તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજવી પરિવારનો ઇતિહાસ:રાજકોટના માંધાતાસિંહને બહેન સાથે મિલકતનો વિવાદ કેમ થયો? જાણો તેઓ કેવા જાજરમાન પેલેસમાં રહે છે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ રાજ્યની રાજધાની સરધાર હતી.
  • ડેપ્યુટી કલેક્ટરે બહેનની તરફેણમાં ચુકાદો આપ્યો, હવે 31 ઓગસ્ટે કોર્ટ ચુકાદો આપશે
  • કોર્ટના નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે

રાજકોટના રાજવી ઠાકોર માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને ઝાંસી સ્થિત તેમનાં જ સગાં બહેન અંબાલિકાદેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી રૂ.1500 કરોડની મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ ચાલતા કાનૂની વિવાદમાં માંધાતાસિંહને ફટકો પડ્યો છે. વડીલોપાર્જિત મિલકતના વારસાઇ હક્કપત્રકમાંથી અંબાલિકાદેવીનું નામ બારોબાર કમી થઈ ગયું હતું, જેને લઈને અંબાલિકાદેવીએ ભાઇ ઠાકોર સાહેબ માંધાતાસિંહ તેમજ બહેનો શાંતિદેવી, ઉમાકુમારી સહિતના સામે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની કોર્ટમાં તકરારી દાવો દાખલ કર્યો હતો. અંબાલિકાદેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને તેમની તરફ ચુકાદો આપ્યો છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકાદેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતાં માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે. ત્યારે જાણીએ ઠાકોર સાહેબ માંધાતાસિંહને બહેન સાથે મિલકત વિવાદ કેમ થયો ? શું છે પરિવારનો ઇતિહાસ અને ઠાકોર માંધાતાસિંહ કેવા જાજરમાન પેલેસમાં રહે છે.

લોકોને રોજગારી આપવા માટે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો હતો.
લોકોને રોજગારી આપવા માટે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો
રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે, જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.
માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.

વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકેઃ બહેન
સામે રાજસ્થાનના પુષ્કરમાં પરણેલાં આ રાજકુમારીનું કહેવું છે કે પિતાના અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધાઅરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે.

તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.
તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

આ રીતે પિતાએ મિલકતની વહેંચણી કરી હતી
રાજકુમારીએ દીવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગસ્ટે એમાં આગળની સુનાવણી થશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાના નોટરાઇઝ્ડ વિલમાં ધર્મપત્ની માનકુમારીદેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના 13 સહાયકને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

જાડેજા વંશના નાનાભાઈ ઠાકોર જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી - પેલેસની ફાઈલ તસવીર.
જાડેજા વંશના નાનાભાઈ ઠાકોર જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી - પેલેસની ફાઈલ તસવીર.

રાજકોટની સ્થાપના, ઇતિહાસની ઝાંખી અને રાજવી પરિવાર તરફથી મળેલી શહેરને અનેક ભેટો

જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી
1608માં જામનગરના જાડેજા વંશના નાનાભાઇ ઠાકોર જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી, 1720માં મહેરામણજી બીજાને માસૂમખાને હરાવી રાજકોટમાંથી માસૂમાબાદ નામ પાડ્યું અને 12 વર્ષ માસૂમ ખાને રાજ કર્યું. મહેરામણજીને સાત પુત્ર હતા. તેમણે માસૂમખાનને હેરાન કરી મૂક્યો અને મોટા પુત્ર રણમલજી પહેલાએ માસૂમખાનને મારી નાખી રાજ્ય પાછું મેળવ્યું અને એનું નામ પણ રાજકોટ પુનઃ સ્થાપિત કર્યું.1746માં રણમલજીના પુત્ર લાખાજી (પહેલા) રાજવી બન્યા, પરંતુ એ ધાર્મિકવૃત્તિના હોવાથી પોતાની હયાતીમાં જ તેમણે વહીવટ પુત્ર મહેરામણજી ત્રીજાને સોંપી દીધો

પેલેસની મધ્યમાં એક સાથે 24 રાજવી સદસ્યો જમી શકે તેવું વિશાળ ડાઈનિંગ ટેબલ છે.
પેલેસની મધ્યમાં એક સાથે 24 રાજવી સદસ્યો જમી શકે તેવું વિશાળ ડાઈનિંગ ટેબલ છે.

