દ્વારિકેશ પાર્ક-1માં રહેતી સપના ઉર્ફે કાજલ ચંદ્રકાંત પારેખ પર ધર્મના ભાઇ શક્તિસિંહ ગોહિલ અને અબ્દુલ દાઉદે છરીથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કાજલની ફરિયાદ મુજબ, તેને ભાવેશ ભટ્ટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સંતાનમાં પુત્રી છે. દરમિયાન પતિ ભાવેશ સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા લીધા હતા. બાદમાં તે પુત્રી સાથે દ્વારિકેશ પાર્કમાં રહી ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. 3 મહિના પહેલા ગોપી ઉર્ફે રૂખસાર હાસમાણી સાથે પરિચય થયા બાદ તે પોતાની સાથે રહે છે.
દરમિયાન સોમવારે ઘર પાસે જ રહેતી સહેલી ભક્તિ બચાણીના ઘરે ગઇ હતી. ત્યારે અગાઉ જેને રાખડી બાંધતી હતી તે શક્તિસિંહ ગોહિલ અને તેનો મિત્ર અબ્દુલ દાઉદ સાથે બહેનપણીના ઘરે આવ્યા હતા. અને ગોપીને તું શા માટે બદનામ કરે છે. તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. હજુ પોતે કંઇ સમજે તે પહેલા જ અબ્દુલે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. બાદમાં શક્તિસિંહે હવે જો ગોપીને ખોટી રીતે બદનામ કરીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી બંને ભાગી ગયા હતા. બનાવ બાદ સહેલી દોડી આવતા પોતાને હોસ્પિટલ લઇ ગઇ હતી.
બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસમથકના એએસઆઇ સબાડ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત કાજલની પૂછપરછ કરતા ગોપી 3 મહિનાથી સાથે રહેતી હોય અને રાત્રીના સતત કોઇ સાથે ફોન પર વાત કરતી રહેતી હોય તેનું ચારિત્ર બરાબર ન હોવાનું ન લાગતા ગોપીના પતિ કે જેનું નામ પોતાને આવડતું ન હોય તેને વાત કરી હતી. જેનો ખાર રાખી જેને રાખડી બાંધતી હતી તેવા ધર્મના ભાઇ સહિત બે શખ્સે હુમલો કર્યાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.