરેલી ટ્રક પસાર થતા તેને અટકાવી હતી. તપાસ કરતા ટ્રકમાં ઓવરલોડ બેલા ભરેલા હોય વજનકાંટે લઇ જવાની કાર્યવાહી કરતા હતા.
આ સમયે ઓનલાઇન ચેક કરતા આ ટ્રકનો ટેક્સ ભરવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એક કર્મચારીને ટ્રકમાં બેસાડી ડિટેન કરવા ઓફિસે લઇ જતા હતા. ત્યારે ટ્રકમાં બેસાડેલા કર્મચારીએ ફોન કરી ટ્રકના માલિક લાલાભાઇ આહીરે તેની સ્કોર્પિયો કાર ટ્રક આડે નાખી ઊભી રખાવી હોવાની અને પોતાને નીચે ઉતારી દીધા અંગેની જાણ કરી હતી. જેથી તુરંત પોતે ત્યાં પહોંચતા એક કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર સાથે એક શખ્સ ઊભેલો જોવા મળ્યો હતો. જે શખ્સ પોતાની પાસે આવી હું લાલાભાઇ આહીર છું આ ટ્રક મારી છે, તમે કેમ ડિટેન કરી છે.
જેથી ટેક્સ બાકી હોવાનું અને અત્યારે ટ્રકમાં ઓવરલોડ બેલા ભર્યા હોવાથી ડિટેનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી ટ્રકનો માલિક વધુ ઉશ્કેરાય જઇ પોતાની અને અન્ય કર્મચારીઓ સામે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. અને હું જોઉં છું તમે મારી ટ્રક કેમ ડિટેન કરો છો, હું તમને બધાને કાલે સવારે જોઇ લઇશ તેમ કહી તેના ચાલકને ટ્રક લઇ જતા રહેવાનું કહ્યું હતું. અમે ટ્રકને ઊભી રાખવાની કોશિશ કરતા લાલા આહીરે તેની કાર અમારા વાહનની આડે નાંખી ટ્રકને ત્યાંથી ભગાડી મૂકી હતી. આમ લાલા આહીર અને તેના ટ્રકચાલકે ફરજમાં રુકાવટ કરતા આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.