રાજકોટ રાજ્યની રાજધાની સરધાર હતી
રાજકોટના રાજા તરીકે રણમલજી બીજા ઇસ 1796માં બિરાજ્યા, જેમણે રાજગાદી સરધારથી રાજકોટ સ્થાપી. તેમના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજા બન્યા હતા. એ દરમિયાન રાજકોટમાં બ્રિટિશ શાસનની એજન્સી સ્થપાઇ હતી. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલાં 222 રજવાડાં હતાં, 1820માં બ્રિટિશ એજન્સીની સ્થાપના સૌરાષ્ટ્રમાં થઇ પછી રજવાડાંના કદ મુજબ 9થી 15 તોપની સલામીમાં વિભાજિત કર્યાં, જેમાં રાજકોટનો પણ સમાવેશ થતો હતો. રાજકોટ રાજ્યનું ક્ષેત્રફળ 1820માં 730 ચોરસકિમી હતું અને એમાં 64 ગામ હતાં તેમજ રાજકોટ રાજ્યની રાજધાની સરધાર હતી.

ઠાકોર માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક કરાયો હતો - ફાઈલ તસવીર.
ઠાકોર માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક કરાયો હતો - ફાઈલ તસવીર.

1883થી 85 વચ્ચે રાજકોટમાં હોસ્પિટલ પણ બનાવાઈ
1877માં દુષ્કાળ પડ્યો ત્યારે લોકોને રોજગારી આપવા માટે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આજે પણ આ પેલેસ રાજપરિવારનું નિવાસસ્થાન છે. પેલેસ 6 એકરમાં ફેલાયેલો છે અને એમાં 100થી વધુ રૂમ અને 3 સ્વિમિંગ પૂલ છે. રાજકોટમાં રાંદરડા તળાવનું નિર્માણ, પરા બજારનું બાંધકામ, જુગાર અટકાવવાનો કાયદો, પશુ-પક્ષીના શિકારનો કાયદો વગેરે બાવાજીરાજ બાપુના સમયમાં થયેલાં નોંધપાત્ર કામ છે. 1883થી 85 વચ્ચે રાજકોટમાં હોસ્પિટલ પણ બનાવાઇ હતી.

રાજાશાહીમાં પણ લોકશાહીનાં મૂલ્યો જળવાયાં
બાવાજીરાજ બાપુ પછી 1890થી 1930 સુધી લાખાજીરાજ રાજકોટના રાજવી રહ્યા અને પ્રજાએ તેમને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજ્યા. રાજકુમાર કોલેજમાં ભણ્યા. ઉપરાંત તેઓ દેહરાદૂન જઇને ઇમ્પિરિયલ કેડેટ કોર્પ્સમાં લશ્કરી તાલીમ લઇ આવ્યા હતા. રાજાશાહીમાં પણ લોકશાહીનાં મૂલ્યો જાળવનાર રાજવી તરીકે તેઓ પ્રખ્યાત હતા. લાખાજીરાજ પછી ધર્મેન્દ્રસિંહ રાજકોટના રાજા બન્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ લો કોલેજની સ્થાપના તેમના સમયમાં થઇ હતી. લાખાજીરાજ પુસ્તકાલયની શરુઆત તેમના સમયમાં થઇ અને તેમની પ્રતિમા પણ મુકાવી.

પેલેસમાં વિન્ટેજ કારનું મોટું કલેક્શન છે.
પેલેસમાં વિન્ટેજ કારનું મોટું કલેક્શન છે.

રાજકોટમાં કોલેજ શરૂ કરવાની તૈયારી થઈ
રાજકોટમાં કાપડ માર્કેટ પણ ધર્મેન્દ્રસિંહજીના સમયમાં સ્થપાયું. રાજકોટ રોલ્સરોય 1934 અને સિલ્વર ચેરિએટ 1934, બન્ને તેમણે પોતાની આગવી સૂઝથી બનાવડાવી હતી, જેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.1925માં ગાંધીજીને દરબારગઢ ખાતે જાહેર સમારોહમાં સન્માનપત્ર, સ્મૃતિચિહન આપીને તેમનું સન્માન કર્યું હતું. તેમના સમયમાં જ રાજકોટમાં કોલેજ શરૂ કરવાની પણ તૈયારી શરૂ થઈ હતી.

