પાટીદારકાર્ડ કેટલું સફળ થશે?:ધોરાજી બેઠક પર ભાજપના ડો. પાડલિયા VS કોંગ્રેસના વસોયા, લેઉવા-કડવા પટેલના જંગમાં કોની થશે જીત!

રાજકોટએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગતરોજ 160 ઉમેદવારનું લાંબું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં પ્રથમ અને દ્વિતીય બંને તબક્કામાં યોજાનારી ચૂંટણીનાં મતક્ષેત્રના ઉમેદવારોનો સમાવેશ થાય છે. યાદી જાહેર થયા બાદ બાકીના 22 ઉમેદવારનાં નામોને લઈને ભાજપના હાલના ધારાસભ્ય તથા ટિકિટ વાંછુઓમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે. આજે સવારે ભાજપ દ્વારા વધુ 6 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જ્યારે નિર્ણાયક ગણાતી ધોરાજી બેઠક પર ભાજપે ડો. મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ ધોરાજી બેઠક પર સતત કોંગ્રેસને જીત અપાવતા લલિત વસોયાના નામની જાહેરાત કરી છે અને AAP દ્વારા લેઉઆ પટેલ વિપુલ સખિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ધોરાજીની બેઠક પર લેઉવા-કડવા પટેલ વચ્ચે રસાકસીનો જંગ યોજાયો છે.

ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વિપુલ સખિયા.
ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વિપુલ સખિયા.

ત્રિ-પાંખિયા જંગમાં કોની જીત થશે
ઉલ્લેખનીય છે કે ધોરાજી AAPમાં જૂથવાદ વકરી રહ્યો છે, કારણ કે ગત ઓકટોબર માસમાં જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે ધોરાજીમાં બેનર યુદ્ધ શરૂ થયું હતું. એમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વિપુલ સખિયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં હતાં. એમાં 'કેજરીવાલ સાહેબ જિંદાબાદ, ઉમેદવાર વિપુલ સખિયા મુર્દાબાદ', 'પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોનો એક જ સૂર- આયાતી ઉમેદવારને કરો દૂર', 'આમ આદમી પાર્ટી કો બચાવો, પાર્ટી કે દલાલો કો ભગાવો', સહિતનાં લખાણ સાથેનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. ત્યારે જોવાનું રહેશે કે આ ત્રિ-પાંખિયા જંગમાં કોની જીત થશે.

AAPના ઉમેદવાર વિપુલ સખિયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં.
AAPના ઉમેદવાર વિપુલ સખિયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં.

કોણ છે ડો. મહેન્દ્ર પાડલિયા?
ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી બેઠક પર ડો. મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે. તેમની કારકિર્દીની વાત કરીએ તો ડો. મહેન્દ્ર પાડલિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ અપાવ્યો છે. ડો.મહેન્દ્ર પાડલિયા, જેમણે બી.એસ.સી., એલએલ એમ., પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે, જેઓ 1997થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ, 2000થી 2005 રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, 2005થી 2010 જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, 2009થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ કન્વીનર તરીકે તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી, 1981થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક, 2011થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, 2016થી 2019 ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ તરીકેની સફળ કામગીરી કરી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી બેઠક પર ડો. મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી બેઠક પર ડો. મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે

ધોરાજી બેઠક પર જામશે લેઉવા-કડવાનો જંગ
ધોરાજી-ઉપલેટા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હટાવી શકે તેવા ઉમેદવાર માટે ગત મોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યું હતું. અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપ હારી જતાં આ વખતે કડવા પટેલના શિક્ષિત ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલિયાની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે લેઉવા પટેલ લલિત વસોયાને કર્યા રિપીટ કર્યા છે તો ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ધોરાજી બેઠક પર લેઉવા-કડવા પાટીદાર વચ્ચે જંગ જામશે.

કોણ છે લલિત વસોયા?
કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તેઓ પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસવાયબીકોમનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે.

લલિત વસોયાની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી છે.
લલિત વસોયાની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી છે.

ગત ચૂંટણીમાં લલિત વસોયાની જંગી બહુમતીથી જીત
વર્ષ 2017માં કોંગ્રેસના લલિત વસોયા ખૂબ મોટા અંતરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને ચૂંટણી હરાવવામાં સફળ રહ્યા હતા. લલિત વસોયા ધારાસભ્ય બન્યા બાદ તેઓ પક્ષપલટો કરશે તેવા અહેવાલોને લઈને પાછલાં પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં મહેન્દ્ર પાડલિયાનું નામ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરતાં તમામ શક્યતાનો અંત આવ્યો છે. લલિત વસોયા આગામી 14 તારીખે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન રજૂ કરશે એવું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

ધોરાજીના ઉમેદવારનું ભાવિ 2.68 લાખ મતદારના હાથમાં
ધોરાજી વિધાનસભા બેઠકના ઉમેદવારનું કૂલ 2,68,676 મતદાર ભાવિ નક્કી કરશે. ભાજપ, કોંગેસ, આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ધોરાજી ઉપલેટા-75 વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટમાં લેઉવા પટેલ, કડવા પટેલ, ઓબીસી,દલિત મુસ્લીમ સહિતના સમાજના મતદારો નિર્ણાયક બની રહ્યા છે, ત્યારે ધોરાજી વિધાનસભા બેઠકમાં પુરુષ 1,38,708, સ્ત્રી 1,29,766 સહિત કુલ 2,68,676 મતદાર છે, જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાના છે. ચૂંટણીતંત્ર દ્વારા 272 મતદાર મથક ખાતે મતદાન અંગે તૈયારીઓ હાથ ધરાઈ છે, જેમાં ધોરાજીનાં 125, ઉપલેટાનાં 147 મતદાન મથકો ખાતે મતદાન કરવામાં આવશે.

AAP દ્વારા લેઉવા પટેલ વિપુલ સખિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
AAP દ્વારા લેઉવા પટેલ વિપુલ સખિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્યાંગો માટે ભૂતવડ શાળામાં વ્યવસ્થા
દિવ્યાંગો માટે ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓ માટે સાત બૂથ, ઉપલેટા ખાતે એક ઈકો ફ્રેન્ડલી બૂથ, ધોરાજી ખાતે મોડલ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા ચૂંટણી દરમિયાન 1962 બૂથ પોલિંગ સ્ટાફ કામગીરી કરશે અને 28 ઝોનલ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
ધોરાજી વિધાનસભાના ચૂંટણી અધિકારી જયેશ લિખયા, ધોરાજી મામલતદાર જાડેજા, ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ચૂંટણી કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઈ ગોહિલ સહિતના પોલીસે સ્ટાફે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવણી કરશે.

કોંગ્રેસે લેઉવા પટેલ લલિત વસોયાને રિપીટ કર્યા છે.
કોંગ્રેસે લેઉવા પટેલ લલિત વસોયાને રિપીટ કર્યા છે.

ત્રિ-પાંખિયા જંગ તરફ મતદારોની મીટ
ધોરાજી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખેલાનારા ત્રિપાંખિયા જંગ તરફે મતદારો મીટ માંડી રહ્યા છે. ટૂંક સમયમાં જ જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ચેક પોસ્ટ ઊભી કરીને પસાર થતાં વાહનોના કડક ચેકિંગ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેથી શંકાસ્પદ સાધનો, વાહનો અને વધારેપડતી રોકડની હેરફેર પર બાજનજર રાખી શકાય અને આચારસંહિતાનો ભંગ થાય એ પહેલાં જ એના પર પ્રતિબંધ લગાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...