માંધાતાસિંહજી 17મા રાજવી બન્યા છે.
માંધાતાસિંહજી 17મા રાજવી બન્યા છે.

પ્રદ્યુમ્ન પાર્ક જેવા સુંદર સ્થળની ભેટ આપી
છપ્પનિયા દુષ્કાળ વખતે તેમણે ઠેર ઠેર કેટલ કેમ્પ શરૂ કરાવ્યા હતા. રાજ્યમાં ગ્રામપંચાયત અને ગ્રામ સ્વરાજ તેમના સમયમાં શરૂ થયા. લંડન અને મુંબઇની બર્ગમેન એન્ડ હોફમેન કંપનીએ રાજકોટમાં ઓઇલ મિલ સ્થાપવાની ઇચ્છા પણ તેમના સમયમાં દર્શાવી હતી. જોકે વૂલન અને કાપડમિલ તેમણે પોતે શરૂ કરાવી હતી. વીજળીઘરની યોજના પણ લાવ્યા હતા. લાખાજીરાજને સંતાન ન હોવાથી તેમના અવસાન પછી તેમના ભાઇ પ્રદ્યુમ્નસિંહજી આવ્યા, જે રાજાશાહી સમયના છેલ્લા રાજા હતા. આઝાદી વખતે તેમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાજ્ય સોંપ્યું હતું. ઠાકોર સાહેબ પ્રદ્મુમ્નસિંહજીએ રાજકોટને પ્રદ્યુમ્ન પાર્ક જેવા સુંદર સ્થળની ભેટ આપી હતી.

માંધાતાસિંહના રાજ્યાભિષેક વખતે ભવ્ય સમારોહ આયોજિત કરાયો હતો.
માંધાતાસિંહના રાજ્યાભિષેક વખતે ભવ્ય સમારોહ આયોજિત કરાયો હતો.

લોકશાહીની ચૂંટણીપ્રક્રિયાના માધ્યમથી ચૂંટાઈ, લોકોની સતત સેવા કરી
રાજકોટ જેમને દાદાના નામે ઓળખે છે એ મનોહરસિંહજી જાડેજા પ્રદ્યુમ્નસિંહજીના જ પુત્ર. તેઓ લોકશાહીની ચૂંટણીપ્રક્રિયાના માધ્યમથી ચૂંટાયા, લોકોની સતત સેવા કરી. બેસ્ટ પાર્લમેન્ટરિયન તરીકે તેઓ ઓળખાયા. મનોહરસિંહજીના અવસાન બાદ તેમના પુત્ર માંધાતાસિંહ, જેઓ 17મા રાજવી બન્યા છે અને તેમના પુત્ર જયદીપસિંહને યુવરાજ તરીકે નવાજવામાં આવશે. માંધાતાસિંહજી જાડેજા પણ લોકોની વચ્ચે રહીને એ પરંપરા નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમમાં ડાયરેક્ટર તરીકે તેમણે જવાબદારી નિભાવી, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો

રાજકોટના અગાઉના રાજવીઓનાં નામ અને તેમનો કાર્યકાળ

1. ઠાકોર વિભાજી(1608 -1635) 2.ઠાકોર મહેરામણજી પ્રથમ(1635 -1656) 3.ઠાકોર સાહેબજી(1656 - 1675) 4.ઠાકોર બામણિયાજી(1675 - 1694) 5. ઠાકોર મહેરામણજી બીજા(1694 - 1720) 6.ઠાકોર રણમલજી પ્રથમ(1732 - 1746) 7.ઠાકોર લાખાજી પ્રથમ(1746 - 1776 તેમજ 1794 - 1796) 8.ઠાકોર મહેરામણજી ત્રીજા(1776 - 1794) 9.ઠાકોર રણમલજી બીજા(1796 - 1825) 10.ઠાકોર સૂરાજી(1825 - 1844) 11.ઠાકોર મહેરામણજી ચોથા(1844 - 1862) 12.ઠાકોર બાવાજીરાજ(1862 - 1890) 13.ઠાકોર લાખાજીરાજ(1890 - 1930) 14 ઠાકોર ધર્મેન્દ્રસિંહજી(1930 - 1940) 15.ઠાકોર પ્રદ્યુમ્નસિંહજી(1940 - 1973) 16.ઠાકોર મનોહરસિંહજી(1973 - 2018) 17.ઠાકોર માંધાતાસિંહજી(27.09.2018)